Get The App

કંપનીઓના કંગાળ ઉત્પાદનને કારણે મોંઘી વીજળીની કરવી પડતી ખરીદી

સસ્તી વીજળી પેદા કરતાં પ્લાન્ટની ૪થી ૨૦ ટકા ક્ષમતાએ વીજળી પેદા કરીને લોકોને ખર્ચબોજ તળે કચડતી કંપનીઓ

Updated: Sep 12th, 2022

GS TEAM

Google News
Google News
કંપનીઓના કંગાળ ઉત્પાદનને કારણે મોંઘી વીજળીની કરવી પડતી ખરીદી 1 - image


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર

ગત શનિવારે ગરમી વધતા વીજળીની ડિમાન્ડ વધીને ૨૦,૦૦૦ મેગાવોટ થઈ જતાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમની કંપનીઓને આયાતી કોલસામાંથી પેદા કરવામાં આવતી મોંઘી વીજળી ખરીદવાની ફરજ પડી રહી છે. સૌથી આઘાતજનક બાબત એ છે કે ભાવનગરની લિગ્નાઈટ આધારિત વીજ કંપની યુનિટદીઠ રૃા. ૨.૬૦થી ૨.૮૦ના ભાવે વીજળી આપી શકતી હોવા છતાંય તેની કુલ ક્ષમતાના માત્ર ૫ ટકા ક્ષમતાએ વીજળી પેદા કરવામાં આવી રહી છે.

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ તરફથી મળી રહેલા આંકડાઓ મુજબ ગાંધીનગર, ઉકાઈ ટીપીએસ અને વણાકબોરી(કોલસા), સિક્કા ટીપીએસ(આયાતી કોલસા), કેએલટીપીએસ, બીએલટીપીએસ(બંને લિગ્નાઈટ), ધુવારણ અને ઉત્રાણ (ગેસ) અને ઉકાઈ અને કડાણા (જળવિદ્યુત) પ્લાન્ટ મળીને માંડ ૨૯.૪ ટકા વીજળી જ પેદા કરે છે. ધુવારણ અને ઉત્રાણના ગેસ આધારિત પાવર પ્લાન્ટને ગેસની વીજળી મોંઘી પડતી હોવાથી ૯૭૦ મેગાવોટની ક્ષમતા સામે શૂન્ય મેગાવોટ વીજળી પેદા કરવામાં આવી રહી છે. આ બંને પાવર પ્લાન્ટ ગુજરાતની જનતા માટે ધોળા હાથી પુરવાર થઈ રહ્યા છે. ગુજરાતની કુલ ૬૬૭૦ મેગાવોટ વીજળી પેદા કરવાની ક્ષમતા સામે માત્ર ૧૯૬૪ મેગાવોટ વીજળી પેદા કરવામાં આવે છે. સૌથી વધુ ૨૨૭૦ મેગાવોટ વીજળી પેદા કરતા વણાકબોરી પાવર પ્લાન્ટમાં માત્ર ૨૦. ૩ ટકા વીજળી પેદા થાય છે. 

સૌથી સસ્તી વીજળી આપવાને સમર્થ બીએલટીપીએસનો પાવર પ્લાન્ટ સરેરાશ ૪થી ૫ ટકા ક્ષમતાએ ચાલી રહ્યો છે. પહેલી સપ્ટેમ્બરે ૧૯.૨ ટકા, બીજી સપ્ટેમ્બરે ૧૮.૬ ટકા, ત્રીજી સપ્ટેમ્બરે ૧૯.૮ ટકા, ચોથી સપ્ટમ્બરે ૨૦ ટકા ક્ષમતા, પાંચમી સપ્ટમ્બરે ૧૯ ટકા ક્ષમતા, છઠ્ઠી સપ્ટમ્બરે ૪ ટકા ક્ષમતા, સાતમી સપ્ટેમ્બરે શૂન્ય ટકા, આઠમી અને દસમી સપ્ટેમ્બરે અનુક્રમે ૫.૪ ટકા અને ૧૧૬.૬ ટકા ક્ષમતાએ વીજળી પેદા કરવામાં આવી હતી. આમ ૮૦ ટકાથી ૯૫ ટકા ક્ષમતા વણવપરાયેલી જ રહે છે. ગુજરાત વીજ નિયમન પંચ નહોર વિનાનો કાગળનો વાઘ બની ગયું છે.


Tags :