For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તબીબી અધિકારીઓની હડતાલથી જિલ્લામાં આરોગ્યની સેવાઓ ઠપ્પ

Updated: Jun 25th, 2021

Article Content Image

વિવિધ પ્રશ્નો નહીં ઉકેલાતાં ગાંધીનગરના ઇનસર્વિસ ડોક્ટર્સ પણ આંદોલનમાં જોડાયાં

૪૦ જેટલા તબીબોએ સીએલ રીપોર્ટ આપ્યાઃઆરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટર વગર ઓપીડી ચાલી નહીઃરસીકરણ અને કોવિડની કામગીરીને પણ અસર

ગાંધીનગર: કોરોના વખતે જે ડોક્ટરો ઉપર પુષ્પવર્ષા કરીને તેમને કોરોના વોરિયર્સ તરીકે સન્માન આપવામાં આવ્યું હતું તે તબીબો દ્વારા પોતાના પ્રાણપ્રશ્નો અંગે કરવામાં આવેલી રજુઆતો સરકાર દ્વારા કાને ધરવામાં આવતી નથી. પ્રાથમિક - સામુહિક આરોગ્ય કેન્દ્ર સિવિલ હોસ્પિટલ સહિત જિલ્લા અને શહેરોમાં ફરજ બજાવતાં તબીબી અધિકારીઓએ પગાર સહિતના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં હડતાલનો માર્ગ અપનાવ્યો છે. ગાંધીનગરના તબીબો પણ આ આંદોલનમાં જોડાતાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યની સેવાઓ ખોરવાઇ હતી. આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર નહીં હોવાથી ઓપીડીનું સંચાલન થઇ શક્યું ન હતું. જેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી.

પગાર સહિત વિવિધ ભથ્થા અંગે પ્રાથમિક , સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં સેવા બજાવતાં તબીબી અધિકારીઓ વર્ગ - ૧ અને ૨ વતી ઇનસર્વિસ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા સરકારમાં વારંવાર રજુઆતો કરવામાં આવી હતી. કોરોનાકાળમાં આ તબીબો ગામડા સુધી આરોગ્યની સેવાઓ પહોંચાડવા માટે દિવસ રાત ખડે પગે રહ્યાં છે ત્યારે આ કોરોના વોરિયર્સને ન્યાય નહીં મળતાં આજથી તેઓ અચોક્કસ મુદ્તની હડતાલ ઉપર ઉતર્યા છે. જે અંતર્ગત  ગઇકાલ સુધી અસમંજસમાં રહ્યાં બાદ આજે ગાંધીનગર શહેર અને જિલ્લાની સરકારી સંસ્થાઓમાં ફરજ બજાવતાં વર્ગ-૧ અને ૨ના તબીબો અધિકારીઓ પણ જોડાયાં છે. ગાંધીનગર જિલ્લાના ૩૦ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર ફરજ બજાવતાં તબીબો તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં ડોક્ટર્સ રજા ઉપર ઉતર્યા હતા. જે અંગેનો રજા રીપોર્ટ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીને આપવામાં આવ્યો હતો. એક બાજુ કોરોના હળવો પડયો છે ત્યારે રસીકરણની કામગીરી ચાલી રહી છે આવી સ્થિતિમાં તબીબી અધિકારીઓ રજા ઉપર ઉતરતાં આરોગ્યની ઘણી સેવાઓ ઉપર અસર પડી છે. કોરોનાના નવા દર્દીઓ શોધવા તથા રસીકરણ કામગીરીનું મોનીટરીંગ આ તબીબોના અભાવે આજે થઇ શક્યું નથી. તો બીજી બાજુ તબીબી અધિકારીઓ હડતાલ ઉપર જતાં આજે એક પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓપીડી ચાલી ન હતી. ડોક્ટર વગર ઓપીડી જ શક્ય ન હતી. એટલું જ નહીં ગ્રામ્ય વિસ્તારમાં પોસ્ટમોર્ટમ પણ તબીબી અધિકારીઓ કરતાં હોય છે. આજે તેઓ હડતાલ ઉપર ઉતરતાં બે કિસ્સામાં પી.એમ. પણ આરોગ્ય કેન્દ્રમાં થઇ શક્યું નથી અને આવા મૃતકના મૃતદેહને ગાંધીનગર સિવિલ અથવા અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યાં છે. હાલ સરકારના નેતાઓ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મંત્રણા ચાલી રહી છે. આજે મોડીરાત્રે અથવા તો કાલે એસોસિએશનની માંગણી બાબતે સુખદ નિર્ણય લેવાય તેમ આંતરિક સુત્રોમાંથી માહિતી મળી રહી છે.

Gujarat