For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં શપથવિધિ પર 'ગ્રહણ' : ભાજપમાં ભડકો

Updated: Sep 15th, 2021

Article Content Image

- પાર્ટી વિથ ધ ડિફરન્સ, શિસ્તબદ્ધ પક્ષની છાપના લીરા ઉડયા: મંત્રીમંડળમાં નો રિપીટ થિયરીનો અહેવાલ પછી 

- નારાજગીનો મામલો દિલ્હી પહોંચ્યો : મુખ્યમંત્રીએ શપથવિધિ અંગે ટ્વિટ કર્યું ને ડિલીટ  કરવું પડયું : નવા મંત્રીમંડળની શપથવિધિ રદ કરવી પડી : પોસ્ટર-પડદા ફાડવા પડયા સિનિયર નેતાઓને મનાવવા પ્રયાસ : ટેકેદારોના ઉધામા

- આજે રાજભવનમાં બપોરે 1.30 કલાકે શપથગ્રહણ સમારોહ, રૂપાણી સરકારના પૂર્વ મંત્રીઓ બેહાલ, આજે કતલની રાત

અમદાવાદ : ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલને મૂકી તદ્દન નવા ચહેરો આપીને ભાજપ હાઈકમાન્ડે રાજકીય અચરજ સર્જ્યું હતું પણ મંત્રીમંડળની રચના સુપેરે થવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. બુધવારે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજવાની ખુદ મુખ્યમંત્રીએ  ટ્વિટર પર જાણકારી આપી અને ગણતરીના કલાકમાં એ ડિલીટ કરવી પડી તથા રાજભવનમાં શપથવિધિ માટે થયેલી તૈયારીઓ- મોટાં બેનર અને પડદા ઉતારી નાખવાની- ફાડી  નાખવાની નોબત આવી તે બાબત  દર્શાવે છે કે 'પાર્ટી વિથ ધ ડિફરન્સ' કે શિસ્તબદ્ધ પક્ષની છાપના લીરા ઉડયા છે.

નવા મંત્રીમંડળમાં કોને સમાવવા તે મુદ્દે બહાર આવેલી વિગતો પછી અને સિનિયર નેતાઓની ભારોભાર નારાજગી દૂર કરવામાં સ્થાનિક-પ્રદેશ નેતાગીરી ફાંફે ચડતાં આખોય મામલો દિલ્હી દરબારમાં પહોંચ્યો છે. જૂના મંત્રીમંડળના સિનિયર-જુનિયર મંત્રીઓના ટેકેદારોનાં ધાડાં બુધવારે ગાંધીનગરમાં ઉતરી પડયાં હતાં અને તેમણે ભારે ઉધામો કર્યાના અહેવાલ છે.

આ બધા વચ્ચે અફવાઓનો દોર પર ચાલ્યો હતો. એવા મેસેલ ફરતા થયા હતા કે નીતિન પટેલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ સાથે ગુફતેગુ કરી છે તો કેટલાક અહેવાલ એવા પણ આવ્યા કે લડી લેવાના મૂડ સાથે ભાજપના ધારાસભ્યોનું એક જૂથ ગુજરાત બહાર જવાની પેરવીમાં છે. આ અહેવાલોનું કોઈ સમર્થન કે ઈનકાર ભાજપ તરફથી થયું નથી.

ગઈરાતથી (મંગળવારની રાતથી) માંડીને બુધવારની મોડી સાંજ સુધીનું ચિત્ર દર્શાવી રહ્યું છે કે પક્ષમાં બધુ સમુસૂતરું નથી. મંત્રીમંડળમાં નો રિપીટ થિયરીના મામલે ઓલ ઈઝ વેલ નથી.

દરમિયાન, ગુરુવારે બપોરે નવા મંત્રીમંડળની શપથવિધિની જાહેરાત થઈ છે. અલબત્ત ત્યાં સુધીના સમયગાળામાં ભાજપની નેતાગીરી સામે અનેક પડકારો આવવાની શક્યતા નકારાતી નથી.

શિસ્તબધ્ધ ગણાતી પાર્ટીમાં ભાજપમાં આંતરિક ડખા સર્જાયા છે. મંત્રીપદ માટે અંદરોઅંદર ખેંચતાણ વધતા અને સિનિયર મંત્રીઓની નારાજગીને પગલે શપથગ્રહણ સમારોહ રદ કરવો  પડયો હતો. કદાચ પહેલીવાર એવુ બન્યુ હશે કે, શપથવિધી રદ કરવી પડી છે. ખાસ કરીને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવાયા નથી એટલે તેઓ ભારોભાર નારાજ છે પરિણામે તેમને મનાવવા ભાજપ નેતાગણે મનાવવા ભરપૂર પ્રયાસો હાથ ધર્યા છે. જોકે, આવતીકાલે બપોરે દોઢ વાગે રાજભવનમાં શપથવિધી યોજાશે તેવી સત્તાવાર જાહેરાત કરાઇ છે. 

નવા મંત્રીમંડળની રચનાને લઇને ભાજપ નેતાઓ હજુ ગડમથલ કરી રહ્યા છે. મંગળવારની આખીય રાત બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો. સૂત્રોના મતે, ભાજપ ગુજરાતમાં નો રિપીટ થિયરીનો અમલ કરી નવો રાજકીય પ્રયોગ કરવા જઇ રહ્યુ છે જેના પગલે ભાજપમાં આંતરિક કકળાટ શરૂ થયો છે.

કેટલાંક સિનિયર મંત્રીઓ ઉપરાંત ધારાસભ્યોએ રૂપાણીની દરમિયાનગીરી માંગી હતી.  સાથે સાથે નારાજ નીતિન પટેલને મનાવવા પણ ત્રણ કલાક સુધી બંધબારણે બેઠક યોજાઇ હતી પણ તેઓ કોઇ અર્થ સર્યો ન હતો. કેટલાંક સિનિયર મંત્રીઓના પત્તા કપાશે તેવી જાણકારી મળતાં જ સમર્થકો ગાંધીનગર દોડી આવ્યા હતાં. પાટનગર જાણે રાજકીય ગતિવીધીનું મુખ્ય કેન્દ્ર બની રહ્યુ હતું. ેરૂપાણી સરકારના મંત્રીઓએ છેલ્લી ઘડી સુધી છેક દિલ્હી સુધી લોબિંગ કરી મંત્રીપદ મેળવવા પ્રયત્નો કર્યા હતાં. 

આખરે વિરોધના વંટોળ વચ્ચે આખર બુધવારે બપોરે ગાંધીનગરમાં શપથગ્રહણ સમારોહ યોજવાની ચર્ચા ચાલી હતી. ધારાસભ્યોને ગાંધીનગર બોલાવી લેવાયા હતાં. એટલુ જ નહીં, રાજભવનના પ્રાંગણમાં સ્ટેજ બાંધી દેવાયા હતાં અને શપથવિધીના પોસ્ટર સુધ્ધાં લગાવી દેવાયા હતાં.

ભાજપના ધારાસભ્યોને સાંજે ચાર વાગે શપથવિધી સમારોહમાં પહોંચી જવા આદેશ કરી દેવાયો હતો જેના કારણે કેટલાંય ધારાસભ્યો તો સમય પહેલાં જ રાજભવન પહોચ્યા હતાં જયાં છેલ્લે ખબર પડીકે, શપથવિધીનો સ્ટેજ-શામીયાણો ખોલી નંખાયો હતો અને પોસ્ટરો પણ ઉતારી લેવાયા હતાં. 

મંત્રીપદ મેળવવાની આંતરિક ખેંચતાણ અને સિનિયરો મંત્રીઓની નારાજગીને જોતા મંત્રી માટે નામો પર આખરી મહોર વાગી શકી ન હતી. આખરે શપથવિધી જ કેન્સલ કરવી પડી હતી. ગુરૂવારે મોડી સાંજે બપોરે દોઢ વાગે શપથવિધી સમારોહ યોજાશે તેવી સત્તાવાર જાહેરાત કરાઇ હતી. બુધવારની રાત હવે કતલની રાત બની રહેશે.

Gujarat