For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ફૂલછોડના કુંડાની માટી ખાલી કરાવી બોમ્બ સ્ક્વૉડ દ્વારા ચકાસણી કરાઈ !

- સિમેન્ટના કુંડા નજીક મેટલ ડિટેક્ટરે બીપ બીપ અવાજ કરતાં

- 24 કુંડાની માટી રોડ પર ઠલવાયા બાદ ફરી છોડ રોપાયા એરપોર્ટથી સર્કલ વચ્ચે ઝીણવટભરી તપાસ કરાઈ

Updated: Feb 20th, 2020

Article Content Image

અમદાવાદ, તા. 19 ફેબ્રૂઆરી, 2020, બુધવાર

મોટેરા સ્ટેડિયમના લોકાર્પણ પ્રસંગે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાન હોવાથી સલામતીના કારણોસર તમામ બાબતોની ઝીણવટભરી ચકાસણી ચાલુ થઈ છે. આજે એરપોર્ટથી તાજ હોટેલની વચ્ચે મુકેલા ફૂલછોડના 24 જેટલા કુંડાઓમાંથી માટી બહાર કઢાવીને ચકાસણી કડક રીતે કરવામાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકારના મેટલ ડિટેક્ટર અને બોમ્બ સ્કવોડના અધિકારીઓ રૂટની ચકાસણી માટે નીકળ્યા હતા. દરમ્યાન 24 જેટલા સિમેન્ટના મોટા કુંડા અને તેમાં લહેરાતા ફૂલછોડ પર તેમની નજર ગઈ હતી. સિમેન્ટના કુંડા બનાવતી વખતે તેમાં લોખંડના સળિયા વાપરવામાં આવે છે.

જેના કારણે મેટલ ડિટેક્ટર નજીક જતાં જ ટું ટું..નો અવાજ કરવા માંડયું હતું. જેના કારણે સિક્યોરિટી સ્ટાફે ગાર્ડન ખાતાના કર્મચારીઓને બોલાવી તમામ કુંડાઓમાંથી માટી બહાર કઢાવીને તળિયા સુધી ચકાસણી કરી હતી અને બાદમાં માટી અને છોડ ફરી કુંડામાં મૂકી દેવા જણાવ્યું હતું. બાદમાં ત્યાં ઢોળાયેલી માટીનો કચરો ઉપડાવી લેવા સફાઈ ખાતાના કર્મચારીઓને કામે લગાડયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે આ પ્રકારના સિમેન્ટના કુંડાઓ અન્યત્ર પણ મુકાયેલા છે ઉપરાંતમેરો રેલના રૂટ પર ટ્રેકની નીચે ગ્રીન પેચમાં પણ નવા ફૂલછોડ ઉગાડવામાં આવ્યા છે. પોલીસ અને મેટલ ડિટેક્શન ખાતા દ્વારા થયેલી ચકાસણી બાદ પણ ટ્રમ્પની સુરક્ષા માટે આવેલી સિક્યોરિટી સર્વિસ તમામ બાબતોની ખૂબ જ ઝીણવટભરી ચકાસણી કરશે તેમ મનાય છે. આ સંજોગોમાં અનેક બાબતોમાં ફેરફાર કરવા પડશે તેમ જણાય છે.

Gujarat