યુવતી રિલ્સ જોતી હતી,યુવક અથડાતા ધાક જમાવવા તલવાર લઇ આવી હવામાં ફાયરિંગ
ગોમતીપુરમાં નગરીમીલ કાંકરિયા મેટ્રો સ્ટેશન પાસે જાહેરમાં બનેલી ઘટના
જીજાજીએ સાગરિતો સાથે આવીને ફાયરિંગ કરતાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી
અમદાવાદ,બુધવાર
ગોમતીપુરમાં યુવતી રિલ્સ જોતી હતી આ સમયે પડોશમાં રહેતો યુવક અથડાયો હતો જેથી યુવતીએ જોઇને ચાલવાનું કહેતા તકરાર થઇ હતી. જેને લઇને યુવકની જીજાજી તથા તેમના સાગરિતો યુવતીના ઘર પાસે ધાક જમાવવા માટે તલવાર અને બંદુક લઇને આવ્યા હતા અને ડરાવવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. આ બનાવ અંગે ગોેમતીપુર પોલીસે ગુનો નોેધી ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
યુવતીએ જોઇને ચાલવાનું કહેતા તકરાર બાદ સમાધાન થયું જીજાજીએ સાગરિતો સાથે આવીને ફાયરિંગ કરતાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી
ગોમતીપુર વિસ્તારમાં નગરી મીલ પાસે રહેતી અને અભ્યાસ કરતી ૨૦ વર્ષની યુવતીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવતી ગઇકાલે પોતાના ઘર પાસે મોબાઇલમાં રિલ્સ જોતી હતી આ સમયે પડોસમાં રહેતો યુવક તેને અથડાયો હતો, જેને લઇને બન્નેના પરિવારજનો સાથે તકરાર થઇ હતી જો કે જે તે સમયે સમાધાન પણ થઇ ગયું હતું.
બીજીતરફ મોડી રાતે યુવકના જીજાજી તેમના બે સાગરિતો સાથે તલવાર અને બંદુક લઇને આવ્યા હતા અને ઘર પાસે આવીને તકરાર કરીને ધાક જમાવવા માટે હવામાં ફાયરિંગ કરતાં દોડધામ મચી જવા પામી હતી. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધીને ત્રણ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.