For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ડિવીઝન બેન્ચના જુનિયર જજ માત્ર કોરમ પૂર્ણ કરવા માટે હોતા નથી : હાઇકોર્ટ

સરકારી વકીલે દસ્તાવેજની એક જ નકલ રજૂ કરતા કોર્ટ નારાજ

એક જજને પૂરવણી માટેના ગણવાની માનસિકતા જૂની, બન્ને ન્યાયમૂર્તિ માટે અલગ નકલ તૈયાર કરવાની ટેવ પાડવા કાયદા વિભાગને સૂચના

Updated: Sep 13th, 2021

અમદાવાદ, સોમવાર

ગુજરાત હાઇકોર્ટની ડિવીઝન બેન્ચે આજે સરકારી વકીલને ટકોર કરી હતી કે ડિવીઝન બેન્ચના જુનિયર જજ માત્ર કોરમ પૂર્ણ કરવા માટે હોતા નથી. દુષ્કર્મના આરોપીની સજા વધારવા રાજ્ય સરકારે કરેલી અપીલના દસ્તાવેજોની એક જ નકલ સરકારી વકીલે કોર્ટને આપી હતી, જેથી જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે કાયદા વિભાગને ટકોર કરી કરી હતી કે ડિવીઝન બેન્ચના બન્ને જજ માટે દસ્તાવેજોની નકલ રજૂ થવી જોઇએ. ડિવીઝન બેન્ચના એક જજને માત્ર પૂરવણી માટેના ગણવાની માનસિકતા જૂની છે.


જસ્ટિસ પરેશ ઉપાધ્યાય અને જસ્ટિસ અશોકકુમાર સી. જોશી આજે ક્રિમીનલ અપીલોની સુનાવણી કરી રહ્યા હતા ત્યારે રાજ્ય સરકારે દુષ્કર્મના આરોપીની સજા વધારવા માટે કરેલી અપીલનો વારો આવ્યો હતો. જે દરમિયાન સરકારી વકીલે જજને આપવાની દસ્તાવેજોની એક જ નકલ ખંડપીઠને આપતા જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે કહ્યું હતું કે આ પાયાનું ગેરશિસ્ત છે. જો જુનિયર જજ તરીકે  મેં બીજી નકલની માગણી કરી હોત તો તે બાબત યોગ્ય ન હોત. જો કે હવે સીનિયર જજ તરીકે મારી કંઇક જવાબદારી છે. જો મને એક જ નકલ આપવામાં આવશે તો હું તે નકલ મારા બ્રધર જજને આપીશ.

જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે એમ પણ કહ્યુ હતુ કે  ડિવીઝન બેન્ચમાં અન્ય જુનિયર જજને માત્ર કોરમ પૂર્ણ કરવા માટેના ગણવાની માનસિકતા જૂની છે. સરકારી વકીલોની ઓફિસે એવી આદત કેળવવી પડશે કે સુનાવણી ડિવીઝન બેન્ચ સમક્ષ થવાની છે તો દસ્તાવેજોની બે નકલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે.

Gujarat