For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હંગામી કર્મચારીઓની હડતાળ પાંચમા દિવસે સમેટાઈ ગઈ

Updated: Aug 5th, 2022

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના હંગામી કર્મચારીઓની હડતાળ આજે પાંચમા દિવસે સમેટાઈ ગઈ હતી.

કર્મચારીઓના ૧૭ આગેવાનોની ટીમ આજે  રજિસ્ટ્રારને મળવા ગઈ હતી .કર્મચારી આગેવાનોએ રજિસ્ટ્રાર સમક્ષ સપ્ટેમ્બર મહિના સુધીમાં કર્મચારીઓના પગાર વધારાની અને કાયમી કરવા માટેની કાર્યવાહી કરવાની માંગણી મુકી હતી અને રજિસ્ટ્રારે આ માટે ખાતરી આપી હતી.જેના પગલે કર્મચારીઓએ હડતાળ ખતમ કરવાની જાહેરાત કરી હતી.

જોકે કર્મચારીઓની નોકરી પર સૌથી મોટા ખતરા સમાન આઉટસોર્સિંગ અંગે શું નિર્ણય લેવાશે તેની કોઈ ચર્ચા થઈ જ નથી.આ બાબતે હંગામી કર્મચારીઓમાંથી મોટા ભાગના અંધારામાં છે.કેટલાક હંગામી કર્મચારીઓ એવો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે, વાટાઘાટો કરનારા કર્મચારી આગેવાનોની ટીમે મૌખિક રીતે અપાયેલી ખાતરીને કેમ સ્વીકારી લીધી?આ ખાતરી લોલીપોપ પણ સાબિત થઈ શકે છે .ખરેખર તો કોઈ પણ સંજોગોમાં હંગામી કર્મચારીઓની નોકરીઓનુ આઉટસોર્સિંગ નહીં કરવામાં આવે તેવી ખાતરી લેખિતમાં લેવાની જરુર હતી.આ પહેલા પાંચમાં દિવસે વાઈસ ચાન્સેલર પ્રો.શ્રીવાસ્તવનો અંતરાત્મા જાગ્યો હતો અને તેઓ સિન્ડિકેટ સભ્યોની સાથે કર્મચારીઓને મળવા માટે પહોંચ્યા હતા.તે વખતે વાઈસ ચાન્સેલરે તેમને કહ્યુ હતુ કે, કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ આગામી માર્ચ મહિના સુધી અમે લંબાવવા તૈયાર છે અને તે દરમિયાનમાં ખાલી પડેલી ૫૩૮ જગ્યાઓ ભરવા માટે સરકારમાંથી મંજૂરી લેવાની કાર્યવાહી હાથ ધરાશે.જોકે તે વખતે  કર્મચારીઓ માન્યા નહોતા અને લેખિત ખાતરીનો આગ્રહ રાખ્યો હતો.ગણતરીના કલાકો બાદ આ જ કર્મચારી આગેવાનોએ રજિસ્ટ્રારે આપેલી મૌખિક ખાતરીને સ્વીકારી લીધી હતી.જેનાથી કર્મચારી સંગઠનોના બીજા આગેવાનો પણ નારાજ થયા હતા.

Gujarat