For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદમાં ભાજપની ઐતિહાસિક જીતઃ કોંગ્રેસનો રકાસ,આપ બેઅસર

જીલ્લાની ૨૧માંથી ૧૯ બેઠકમાં ભાજપની જંગી જીત

૨૦૧૭ કરતા ભાજપે ચાર બેઠક વધુ મેળવી-કોંગ્રેસને ચાર બેઠકનું નુકશાન ઃ ભાજપે ઉભા રાખેલા નવા ૧૬ ઉમેદવારમાંથી ૧૫ જીત્યા

Updated: Dec 9th, 2022

Article Content Imageઅમદાવાદ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની તમામ બેઠકો પર ભાજપ,કોંગ્રેસ અને આપના ઉમેદવારો સાથે ત્રીપાંખીયો જંગ હતો અને ત્રણેય પક્ષો માટે અમદાવાદ આબરૃનો પ્રશ્ન હતો ત્યારે ભાજપે અમદાવાદ જીલ્લાની ૨૧ બેઠકોમાંથી ૧૯ બેઠકોમાં જંગી જીત મેળવી છે અને કોંગ્રેસે માત્ર બેઠક મેળવી સંતોષ માનવો પડયો છે.૨૦૧૭ની ચૂંટણીની સરખામણીએ ભાજપે ચારે બેઠક વધુ મેળવી છે અને કોંગ્રેસે ચાર બેઠક ગુમાવી છે.ભાજપે ૨૧ બેઠકોમાંથી ૧૬ બેઠકો પર નવા ઉમેદવારો ઉભા રાખ્યા હતા જેમાંથી ૧૫ જીત્યા છે.સીએમ ઉમેદવાર એવા ભુપેન્દ્ર પટેલ ઘાટલોડીયામાં ૧.૯૨ લાખ મતોની લીડથી રેકોર્ડબ્રેકર સાબીત થયા છે અને વટવામાં ભાજપના બાબુસિંહ જાદવની જીત સાથે પ્રદિપસિંહ જાડેજાની દાવ પર લાગેલી પ્રતિષ્ઠા કાયમ રહી છે.જ્યારે નિકોલ બેઠકના ભાજપના મંત્રી ઉમેદવાર એવા જગદીશ વિશ્વકર્મા પણ જીત્યા છે.

અમદાવાદ શહેરની ૧૬ અને ગ્રામ્યની પાંચ સહિત કુલ ૨૧ બેઠકોના ચૂંટણી પરિણામે રાજકીય વિશ્લેષકોથી માંડી સૌ કોઈને ચોંકાવી દીધા છે.અમદાવાદનો ગઢ ગણાતી અને ગત ચૂંટણીના પરિણામ મુજબ જે બેઠકો કોંગ્રેસ માટે સલામત ગણાતી હતી કે જે બેઠકોમાં કોંગ્રેસની જીત નક્કી લાગતી હતી તેમાં ભાજપે કબ્જો મેળવી લેતા કોંગ્રેસ છાવણીમાં ભારે નિરાશા ફેલાઈ છે. જીલ્લાની કુલ ૨૧ બેઠકોમાંથી ભાજપે ૧૯ બેઠકો પર ભગવો લહેરાવ્યો છે અને કોંગ્રેસના ફાળે માત્ર બે બેઠક જ આવી છે.કોંગ્રેસ દરિયાપુર બેઠક પણ મેળવી શકી નથી. દરિયાપુરની બેઠક પર છેલ્લી બંને ચૂંટણીમાં કોગ્રેસના ઉમેદવાર ગ્યાસુુદ્દીન શેખ જીત્યા હતા અને ભાજપ આ બેઠક બે ચૂંટણીથી હારતુ આવ્યુ છે ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપે દરિયાપુર બેઠક પર પણ કબ્જે કરી લીધી છે.જો કે કોંગ્રેસના ગ્યાસુદ્દિન શેખે આ બેઠક માત્ર ૫૨૦૦ મતોથી ગુમાવી છે.

અમદાવાદ જીલ્લાની તમામ બેઠકો પર જ્યાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ સાથે આપે પણ ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને ત્રીપાંખીયો જંગ જામ્યો હતો ત્યારે આપ બેઅસર રહેતા એક પણ બેઠક પર આપની અસર જોવા ન મળતા ખાતુ પણ ખોલાવી શક્યુ નથી.ગ્રામ્યની વિરમગામ બેઠક પર આપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર કરતા પણ પાંચ હજાર વધુ  મતો સાથે ૪૭૪૪૮ મતો મેળવ્યા છે પરંતુ તેમ છતાં હાર્દિક પટેલની ૫૧ હજારથી વધુની લીડ સુધી પહોંચી શક્યા ન હોઈ આ બેઠકમાં પણ આપનું જોર ચાલુ ન હતું.જ્યારે ૨૧ બેઠકોમાંથી છ બેઠકોમાં તો આપના ઉમેદવાર ૧૦ હજાર વોટ પણ મેળવી શક્યા નથી.કોંગ્રેસના નરોડાના ઉમેદવાર મેઘરાજ ડોડવાણી પણ ૧૦ હજાર વોટ ન મેળવી શક્યા અને ૮૦૨૭ વોટ સાથે કોંગ્રેસના તમામ હારેલા ઉમેદવારોમાંથી સૌથી ઓછા મેળવવામાં પ્રથમ રહ્યા છે. મહત્વનું છે કે અમદાવાદ શહેરની ૧૬માંથી ૧૪ અને ગ્રામ્યની તમામ પાંચેય બેઠક સહિત ૧૯ બેઠકો ભાજપે કબ્જે કરી લીધી છે ત્યારે વિધાનસભા ચૂંટણીના ઈતિહાસમાં પ્રથમવાર ભાજપ સૌથી વધુ બેઠકો પર જીત્યુ છે અને કોંગ્રેસની આ અત્યાર સુધીની સૌથી વધુ શરમજનક હાર રહી છે. અમદાવાદની જમાલપુર-ખાડીયા બેઠક કે જે ગત વર્ષે પણ ભાજપ હાર્યુ હોઈ આ વખતે ભાજપે ગત ઉમેદવારને જ રીપીટ કર્યા હતા પરંતુ ભાજપને આ બેઠક જીતવાની આશા હતી અને પ્રચારમાં વડાપ્રધાન પણ આવી ગયા હતા. વડપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમવાર કોટ વિસ્તારમાં રોડ શો કરીને જંગી પ્રચાર કર્યો હતો અને આ રોડ શો અગાઉ નક્કી ન હોવા છતાં થોડા જ કલાકમાં નક્કી કરીને ખાનપુરથી સારંગુપર સુધીનો રોડ શો વડાપ્રધાને કર્યો હતો તેમજ જમાલપુર-ખાડીયા અને દાણીલીમડા બેઠક કવર કરી હતી.જો કે આ બંને બેઠક ભાજપે ગુમાવવી પડી છે.પરંતુ ૧૯ બેઠક પર ભાજપની જંગી જીત અને ત્રણ બેઠકોમાં તો ૧ લાખથી વધુની લીડ તેમજ ચાર બેઠકમાં ૮૦ હજારથી વધુની લીડ અને ચાર બેઠકમાં ૫૦ હજારથી વધુની લીડ સાથે ભાજપના ઉમેદવારો જીત્યા છે.સવારે પરિણામ આવવાની શરૃઆત થતા જ અમદાવાદના ત્રણેય કાઉન્ટિંગ સેન્ટરો પર અને ભાજપ કાર્યલાય ખાતે ભાજપની જંગી જીતની ઉજવણી શરૃ થઈ હતી અને વીજય સરઘસો નીકળ્યા હતા.

 

Gujarat