Get The App

ક્રાઇમ રોકવા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચાર તંબુ ચોકીઓ બનાવવામાં આવશે

ભાયલી-સમિયાલા ટીપીરોડ, શેરખી ચોકડી, મહાપુરા-અંપાડ ચોકડી અને નિલામ્બર ન્યુ રિંગરોડ ખાતે ચોકી ઊભી કરાશે

Updated: Oct 10th, 2024

GS TEAM

Google News
Google News
ક્રાઇમ રોકવા  શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચાર તંબુ ચોકીઓ બનાવવામાં આવશે 1 - image

વડોદરા, તા.10 વડોદરા નજીક ભાયલીની સીમમાં અવાવરુ જગ્યા પર વિદ્યાર્થિની પર ગેંગરેપની ઘટના બાદ જિલ્લા પોલીસ સફાળી જાગી છે અને વડોદરાનો પશ્ચિમ વિસ્તાર જે ડેવલપ થઇ રહ્યો છે તેવા સ્થળોએ કામચલાઉ ચોકી ચાર સ્થળે મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે વડોદરાનો પશ્ચિમ વિસ્તાર ખૂબ ઝડપથી વિકાસ પામી રહ્યો છે અને સાથે સાથે આ વિસ્તારોમાં નવા રોડ પણ બની રહ્યા છે. પશ્ચિમ વિસ્તારના અનેક રોડ રાત્રિ પડતાંની સાથે જ નિર્જન થઇ જાય છે. આવી સ્થિતિનો લાભ ઉઠાવી અનેક લુખ્ખા તત્વો સક્રિય થઇ જાય છે. આવા નિર્જન સ્થળોએ દારૃની ડિલિવરી ઉપરાંત કોઇ એકાંત માણવા આવેલા યુગલો પાસેથી પૈસા ખંખેરવાના કિસ્સાઓ પણ બનતા હોય છે.

શહેરના પશ્ચિમ સૂમસામ વિસ્તારોમાં અઘટિત તેમજ પૈસા પડાવવાના બનાવો બનતા અટકાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા એક પ્લાન બનાવવામાં આવ્યો છે. જે માટે પ્રાથમિક તબક્કે તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ચાર સ્થળોએ નાની ચોકીઓ મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ ચોકી ભાયલી-સમિયાલા ટીપીરોડ બીજી ચોકી શેરખી ચોકડી પાસે, ત્રીજી ચોકી મહાપુરા-અંપાડ ચોકડી અને ચોથી ચોકી નીલામ્બર ન્યુ રિંગરોડ પર મૂકવામાં આવશે. ચારેય ચોકીઓ કોર્પોરેશન અથવા પંચાયત વિસ્તારમાં વિસ્તારમાં આવતી હોવાથી જે તે તંત્ર પાસેથી લાઇટ કનેક્શન સહિતની સુવિદ્યાઓ મેળવવા માટે સરકારી વિભાગો સાથે સંપર્ક કરવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું  હતું કે નવી તંબુ ચોકીઓ ઊભી કર્યા બાદ તેમાં જીઆરડી સહિતનો કાયમી સ્ટાફ પણ બેસાડવામાં આવશે. ખાસ કરીને રાત્રિના સમયે આ સ્ટાફ આવા અવાવરૃ સ્થળોએ ચેકિંગ હાથ ધરશે.



Tags :