ગાંધીનગર-અમદાવાદ વચ્ચે આખરે એસટીની ઇલેક્ટ્રીક બસનો પ્રારંભ
પ્રદુષણમુક્ત પરિવહનના લક્ષ્યાંકને ધ્યાને લઇને
૩૦ પૈકી પ્રથમ તબક્કે છ બસ ફાળવવામાં આવીઃવાતાનુકુલિત બસ કૃષ્ણનગર, ઠક્કરનગર, પાલડી અને સરખેજના રૃટ પર દોડશે
રાજ્યના પાટનગર ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે રોજીંદો હજ્જારો
મુસાફરોની અવર જવરનો રૃટ છે હાલ એસટી વિભાગ દ્વારા અહીં ડિઝલ બસો દોડાવવામાં આવી
રહી છે ત્યારે પ્રદુષણમુક્ત પરિવહનને ધ્યાને રાખી આ બન્ને ટ્વીનસિટી વચ્ચે
ઇકોફ્રેન્ડલી એટલે કે, ઇ-બસ
સેવા શરૃ કરવા માટે છેલ્લા બે ત્રણ વર્ષથી આયોજન હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ
કોરોનાકાળને કારણે કામગીરી આગળ ધપી શકી ન હતી ત્યારે આખરે આજે છ ઇલેક્ટ્રીક બસ
મારફતે બન્ને શહેરો વચ્ચે પરિવહન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગરના
પંચદેવ મંદિર ખાતેથી કોર્પોરેશનના પદાધિકારીઓએ આ બસ સેવાને લીલીઝંડી આપી હતી.
ગાંધીનગર અમદાવાદ વચ્ચે આ વાતાનુકુલિત બસ દોડશે. હાલ છ બસ જ ફાળવવામાં આવી છે જે
કૃષ્ણનગર, ઠક્કરનગર,પાલડી તથા
સરખેજના રૃટ પર દોડશે.આગામી દિવસોમાં વધુ ૨૪ ઇ-બસો ફાળવવામાં આવશે જેનાથી
ગાંધીનગર-અમદાવાદ વચ્ચે પબ્લીક ટ્રાન્સ્પોર્ટ વધુ મજબુત બનશે અને પર્યાવર્ણને પણ
વધુ પડતું નુકશાન નહીં થાય તેમ નિષ્ણાંતોનું માનવું છે.