For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સાબરમતીમાં પ્રદૂષણ માટે જવાબદાર કોઇને છોડવામાં નહીં આવે : હાઇકોર્ટ

પ્રદૂષિત સ્થળોના ફોટોગ્રાફ જોઇ કોર્ટ વ્યથિત

Updated: Sep 14th, 2021

અમદાવાદ, મંગળવાર

સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો સુનાવણી હાથ ધરી છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠે આજે કહ્યું હતું કે અમે સાબરમતી નદીને પ્રદૂષણમુક્ત બનાવવા ઇચ્છીએ છીએ. અહીં પ્રદૂષણ કરનારા કોઇપણ વ્યક્તિ, કંપની કે અન્ય જવાબદારોને છોડવામાં નહીં આવે. નદીમાં ઝેરી પ્રદૂષણ ફેલાવનારા એકમોને સીલ કરવાનો આદેશ પણ અમે કરી શકીએ તેમ છીએ. આજે ખંડપીઠ સમક્ષ કોર્ટમિત્ર (એમિકસ ક્યુરી) દ્વારા સ્થળ મુલાકાત બાદ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં બહાર આવ્યું હતું સાબરમતી નદીમાં વહેતા સુએજના પાણીથી ખેતી કરવા માટે કલેક્ટરે જ એક સહકારી ખેત મંડળીને પરવાનગી આપી છે. મોટા પંપહાઉસ દ્વારા સુએજના પાણીને ખેચી સંખ્યાબંંધ ખેતરોના પાણી અપાતું હોવાનો ખુલાસો રિપોર્ટમાં થયો છે.

નાગરિકોના સ્વાસ્થય માટે કડક કાર્યવાહીથી યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય તો પણ વાંધો નથી : કોર્ટની AMCને ટકોર

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઉદ્દેશીને કહ્યું હતું કે નાગરિકોના સ્વાસ્થયની જાણવણી માટે અને પ્રદૂષણમુક્ત પરિસ્થિતિ માટે જો કોર્પોરેશન કડક પગલાં લેશે તો યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાશે. આવી યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો પણ કોઇ વાંધો નથી. કોઇપણ ઔદ્યોગિક એકમ હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે. ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે અમે આદેશો તો ઘણાં આપીએ છીએ પણ તેનો અમલ થાય તે જરૃરી છે.

કોર્ટે કહ્યું હતું કે નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પણ તે ટ્રીટ થઇ શકતું નથી. શું તંત્ર પાસે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને અપડેટ કરવાનું કોઇ આયોજન છે ખરું? ઔદ્યોગિક એકમો ઝેરી કેમિકલયુક્ત પાણી નદીમાં ઠાલવતા હોવાથી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દીવસે ને દીવસે ખરાબ થઇ રહ્યો છે. ઝેરી કેમિલક છોડનારા એકમો સામે ફોજદારી કાર્યવાહી કરવા અને તેમને બંધ કરવા સુધીની કાર્યવાહી કરવા કોર્ટે નિર્દેશ આપ્યો છે. જી.પી.સી.બી. અને કોર્પોરેશન નાગરિકોના હિતમાં કાર્યવાહી કરશે તેવી આશા છે. આ ઉપરાંત રેકર્ડ પર મૂકવામાં આવે કે પ્રદૂષણ ફેલાવનારા એકમોને શોધીને તેમની સામે પગલાં લેવામાં આવ્યા છે.

કોર્ટમિત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે સાબરમતીના પ્રદૂષિત પાણીમાંથી નિરોલી પિયત સહકારી મંડળી દ્વારા સંખ્યાબંધ ખેતરોને ખેતી માટે પાણી આપવામાં આવે છે. જેના માટે અમદાવાદ કલેક્ટરમે તેમને પરવાનગી પણ આપી છે. સુએજના પાણીનો ઉપયોગ ખએતી માટે કરવા માટે અહીં મોટું પંપહાઉસ પણ ઉભું કરવામાં આવ્યું છે. જેના કારણે જમીન પ્રદૂષણ પણ ફેલાઇ રહ્યું છે.

 

અમે આદેશો તો ઘણાં કરીએ છીએ, પણ તેનો અમલ કરી પરિવર્તન તો લાવો!

ખંડપીઠે આજની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે અમે આદેશો તો ઘણાં કરીએ છીએ પરંતુ ખરા અર્થમાં તેનો અમલ થાય તે પણ જરૃરી છે. કોર્ટના આદેશ બાદ પરિસ્થિતિમાં સુધારો થયો છે અને કંઇક ફેર પડયો છે તેવું પણ લાગવું જોઇએ ને. કોઇપણ ઓદ્યોગિત એકમ કે કંપની હોય, જો તે સાબરમતીમાં પ્રદૂષણ કરતાં હોય તો તેની સામે પગલાં લેવાં જ પડશે.

 

સરકારી તંત્રની સ્પષ્ટ બેદરકારી છે તો પછી લોકોએ શું કરવાનું?

સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગે ગુજરાત હાઇકોર્ટ જી.પી.સી.બી. અને અન્ય વિભાગોની ટાકી કરી હતી. તે પછી કોર્ટમિત્ર (એમિકસ ક્યુરી)એ પણ જી.પી.સી.બી. અને કલેક્ટર તંત્ર વચ્ચે કોઇ એકસૂત્રતા ન હોવાનો ઉલ્લેખ અહેવાલમાં કર્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે સમાચાર માધ્યમોમાં આ અંગેના સમાચારો પ્રસિદ્ધ થાય છે તે પછી પણ પ્રશ્ન તો ઉભો જ રહે છે કે હવે પછી શું કરવાનું? લોકોએ માત્ર છપાયેલા સમાચાર વાંચી લેવાના? સરકારી તંત્રો વચ્ચે જ એકવાક્યતા ન હોય અને તેનો ભોગ નદી જેવાં કુદરતી સંસાધનો અને તેની સાથે સંકળાયેલા નાગરિકો બને તે અક્ષમ્ય બાબત છે. આવી નાની સરખી વાત પણ સરકારી તંત્ર કેમ સમજતું નથી? કોર્ટમાં જ્યારે મુદ્દો ઉપસ્થિત થાય ત્યારે બન્ને વિભોગો પોતાનો બચાવ કરતા હોય તે અક્ષમ્ય બાબત છે.

 

Gujarat