For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદમાં રોડ પર ઉભી રહેતી 'નોનવેજ'ની લારીઓ આજથી હટાવાશે

- મ્યુનિ.ટાઉન પ્લાનિંગની બેઠકમાં ઝૂંબેશ અંગે નિર્ણય લેવાયો

- દુકાનોમાં મટન હવે લટકતું રાખી નહીં શકાય, માર્જિનની જગ્યાના દબાણો દુર કરાશે

Updated: Nov 15th, 2021

અમદાવાદ,તા.15 નવેમ્બર 2021, સોમવારArticle Content Image

અમદાવાદ શહેરમાં આજથી રોડ પર ઉભી રહેતી નોનવેજની લારીઓ હટાવવાની ઝૂંબેશ હાથ ધરાશે. દુકાનોની આગળ માર્જિનની જગ્યામાં લારીઓ સહિતના દબાણો પણ દુર કરવામાં આવશે. મ્યુનિ.કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીની સોમવારે યોજાયેલી બેઠકમાં ઉપરોક્ત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ધાર્મિક સ્થળ, સ્કૂલ-કોલેજ, ગાર્ડન, કોમ્યુનિટી હોલની ૧૦૦ મીટરની ત્રિજયામાં નોનવેજની લારી હોવી ન જોઇએ તેવો ઠરાવ અગાઉની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાઇ ચૂક્યો છે. હીજી તરફ હાઇકોર્ટે પણ આ અંગેની ગાઇડલાઇન બહાર પાડેલી છે. 

સોમવારે મ્યુનિ.ટાઉન પ્લાનિંગની બેઠકમાં જીરો અવર્સમાં આ અંગેની ચર્ચાઓ યોજાઇ હતી. જેમાં સર્વાનુંમતે નિર્ણય લેવામા ંઆવ્યો હતો કે મંગળવારથી જ શહેરમાં તમામ સાતેય ઝોનમાં નોનવેજની લારીઓ રોડ પરથી દુર કરવાની ઝૂંબેશ હાથ ધરવી. આ અંગે જેતે અધિકારીઓને પણ સુચના આપી દેવામાં આવી છે.

દુકાનોમાં જે  રીતે મટન લટકતા હોય છે તેને પણ હવે તે સ્થિતિમાં રાખી નહીં શકાય.  મટનને પેકિંગમાં જ રાખવા પડશે. દુકાનમાં લટકતા મટનને દુર કરાશે. હેલ્થ લાયસન્સ પણ હવે રાખવું ફરજિયાત રહેશે. દુકાનોની  આગળ માર્જિનની જગ્યામાં દુકાનદારો લારી-ગલ્લાના દબાણો કરાવીને ભાડાની આવક ઉભી કરી દેતા હોય છે. તે પણ હવે ચલાવી નહીં લેવાય. માર્જિનની જગ્યામાં થયેલા તમામ પ્રકારના દબાણો દુર કરાશે. જરૂર પડયે દુકાનદાર સામે પણ પગલા લેવામા ંઆવશે.

નોનવેજની લારીઓ, દુકાનોમાં લટકતા મટન, માર્જિનની જગ્યામાં થયેલા દબાણોના મામલે મંગળવારથી જ ઝૂંબેશ હાથ ધરાશે. સમજાવટ, નોટિસ અને ત્યારબાદ સીલ મારવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરાશે.

Gujarat