For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સરસપુરના સેવા કેન્દ્રના ડૉક્ટર સહિત અડધો ડઝન લોકોના મૃત્યુ

- કોરોનાની મહામારીનું કરુણ પાસું, સેવા કરનારા ભોગ બને છે

- એક પતિ- પત્ની સહીત 4ના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં મૃત્યુ થયા : હજુ કેટલાક હૉસ્પિટલમાં સારવાર હેઠળ

Updated: May 29th, 2020

Article Content Image

અમદાવાદ,28 મે 2020 ગુરૂવાર

કોરોનાની વિશ્વવ્યાપી મહામારીનું સૌથી કરુણ પાસું એ છે કે માનવતા અને દયા ભાવથી સેવા કેન્દ્રો ચલાવતા, સવાર- સાંજ જરૂરતમંદોને ભોજન પીરસતા નાગરિકો પણ સંક્રમિત થઈ જાય છે, એટલું જ નહીં મોતને પણ ભેટે છે. સરસપુરમાં રથયાત્રા વખતે જમણવાર થાય છે તે જગ્યાએ રણછોડરાય મિત્ર મંડળ ચાલે છે, જેની સાથે સંકળાયેલા અડધો ડઝન વ્યક્તિઓના મૃત્યુ થયા છે જ્યારેે કેટલાક હૉસ્પિટલોમાં સારવાર હેઠળ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગવર્નમેન્ટ ઇ-કોલોનીમાં રહેતા અને સેવાકેન્દ્રમાં ખડેપગે રહેતા ભાજપ ડૉક્ટર સેલના ડૉ. આદિત્ય ઉપાધ્યાયનું એસવીપી હૉસ્પિટલમાં કોરોનાની સારવાર દરમ્યાન કરુણ મૃત્યુ થયું હતું. આ વિસ્તારના લોકો ડૉક્ટર તરીકેની તેમની સેવાઓને આદરપૂર્વક યાદ કરે છે. ઉપરાંત સેવા કેન્દ્ર સાથે વોર્ડ પ્રમુખ શૈલેષ બાપુલાલ સંકળાયેલા હતા. તેમના માતુશ્રી કાંતાબહેનનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. જ્યારે શૈલેષભાઈ હાલ પણ પોઝિટિવ હોવાથી સ્ટાર હૉસ્પિટલમાં દાખલ છે જ્યારે તેમના ભાઈ રામભાઈ બાબુલાલ અને પિતા બાબુલાલ ખોડીદાસ હાઇવે નજીકની એસજીવીપીમાં દાખલ છે તેઓ આધુનિક પાર્કમાં રહે છે.

જ્યારે આધુનિક પાર્કની સામેની સોસાયટી તપોવનમાં 4 વ્યક્તિઓના મૃત્યુ થયા છે જેના રિપોર્ટ નેગેટિવ હતા ચારમાં એક પતિ- પત્નીનો પણ સમાવેશ થાય છે. જેમના નામો છે (1) અજીતભાઈ રણછોડભાઈ (ઉ.વ.- 55), (2) ગીતાબેન અજીતભાઈ (ઉ.વ.- 52), (3) પ્રજાપતિ પરેશ કરશનભાઈ (ઉ.વ.-42) અને (4) મહેન્દ્રભાઈ પટેલ (ઉ.વ.-50)નો સમાવેશ થાય છે. આ લોકો પણ સેવાકેન્દ્રો સાથે જોડાયેલા હોવાનું જાણવા મળે છે.

સરસપુરના નાગરિકોને આ ઘટનાક્રમે ભારે આઘાત પહોંચાડયો છે. જ્યારે ચાર નાગરિકોના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં થયેલા મૃત્યુ અંગે આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. કોરોનાના રિપોર્ટ અંગે શંકા વ્યક્ત કરી રહ્યા છે એટલું જ નહીં નજર સામે જ અડધો ડઝન વ્યક્તિઓના થયેલા મૃત્યુથી ભયનું વાતાવરણ પણઉભું થયું છે.

મૃત્યુ પામેલ છ વ્યક્તિઓ

(1) ડૉ. આદિત્ય ઉપાધ્યાય (પોઝિટિવ)

(2) કાંતાબેન બાબુલાલ (પોઝિટિવ)

(3) અજીતભાઈ રણછોડભાઈ (નેગેટિવ)

(4) ગીતાબેન અજીતભાઈ (નેગેટિવ)

(5) પ્રજાપતિ પરેશ કરશનભાઈ (નેગેટિવ)

(6) મહેન્દ્રભાઈ પટેલ (નેગેટિવ)

Gujarat