For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં કોરોનાના ૩૫માંથી ૨૦ કેસ માત્ર અમદાવાદમાં

૭ જિલ્લામાં જ કોરોનાના નવા કેસ

-૧૦૭ દિવસ બાદ ૨૫૦થી વધુ એક્ટિવ કેસ, અમદાવાદમાં ૧૦૦ દર્દી સારવાર હેઠળ

Updated: Nov 16th, 2021

અમદાવાદ,મંગળવાર

ગુજરાતમાં બે દિવસના ગાળા બાદ ફરી કોરોનાના દૈનિક કેસનો આંક ૩૦થી વધ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૫ નવા કેસ સામે આવ્યા છે જ્યારે સળંગ ૧૫માં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી.

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં નોંધાયેલા ૩૫માંથી ૨૦ નવા કેસ માત્ર અમદાવાદમાંથી જ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાંથી ૧૮ અને ગ્રામ્યમાંથી બે કેસનો સમાવેશ થાય છે. અન્યત્ર રાજકોટ-વડોદરામાંથી ૪, સુરતમાંથી ૩, વલસાડમાંથી બે, કચ્છ-નવસારીમાંથી ૧-૧ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંક હવે ૮,૨૭,૦૧૪ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૭ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૬,૬૭૧ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૫% છે.

રાજ્યમાં ૧ ઓગસ્ટ એટલે કે ૧૦૭ દિવસ બાદ એક્ટિવ કેસનો આંક ૨૫૦ને પાર થયો છે. હાલમાં ૨૫૩ એક્ટિવ કેસ છે અને ૩ દર્દી વેન્ટિલેટર પર છે. હાલ અમદાવાદ ૧૦૦, વલસાડ ૩૯, વડોદરા ૩૭ સાથે સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા જિલ્લા છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫.૦૫ લાખને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. આ સાથે જ કુલ વેક્સિનેશનનો આંક હવે ૭.૫૩ કરોડ થયો છે.

કયા જિલ્લામાં સૌથી વધુ એક્ટિવ કેસ?

જિલ્લો         એક્ટિવ કેસ

અમદાવાદ     ૧૦૦

વલસાડ        ૩૯

વડોદરા        ૩૭

સુરત          ૧૮

રાજકોટ       ૧૮

 

Gujarat