For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિજય રૂપાણીના નિવાસસ્થાને ધારાસભ્યોનો જમાવડો થયો

- ત્રણ જૂથો વચ્ચે આંતરિક ખેંચતાણ જામી

- નીતિન પટેલ, પુરષોત્તમ સોલંકીના નિવાસસ્થાને બેઠક મળી, ગુપ્ત બેઠકોનો દોર શરૂ થયો

Updated: Sep 15th, 2021

Article Content Image

અમદાવાદ

મંત્રીમંડળની રચનાએ ભાજપ મોવડી મંડળ માટે માથાનો દુખાવો બની રહ્યો છે. આંતરિક ખેંચતાણને પગલે ભાજપના  ધારાસભ્યોની ખાનગી બેઠકોનો દોર શરૂ થયો છે જેના કારણે ભાજપના નેતાગણ ચિંતિત બન્યા છે. પૂર્વ મંત્રીઓએ વિજય રુપાણીના નિવાસસ્થાને દોડી ગયા હતાં અને રજૂઆતો કરી હતી. 

નવા મંત્રીમંડળ માટે હજુ સુધી નામો નક્કી થઇ શક્યા નથી.સિનિયરોની બાદબાકી કરવાની નીતિ અપનાવતા ભાજપમાં ડખો ઉભો થયો છે. આંતરિક રોષ એટલી હદે ભભૂક્યો છેકે, ભાજપના પૂર્વ મંત્રી-ધારાસભ્યોની બેઠકો મળવા માંડી છે. બપોરે દસ વાગે ધારાસભ્યોને ગાંધીનગર પહોંચી જવા સૂચના અપાઇ હતી ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બપોર સુધી અમદાવાદ સ્થિત તેમના નિવાસસ્થાને જ રહ્યા હતાં. 

સૂત્રોના મતે, આજે પૂર્વ મંત્રી કિશોર કાનાણી, યોગેશ પટેલ, વાસણ આહિર, બચુ ખાબડ, ઇશ્વર પરમાર સહિતના  ધારાસભ્યો વિજય રુપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતાં જયાં મંત્રીપદ મુદ્દે રજૂઆત કરાઇ હતી. આ ઉપરાંત પુરષોત્તમ સોલંકી અને ખુદ નિતિન પટેલના નિવાસસ્થાને પણ ધારાસભ્યોએ બેઠક કરી હતી.  આમ, ભાજપના ત્રણ જૂથો વચ્ચે આંતરિક ખેંચતાણ જામી છે જેના કારણે મંત્રીમંડળની રચનામાં અવરોધ સર્જાયો છે. 

આખરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટ્વિટ કરતા શપથવિધી કેન્સલ હોવાની જાણ થઇ

રાજકીય ગડમથલ બાદ પણ ભાજપના પ્રદેેશ નેતાઓ મંત્રીના નામ નક્કી કરી શક્યા ન હતાં. સવારથી એવી ચર્ચા હતી કે, રાજભવનના પ્રાંગણમાં સાંજે ચાર વાગે શપથવિધી યોજાશે. આ રાજકીય અફવાને પગલે પાટનગરની ગલિયારીમાં રાજકીય માહોલ ઉતેજનાસભર બન્યો હતો. ભાજપના ધારાસભ્યોએ પણ રાજભવન પાસે આંટાફેરા શરૂ કર્યા હતાં.આખરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કર્યું કે, તા.૧૬મી સપ્ટેમ્બરે બપોરે ૧.૩૦ વાગે રાજભવનના પ્રાંગણમાં શપથગ્રહણ સમારોહ યોજાશે . આ ટ્વિટને પગલે બુધવારે યોજાનારી શપથવિધી કેન્સલ થઇ હોવાનો ખુલાસો થયો છે. પછી એવી ખબર પડીકે, આંતરિક ખેંચતાણને કારણે શપથવિધી રદ થઇ હોવાનુ જાણવા મળ્યુ હતું.

Gujarat