For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ધો.9થી12માં હવે 30 ટકા હેતુલક્ષી પ્રશ્ન : 12 સાયન્સમાં 50 ટકા MCQ

- ધો.9થી12માં મોટા પ્રશ્નોનું પ્રમાણ 80 ટકાથી ઘટાડી 70 ટકા કરાયું

- પ્રશ્નોમાં ઈન્ટરનલને બદલે હવે જનરલ ઓપ્શન રહેશે

Updated: Nov 20th, 2020

Article Content Image

અમદાવાદ, તા. 20 નવેમ્બર, 2020, શુક્રવાર

કોરોનાને પગલે સ્કૂલો હજુ ખુલી નથી અને ક્યારે રાબેતા મુજબ ખુલશે તે પણ નક્કી નથી ત્યારે કલાસરૂમ શિક્ષણના અભાવે વિદ્યાર્થીઓ પર વાર્ષિક પરીક્ષાઓ-બોર્ડ પરીક્ષાઓનો તણાન રહે તે માટે સરકારની સૂચનાથી બોર્ડે ધો.9થી12ની પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરફાર કર્યા છે.જે મુજબ ધો.9થી12માં હવે 30 ટકા હેતુલક્ષી પ્રશ્ન રહેશે અને ધો.12 સાયન્સમાં 50 ટકા એમસીક્યુ પેટર્ન યથાવત રખાઈ છે.

ચાલુ શૈક્ષણિક વર્ષ એટલે કે 2020-21 માટે ધો.9, 10 અને ધો.11 શ્ર વિજ્ઞાાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ) અને ધો.12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષાના પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી એટલે કે ટૂંકા પ્રશ્નોનું પ્રમાણ 20 ટકાથી વધારી હવે 30 કરવામા આવે છે. જ્યારે વર્ણનાત્મક એટલે કે મોટા-વિસ્તારીત પ્રશ્નોનું પ્રમાણ  80 ટકા હતુ જે ઘટાડી 70 ટકા કરવામા આવે છે.

જ્યારે ધો.12 સાયન્સમાં 50 ટકા એમસીક્યુ પેટર્ન યથાવત રાખવામા આવી છે.ગુજરાત બોર્ડે આમ ધો.10-12ની બોર્ડ પરીક્ષામાં એમસીક્યુ પેટર્ન દૂર કરવાનો નિર્ણય કર્યા બાદ માર્ચ 2019 પુરતુ ઉગ્ર રજૂઆતો-માગને પગલે 12 સાયન્સમાં એમસીક્યુ પેટર્ન યથાવત રહી હતી અને 2021ની બોર્ડ પરીક્ષામાં એમસીક્યુ પેટર્ન ફાઈનલી દૂર થનાર હતી.

પરંતુ કોરોનાને પગલે સ્કૂલોમાં જ્યાં કલાસરૂમ શિક્ષણ થયુ નથી અને પરીક્ષાનો તણાવ પણ વિદ્યાર્થીઓ પર ન રહે તે માટે બોર્ડે 12 સાયન્સમાં 50 ટકા એમસીક્યુ પ્રશ્નોની પેટર્ન  2021ની બોર્ડ પરીક્ષા માટે યથાવત રાખી છે.જો કે ધો.10માં એમસીક્યુ પેટર્ન નથી. આ ઉપરાંત અન્ય ફેરફારોમાં ગુજરાત બોર્ડે  ધો.9થી12માં વર્ણનાત્મક પ્રશ્નોમાં ઈન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવાનું નક્કી કર્યુ છે.

જેથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઘણી સરળતા રહેશે. બોર્ડ દ્વારા ધો.10 અને 12ના વિષયોના સુધારેલ અભ્યાસક્રમ મુજબ પ્રકરણદીઠ ગુણભાર, પ્રશ્નપત્રનું માળખુ અને નવા પરિરૂપની વિગતો તેમજ ધો.9 અને 11ના વિષયોના સુધારેલ કોર્સ  મુજબ  પ્રકરણદીઠ ગુણભાર તથા પ્રશ્નપત્રના માળખાની વિગતો થોડા દિવસમાં વિધિવત રીતે જાહેર કરવામા આવશે. 

ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા મેમાં લેવાનાર છે તથા  ધો.9-11ની વાર્ષિક પરીક્ષા જુનમાં થનાર છે. જ્યારે ધો.9 અને 11માં જે અગાઉ વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો બ ોર્ડ દ્વારા તૈયાર થનાર હતા તે પણ હવે  બોર્ડને બદલે જે તે સ્કૂલો દ્વારા જ તૈયાર થશે.બોર્ડ દ્વારા આ ફેરફારો આ વર્ષ પુરતા જ કર્યા છે અને આ બાબતે તમામ ડીઈઓને પણ પરિપત્ર કરી સ્કૂલોને જાણ કરવા આદેશ કરવામા આવ્યો છે.

Gujarat