For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

20 લાખ ડિસ્કાઉન્ટથી મર્સિડીઝ તો ન મળી, રૂ. 45 લાખનું ચીટિંગ થયું

Updated: Nov 26th, 2021


Article Content Image

મર્સિડીઝ ઈ-કલાસની 76 લાખ કિંમત કહી 20 લાખ ડિસ્કાઉન્ટ

શિલજમાં રહેતા કારખાનેદારને મિત્ર થકી મળેલા જામનગરના શખ્સે બીજી વ્યક્તિની કંપની દ્વારા પૈસા મેળવી લઈ છેતરપિંડી કરી!

અમદાવાદ : મર્સિડીઝ ઈ-કલાસ કાર ઉપર 20 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ અપાવવાની વાત કરીને કારખાનેદાર સાથે 45 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. શિલજમાં રહેતા ભગવતભાઈ શાહ નામના કારખાનેદારે મિત્રોને વાત કરી હોવાથી મિત્ર થકી જામનગરનો દિલીપસિંહ ભારાણી નામનો શખ્સ મળ્યો હતો.

આ શખ્સે ભગવતભાઈના મિત્રની કંપની થકી પેમેન્ટ મેળવ્યું હતું. કુલ 57 લાખ રૂપિયા મેળવ્યા પછી થોડા પૈસા પરત મળ્યાં પણ દિલીપસિંહ ભારાણી નામનો શખ્સ 45 લાખની છેતરપિંડી કરી ગયો છે. ક્રાઈમ બ્રાન્ચે તપાસ કાર્યવાહી શરૂ કરી છે.

શીલજના આર્યમાન બંગલોઝમાં રહેતા કારખાનેદાર ભગવતભાઈ વિઠ્ઠલદાસ શાહે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના મોટાભાઈ રાજેશભાઈ માટે મર્સિડીઝ કાર લેવાની હોવાથી મિત્ર સૌરીનભાઈ સાથે મે-2021માં વાત થઈ હતી.

સૌરીનભાઈના એડવોકેટ મિત્ર વિશાલભાઈએ વોટ્સ-એપ ગુ્રપમાં એક મર્સિડીઝ કાર 76 લાખમાં વેચવાની છે અને 20 લાખના ડિસ્કાઊન્ટ છે તેવો મેસેજ મુક્યો હતો. સૌરીનભાઈએ આ મેસેજ શેર કરવા સાથે વિશાલભાઈનો નંબર આપ્યો હતો. ભગવતભાઈએ વાત કરતાં વિશાલભાઈએ કહ્યું હતું કે, એડવોકેટ મિત્રના પુત્ર કીર્તન રાવ દિલીપસિંહ ભારાણી પાસેથી મોંઘી કાર ડિસ્કાઉન્ટથી લાવી આપે છે.

આ અંગે વાત કરવામાં આવતા દિલીપ ભારાણીએ સ્કીમ સમજાવી હતી કે, મર્સિડીઝ ઈ ક્લાસ કારમાં ડાયરેક્ટ કંપનીમાં પેમેન્ટ કરીને ડીલર પાસેથી ગાડી અપાવીએ છીએ. ડીલરમાં બુકીંગ નાંખી રિસીપ્ટ પણ આપવામાં આવશે તેવી વાત કરી હતી. દિલીપસિંહ ભારાણીએ જણાવેલી સ્કીમ મુજબ કીર્તન રાવની કંપની છે તેમની પાસેના પર્ફોર્મા પ્રમાણે મર્સિડીઝ ઈ-કલાસ કાર બૂક કરાવીને 57.76 લાખ ટ્રાન્સફર કર્યા હતા.

દિલીપસિંહના કેહવા મુજબ પૈસા ટ્રાન્સફર કરતાં માક્રોસ્કોમ એલએલપીના લેટરપેડ ઉપર પેમેન્ટ મળ્યાની પહોંચ અને ડીલીવરી કન્ફર્મેશન આપવામાં આવ્યા હતા. ચાર પાંચ દિવસમાં બુકીંગનું કન્ફર્મેશન ન મળતાં દિલીપસિંહને ફોન કર્યો હતો. જવાબમાં તેમણે નોઈડાની સિલ્વર એરો ઓટોમોબાઈલ પ્રા.લિ.ની એક લાખની કાર બુકીંગની રિસીપ્ટ આપી હતી.

આ પછી કીર્તન રાવે ફોન કરી ચાર લાખ રૂપિયા ફરિયાદીને ટ્રાન્સફર કર્યા હતા અને એ રકમ ડીલરને ચૂકવવા કહ્યું હતું. પૈસા જમા કરાવવામાં આવ્યા પછી કીર્તને ફોન કરીને જણાવ્યું હતું કે, દિલીપસિંહના કહેવાથી તમે જે પૈસા આપ્યા હતા તેમાંથી 45 લાખ રૂપિયા દિલીપસિંહને મોકલી આપ્યા છે. આ વાત કરી દિલીપસિંહ સાથે વાત કરી લેવા કહેવાયું હતું.

ભગવતભાઈએ દિલીપસિંહને વાત કરતાં તેણે કાર અઠવાડિયામાં આવી જશે તેવી ખાતરી આપી હતી. આ પછી દિલીપસિંહે ફોન ઉપાડવાના બંધ કર્યા હતા અને વોટ્સ-એપ મેસેજ કરી જુદા જુદા વાયદા કરતા હતા.

જુન મહિનામાં પૈસા ચૂકવ્યા છતાં ઓગષ્ટ મહિના સુધી મર્સિડીઝ કાર અપાવવામાં આવી નહોતી. તા. 24 ઓગષ્ટે દિલીપસિંહે ઓડિયો મેસેજ કરીને કહ્યું હતું કે, આ પેમેન્ટ તમે કીર્તન રાવની કંપનીમાં આપ્યું છે તો તે પૈસા મારે તમને પરત આપવાના હોવાથી એક લેટર લખી આપો. આ પૈસા તમને દિલીપસિંહ ભારાણીની કંપનીમાંથી આવે તો વાંધો નથી.

ગોળ ગોળ વાતો કરી કાર અને પૈસા ન અપાતાં અરજી આપવામાં આવી હતી. દિલીપભારાણીએ 15 લાખનો ચેક મોકલાવ્યા પછી સ્ટોપ પેમેન્ટ કરાવી દીધું હતું. આમ, 20 લાખનું ડીસ્કાઊન્ટ અપાવવાનું કહી મર્સિડીઝ કારની ખરીદીના નામે કુલ 45 લાખ રૂપિયાની છેતરપિંડી કરાયાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવાઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુળ જામનગરના દિલીપસિંહ ભારાણીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat