આજથી રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ: ગાંડી સાસરે જાય નહીં અને ડાહીને શિખામણ આપે...
અકસ્માતોથી બચવા લોકોને સૂફિયાણી સલાહો આપતા સરકારી વિભાગો પોતાની જ ફરજ પ્રત્યે બેદરકાર
માર્ગો અકસ્માતો માટે લોકોની બેદરકારી કરતા પણ વધારે પાલિકાઓ, પંચાયતો અને સરકારી વિભાગોની પ્રામાણિકતાથી કામ ન કરવાની વૃત્તિ કારણભૂત
અમદાવાદ, બુધવાર
તાજેતરમાં ક્રિકેટર રિષભ પંતના ગંભીર કાર અકસ્માત તથા સપ્ટેમ્બર ૨૦૨૨માં થયેલા સાયરસ મિસ્ત્રી જીવલેણ અકસ્માત બાદ દેશમાં માર્ગ સલામતીની ચર્ચાઓએ વેગ પકડયો છે. માર્ગ સલામતી અંગે લોકોને જાગૃત કરવા માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા ૧૯૮૯થી જાન્યુઆરીમાં માર્ગ સલામતી સપ્તાહ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ ૧૧ જાન્યુઆરીથી ૧૭ જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. પરંતુ માર્ગ અકસ્માત અંગે લોકોને સૂફિયાણી સલાહો આપતા સરકારી વિભાગો પોતાની કામ કરવાની ફરજ અને જવાબદારીઓમાંથી હાથ ખંખેરી રહ્યા છે. માર્ગ અકસ્માતો માટે લોકોની બેદરકારી કરતા પણ વધારે પાલિકાઓ, પંચાયતો અને સરકારી વિભાગોની પ્રામાણિકતાથી કામ ન કરવાની વૃત્તિ કારણભૂત હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે.
દર વર્ષે દેશભરમાં લાખો લોકો અકસ્માતનો ભોગ બને છે. જેમાંથી આશરે ૪૦ ટકા જેટલા લોકો મૃત્યુ પામે છે. અકસ્માતમાં કેટલાક લોકોના ઘર વિખેરાઈ જાય છે, કેટલાક બાળકો અનાથ બની જાય છે, તો કેટલાક માતા-પિતા પોતાના બાળકો ગુમાવે છે. અકસ્માત માટે મોટાભાગે ડ્રાઇવરની બેદરકારીને જવાબદાર ગણવામાં આવે છે. પરંતુ ભાગ્યે જ અકસ્માત માટે તંત્રની બેદરકારી વિરૂદ્ધ સવાલો કરવામાં આવે છે. અકસ્માત સર્જાવવા માટે વિવિધ કારણો હોય છે, જેના માટે કેટલીવાર તંત્ર પણ જવાબદાર હોય છે. એનસીઆરબીના રિપોર્ટ અનુસાર તમામ માર્ગ અકસ્માતમાંથી આશરે ૫૦ ટકા જેટલા અકસ્માત ઓવર સ્પીડિંગના લીધે થાય છે. આ કારણની જાણ હોવા છતાં રસ્તા પર યોગ્ય પ્રમાણમાં સ્પીડ માપવા માટેના મીટર લગાવવામાં આવતા નથી અને જ્યાં લગાવવામાં આવ્યા છે, ત્યાં તે જાળવણીના અભાવે બંધ હાલતમાં છે. અમદાવાદના એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં આવી જ હાલત જોવા મળે છે. વાહનોની ગતિને નિયંત્રણ રાખવા માટે માત્ર 'ઝડપની મજા, મોતની સજા' જેવા કાવ્યાત્મક સૂત્રોના બોર્ડ લગાવી તંત્ર કામ કર્યાનો સંતોષ માને છે.
રાતના
૯ વાગ્યા સુધી શહેરમાં ટ્રક,
ડમ્પર વગેરે જેવા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં તે
રસ્તા ઉપરથી પસાર થતાં જોવા મળે છે. જેના વિરૂદ્ધ ટ્રાફિક પોલીસ કોઈ પગલાં લેતી નથી.
ઉપરાંત ઓવરલોડ વાહનોના લીધે પણ ગંભીર અકસ્માત સર્જાતા હોય છે. ખાનગી કારમાં પાંચ
લોકોથી વધારે મુસાફરો હોય તો તેમના પાસેથી પોલીસ દ્વારા દંડ વસૂલવામાં આવે છે.
તેની સામે સરકારી બસ તેમજ શટલ રિક્ષામાં તેમની ક્ષમતા કરતા બમણા લોકો બેસાડેલા
હોવા છતાં કોઈ પગલાં લેવાતા નથી. આટલું જ નહીં, કામગીરીના
નામે રસ્તા ઉપર આડેધડ સ્પીડ બ્રેકર લગાવી દેવામાં આવે છે જે અકસ્માતને નોતરે છે!
ઉપરાંત સ્પીડ બ્રેકર પરના આછા પડી ગયેલા સફેદ પટ્ટાને ફરી દોરવામાં આવતા નથી.
યોગ્ય જગ્યાએ રેડિયમવાળા સ્ટીકરો પણ લગાવવામાં આવતા નથી.
બિસ્માર
રસ્તાઓ અકસ્માત પાછળના બીજા મુખ્ય કારણોમાંથી એક છે. અમદાવાદ શહેરના રસ્તાઓ પર ઠેર
ઠેર ખાડા પડવાથી રસ્તા ખખડધજ હાલતમાં છે. રસ્તાઓનું સામાન્ય સમારકામ કરવામાં તંત્ર
મહિનાઓ કાઢી નાંખે છે. કેટલીય વખત રસ્તાઓ પર ખોદકામ કરી તેમને જે તે હાલતમાં છોડી
દેવાય છે. રસ્તા પરના ગેરફાયદેસર દબાણો અંગે કડક પગલાં લેવાતા નથી. જેથી રસ્તાઓ
સાંકડા બનતા ટ્રાફિક તેમજ અકસ્માત સર્જાય છે. સાથે જ દેખાવ માટે કેટલીક જગ્યાએ
સ્ટ્રીટ લાઈટ, સીસીટીવી અને ટ્રાફિક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. પરંતુ તેમને ચાલુ
કરવા માટે કોઈ કાર્યવાહી થતી નથી.
પ્રજાને જાગૃત કરવાની સાથે તંત્ર જો પોતે પણ પોતાની કામગીરી અંગે જાગૃત થાય તો સવારે ઘરેથી નીકળેલા લોકો રાત્રે સહી સલામત પોતાના ઘરે પરત ફરી શકે તેમ છે. જેથી માર્ગ સલામતી અંગે તંત્ર પોતાની જવાબદારી ગંભીરતાથી સમજે તો પણ અકસ્માતમાં ઘર વિખેરાઈ જવાની ઘટનાઓમાં ઘટાડો થઈ શકે છે.
માર્ગ અકસ્માતો માટે સરકારી વિભાગોની બેદરકારી
· બિસ્માર રસ્તા
· આડેાધડ ખોદકામ
· રખડતા પશુઓ
· ડિવાઈડરનો અભાવ
· બંધ સ્ટ્રીટ લાઇટ
· નબળુ ટ્રાફિક નિયમન
· લાંબા સમય સુધી ચાલતા કામ
· રસ્તા પરના દબાણો
· ભારે વાહનોની હેરાફેરી
· ઓવરલોડ વાહનો
·
અણધડ
સ્પીડ બ્રેકર