For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદની સ્ટાર હોટેલોમાં દારૂ ખરીદવા ભીડ જામી

- લિકરશોપ પર પરમીટધારકોનુંં વેઇટિંગ લિસ્ટ

- અઢી મહિનાને અંતે છુટ મળતાં પરમીટધારકોને હાશકારો, સ્ટારહોટલ પર ઇન્કવાયરીનો મારો જામ્યો

Updated: Jun 1st, 2020

- સોશિયલ ડિસ્ટન્સનુ પાલન માટે પરમીટધારકોને ટોકન અપાયા : વધારાના કાઉન્ટર મૂકવા પડયાં 

Article Content Image

અમદાવાદ, તા.01 જૂન, 2020 સોમવાર

ગુજરાતમાં અનલોક પાર્ટ-૧ના પ્રથમ દિવસે જ અમદાવાદ શહેર જાણે ફરી ધબકતું થયુ હતું તેમાંય છેલ્લાં અઢી મહિના બાદ સ્ટાર હોટલોમાં લિકરશોપના દરવાજા ખૂલતાં પરમીટધારકોએ હાશકારો અનુભવ્યો હતો. પરમીટધારકોએ લિકરશોપ પર દારૂ ખરીદવા ભીડ જમાવી હતી.સ્ટાર હોટલ પર પરમીટધારકોની ઇન્કવાયરીનો મારો જામ્યો હતો અને એક જ સવાલ પૂછાયો હતોકે,લિકરશોપ ખુલી છે કે નહીં. પરમીટધારકોની ભીડને પગલે હોટલમાં બેન્કવેટ હોલમાં સોશિયલ ડિસટન્સ સાથે બેસવાની સુવિધા કરવામાં આવી હતી.

અન્ય રાજ્યમાં તો લિકરશોપ શરૂ કરી દેવામાં આવી હતી પણ ગુજરાતમાં લોકડાઉન પાર્ટ-૫ના અંત સુધી લિકરશોપ ખોલવા પર રાજ્ય સરકારે મનાઇ ફરમાવી હતી.ગુજરાતમાં ય લિકરશોપ શરૂ કરવા માંગ ઉઠી હતી. એટલું જ નહીં,  હોટલ રેસ્ટોરન્ટ એસોસિશને ઓફ ગુજરાતે તો મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત સુધ્ધાં કરી હતીકે,અન્ય રાજ્યમાં લિકરશોપને છુટ અપાઇ હોય તો ગુજરાતમાં કેમ નહીં. 

જોકે,સરકારની લીલીઝંડીને પગલે અનલોક-૧ના પ્રથમ દિવસે જ પરમીટધારકોએ સવારથી સ્ટાર હોટલ પર ઇન્કવાયરી કરવાનુ શરૂ કરી દીધુ હતું. હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ નરેન્દ્ર સોમાણીનુ કહેવું છેકે,રોજ ૨૦૦થી વધુ પરમીટધારકો  અમને ફોન કરીને પૃચ્છા કરે છેકે,કયારે લિકરશોપ ખૂલશે. આજે પ્રથમ દિવસે પરમીટધારકો માટે બેન્કવેંટ હોલમાં સોશિયલ ડિસટન્સ  સાથે બેસવાની સુવિધા કરવામાં આવી હતી.સામાન્ય રીતે ૩૧મી ડિસેમ્બર હોય ત્યારે હોટલમાં લિકરશોપ પર ભીડ જોવા મળે છે પણ આ વખતે લોકડાઉન બાદ આવી ભીડ જોવા મળી છે. 

અમદાવાદ શહેરમાં બધીય સ્ટાર હોટલની લિકરશોપ પર ભીડ જામી હતી.સવારથી પરમીટધારકો લિકરશોપ પર પહોંચ્યાં હતાં. મોટાભાગની હોટલ પર પરમીટધારકોને ટોકન આપી દેવાયા હતાં જેથી ભીડ ન થાય.પરમીટધારકને નિયત સમય પર જ આવવા જણાવી દેવાયુ હતું. એટલું જ નહીં, પરમીટધારકોના વેઇટીંગ લિસ્ટને પગલે હોટલમાં બે બે કાઉન્ટર મૂકવા પડયા હતાં. અમદાવાદ શહેરમાં ૮થી વધુ સ્ટાર હોટલને દારૂના વેચાણની મંજૂરી  આપવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં ૧૦ હજારથી વધુ લોકો દારૂની પરમીટ ધરાવે છે.યાદ રહે કે,ગુજરાતમાં પરમીટધારકોની સંખ્યા પણ દર વર્ષે વધી રહી છે.

આમ, અનલોક-૧ના પ્રથમ દિવસે આરોગ્યના કારણોસર મળેલી પરમીટ આધારે પરમીટધારકોએ દારૂની ખરીદી કરી હતી.

દારૂબંધી નામપુરતી, ગુજરાતમાં આજે 70 લિકરશોપ છે

મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીએ માત્ર નામપુરતી જ રહી છે.રાજ્ય સરકાર પણ દારૂબંદીના કડક નિયમોને લઇને સબ સલામતની આલબેલ પોકારે છેને બીજી બાજુ,વાઇબ્રન્ટ ગુજરાતના નામે વિદેશીઓને શરાબ પિરસી શકાય તે માટે સ્ટાર હોટલો-રિસોર્ટને દારૂના વેચાણ માટે પાછલા બારણે લાયસન્સ અપાઇ રહ્યાં છે.સૂત્રોના મતે,ગુજરાતમાં વર્ષ ૨૦૧૪માં માત્ર ૨૬ લિકરશોપ હતી જે વર્ષ ૨૦૨૦માં વધીને ૭૦ થઇ છે.માત્ર પાંચ-છ વર્ષમાં લિકરશોપની સંખ્યામાં અઢી ગણો વધારો થયો છે.આ એજ દર્શાવે છેકે,આરોગ્યના નામે પરમીટો પણ અપાઇ રહી છે અને લિકરશોપ પણ વધી રહી છે.ગુજરાતમાં આજે ૩૦ હજારથી વધુ પરમીટધારકો છે.

છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્ય સરકારે કેટલી પરમીટ આપી...

વર્ષ

પરમીટ

2014-15

3075

2015-16

3660

2016-17

4495

2017-18

3840

2018-19

2444

Gujarat