For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સે-17/22 પાસે કચરાપેટીમાંથી કચરાના નિકાલમાં તંત્રની આળસ

- રખડતાં ઢોરો ખોરાકની શોધમાં કચરાપેટીની આસપાસ જ અડીંગો જમાવીને બેસી રહે છે

Updated: Nov 29th, 2020

Article Content Image

ગાંધીનગર, તા. 29 નવેમ્બર, 2020, રવિવાર

ગાંધીનગર શહેરમાં સ્થાનિક તંત્ર દ્વારા મુખ્ય શોપીંગ સેન્ટરો તેમજ માર્ગોની આસપાસ કચરાપેટી મુકવામાં આવી છે જેથી કચરાનો યોગ્ય રીતે નિકાલ થઇ શકે પરંતુ નિયમિત કચરાપેટીમાંથી કચરો ઉલેચવામાં નહીં આવતાં ભરાઇ જતી હોય છે. તેના પગલે કચરાપેટીની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય સર્જાતું હોય છે અને રખડતાં ઢોરો પણ ખોરાકની શોધમાં કચરાને અસ્તવ્યસ્ત કરતાં હોય છે. નિયમિત સફાઇ કરવામાં તંત્ર આળસ દાખવતું હોય તેવું શહેરમાં ઠેકઠેકાણે નજરે પડી રહ્યું છે. ત્યારે સેક્ટર-૧૭/રરની પાસે તંત્ર દ્વારા જે કચરાપેટી મુકવામાં આવી છે તેમાં રોજ એકઠા થતાં કચરાનો નિકાલ કરવામાં નહીં આવતાં રોજ ઉભરાઇ જતી કચરાપેટીનો કચરો કચરાપેટીની આસપાસ પડી રહે છે અને ગંદકીમાં પણ વધારો કરે છે. તો કચરાના કારણે દુર્ગંધનો સામનો પણ લોકોને કરવો પડે છે. ત્યારે ખોરાકની શોધમાં આવતાં રખડતાં ઢોરો પણ કચરાપેટીમાં ફાંફાફોળા કરતાં હોય છે અને કચરાને પણ અસ્તવ્યસ્ત કરી દેતાં આસપાસ એકઠો થતો કચરો શહેરની સુંદરતામાં પણ ઘટાડો કરી રહ્યો છે. 

તંત્ર દ્વારા એક તરફ સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત સફાઇ બાબતે વિવિધ અભિયાનો ચલાવવામાં આવી રહ્યાં છે ત્યારે નિયમિત કચરાપેટીમાંથી સાફ સફાઇ થાય તે માટે કોઇ આયોજન હાથ ધરવામાં નહીં આવતાં ઠેકઠેકાણે આવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. માર્ગોની આસપાસ જ કચરાપેટીનો કચરો બહાર નિકળતો હોવાના કારણે રખડતાં ઢોરો આવી ચઢતાં હોય છે અને અવર જવર કરતાં વાહનચાલકોને પણ અકસ્માતના ભયે પસાર થવું પડે છે.

Gujarat