For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં એક મહિનામાં સ્વાઇન ફ્લૂના ૧૩૧૫ કેસ, ૩૪ મૃત્યુ

-કોરોના કરતાં પણ સ્વાઇન ફ્લૂ વધુ ઘાતક બન્યો

-આ વર્ષે સ્વાઇન ફ્લૂના સૌથી કેસ-સૌથી વધુ મૃત્યુમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા સ્થાને

Updated: Sep 25th, 2022

અમદાવાદ,રવિવાર

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કેસ અને તેનાથી થતાં મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. એક મહિનામાં જ સ્વાઇન ફ્લૂના કુલ ૧૩૧૫ કેસ નોંધાયા છે જ્યારે ૩૪ વ્યક્તિના મૃત્યુ થયા છે. વર્ષ ૨૦૨૨માં સ્વાઇન ફ્લૂથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત બીજા સ્થાને છે.

નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (એનસીડીસી) દ્વારા જારી કરવામાં આવેલી વિગતો અનુસાર ગુજરાતમાં જુલાઇ સુધી સ્વાઇન ફ્લૂના કુલ સત્તાવાર ૨૦૫ કેસ નોંધાયા હતા અને ૧ વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જોકે,  ઓગસ્ટ માસ દરમિયાન સ્વાઇન ફ્લૂના કેસ અને મૃત્યુઆંકમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. આ સ્થિતિએ રાજ્યમાં ઓગસ્ટમાં દરરોજના સરેરાશ ૪૨ નવા કેસ સામે આવ્યા હતા અને ૧થી વધુ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. ગુજરાતમાં વર્ષ ૨૦૧૮માં સ્વાઇન ફ્લૂના ૨૧૬૪ કેસ-૯૭ મૃત્યુ, ૨૦૧૯માં ૪૮૪૪ કેસ-૧૫૧ મૃત્યુ, ૨૦૨૦માં ૫૫ કેસ-૨ મૃત્યુ અને ૨૦૨૧માં ૩૩ કેસ-૨ મૃત્યુ નોંધાયા હતા.આમ, પાંચ વર્ષમાં ૨૮૭ વ્યક્તિ સ્વાઇન ફ્લૂ સામે જીવ ગુમાવ્યો છે.

ઓગસ્ટ સુધી સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસ-મૃત્યુ થયા હોય તેમાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં ૨૬૦૩ કેસ નોંધાયા છે જ્યારે ૧૧૧ વ્યક્તિના મૃત્યુ થયા છે. સમગ્ર દેશમાં આ વર્ષે ઓગસ્ટ સુધી સ્વાઇન ફ્લૂના કુલ ૬૮૨૦ કેસ નોંધાયા અને ૧૭૫ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. દેશમાં સ્વાઇન ફ્લૂથી જે મૃત્યુ થયા છે તેમાંનાં ૨૦ ટકા માત્ર ગુજરાતમાં છે.

વર્ષ ૨૦૨૨માં કયા રાજ્યમાં સ્વાઇન ફ્લૂથી સૌથી વધુ મૃત્યુ?

રાજ્ય          કેસ      મૃત્યુ

મહારાષ્ટ્ર       ૨૬૦૩   ૧૧૧

ગુજરાત        ૧૫૨૦   ૩૫

પંજાબ          ૪૭      ૦૯

રાજસ્થાન      ૧૭૮     ૦૮

કેરળ          ૧૬૫       ૦૩

Gujarat