For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોનાનો કહેર, અમદાવાદમાં કૂદકે ને ભૂસકે વધી રહેલા કેસથી પ્રજામાં ફફડાટ

- કેસ ઓછા દેખાડવામાં સફળતા નથી, કંટ્રોલ કરો તો સફળ

- કોરોનાના કેસ ઘટી રહ્યા હોવાનું દેખાડવા શરૂ કરેલી આંકડાની રમત આજે વિકરાળ સ્વરૂપે અમદાવાદ પર મંડરાઈ રહી છે

Updated: Jul 7th, 2020

Article Content Image

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 7 જુલાઇ, 2020, મંગળવાર

અમદાવાદમાં મકાને મકાને જઈને હવે ટેસ્ટ કરવા માંડતા  સલામત ગણાતા નવા પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનમાં પણ કોરોનાના વાઈરસના ચેપના કેસો મોટી સંખ્યામાં બહાર આવવા માંડયા છે.

ગઈકાલે અમદાવાદ પશ્ચિમમાં વાસુપૂજ્ય બંગલામાં ઘરે ઘરેથી એક એક જણને બોલાવીને કારોના વાઈરસનું  ચેકિંગ કરનારા અમ્યુકોના અધિકારીઓએ આજે નવરંગપુરામાં રંગવાલા ફ્લેટમાં ચેકિંગ કરતાં એક સામટા સાત કેસ પોઝિટિવ આવતા પ્રજાજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હવે અમ્યુકોના અધિકારીઓએ દરેક સોસાયટીમાં જઈને સેમ્પલ ચેકિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. તેથી વાસ્તવિસતા બહાર આવી રહી છે. 

કોરોનાના ચેપને કારણે લૉકડાઉનનો આરંભ થયો તે તબક્કે લોકોમાં કોરોના અંગે વધુ ફફડાટ હતો. પરંતુ સરકારે આંકડાની રમત કરીને ભયભીત લોકોને બેદરકાર બનાવી દેવાનું કામ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સરકારે કોરોનાના ચેપના ઓછા કેસ બતાવવા માંડયા તે પછી પશ્ચિમ અમદાવાદમાં વસનારાઓની બેદરકારીમાં વધારો થયો છે.

તેથી કોરોના વાઈરસનો ચેપ પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં વધુ ફેલાતો હોવાનો ભ્રમ ભાંગવા માંડયો છે અને પશ્ચિમ અમદાવાદના જોધપુર, શારદા સોસાયટી, નવરંગપુરા, બોડકદેવ સહિતના નવા નવા વિસ્તારો કોરોનાના ચેપની ઝપટમાં આવી રહ્યા છે. 

માત્ર 30 મિનિટમાં દર્દી પોઝિટિવ છે કે નેગેટિવ તે દર્શાવી આપતા રેપિટ ટેસ્ટ કરવામાં આવી રહ્યા હોવાથી વાસ્તવિક સ્થિતિ બહાર આવી રહી છે, પરંતુ દરેક ઘરમાંથી કોઈપણ એક વ્યક્તિનો ટેસ્ટ કરવાની સિસ્ટમ પણ ઉચિત નથી. ઘરમાં પાંચ જણ રહેતા હોય તો પણ વાસુપૂજ્ય બંગલામાં એક જ જણનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ નેગેટિવ આવે તો ઘરના તમામ નેગેટિવ હોવાનું માની લેવાની માનસિકતા પણ ઉચિત ન હોવાનું જાણકારોનું કહેવું છે. 

અમ્યુકોના અધિકારીઓ રેપિટ ટેસ્ટ કીટ મંગાવ્યા પછી વધુ ટેસ્ટિંગ કરવાનો દાવો તો જરૂર કરે છે. પરંતુ તેઓ તેના પરિણામોની સાચી  જાહેરાત કરતાં નથી. કોરોનાના કેસને નિયંત્રણમાં લેવા માટે નિયુક્ત કરવામાં આવેલા અધિકારી રાજીવ ગુપ્તાએ આંકડાની રમત ચાલુ કરી છે. તેઓ સાચા કેસ અને પોઝિટિવ દર્દીઓની સાચી સંખ્યા બહાર આવવા દેતા જ નથી.

માત્ર પરિસ્થિતિને અંકુશમાં લાવી દીધી હોવાનું દર્શાવવા માટે જ તેમણે કોરોનાના કેસો અંકુશમાં આવી ગયા હોવાનો દેખાવ કરવા ખોટા આંકડા જાહેર કર્યા છે. શાસકોને ખુશ કરી દઈને પોતાના ભાવિ પ્રમોશનનો રસ્તો ખોલી દેવા માટે રાજીવ ગુપ્તાએ આ ખેલ કર્યો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. 

અમદાવાદમાં રહેતા કેટલાક અગ્રણીઓનું કહેવું છે કે લોકોનો ડર દૂર કરવાને નામે અમ્યુકો વિસ્તારમા ંઆંકડાઓ છુપાવવાની રમત કરીને લોકોને બેદરકાર બનાવી દીધા છે. તેના પરિણામે આજે અમદાવાદમાં કોરોના પોઝિટિવના વધુ કેસો દેખાવા માંડયા છે.

અમ્યુકોના પૂર્વ કમિશનર વિજય નહેરાએ સાચા આંકડા બહાર આવવા દેવા કરેલી રજૂઆત સાચી હોવાની પ્રતિતી થઈ રહી છે. કોરોનાના કેસને કંટ્રોલ કરવાની કવાયતની સફળતા માત્ર અન્ય રાજ્ય સાથેની નંબર રેસમાં આગળ રહેવામાં નથી, પરંતુ કોરોનાના કેસને કંટ્રોલ કરવામાં જ છે એમ આમજનતાના પ્રતિનિધિઓનું કહેવું છે.

Gujarat