For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ: વધુ 299 દર્દીઓ નોંધાયા, 20નાં મૃત્યુ

- હોસ્પિટલની સારવારની ખામી સાથે વહિવટી છબરડાઓ પણ વધવા માંડયા

- નવા પશ્ચિમમાં સેટેલાઈટમાં 20 કેસ નોંધાયા મધ્યઝોનમાં રેન્ડમ ટેસ્ટિંગ થતાં ફરી દર્દીઓ વધ્યા

Updated: Jun 1st, 2020

Article Content Image

અમદાવાદ,31 મે 2020 રવિવાર

અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ યથાવત રહેવા પામ્યો છે. આજે વધુ 299 દર્દીઓ નોંધાતા અત્યાર સુધી કુલ દર્દીઓનો આંકડો ગ્રામ્ય વિસ્તાર સહીત 12180 થયો છે. જ્યારે 20 દર્દીઓના સારવાર દરમ્યાન ક:ણ મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 842ના આંકડાને આંબી ગયો છે. રોજેરોજ થતાં મૃત્યુથી લોકોમાં ભયની લાગણી જન્મી છે. જ્યારે સાજા થયેલા 601 દર્દીઓને જુદી જુદી હોસ્પિટલોમાંથી રજા અપાઈ છે. નવા નોંધાતા દર્દીઓમાં નવા પશ્ચિમ ઝોનમાં વધુ દર્દીઓ નોંધાયા છે. હોસ્પિટલોની બેદરકારી પણ રોજેરોજ સપાટી પર આવતી જાય છે.

દરમ્યાનમાં અમદાવાદ નવા પશ્ચિમ અને પશ્ચિમઝોનમાં સંક્રમણ જોર પકડતું જાય છે. માત્ર સેટેલાઇટના સમૃદ્ધ વિસ્તારમાં જ 20 કેસ નોંધાયા છે, જેમાંથી અગાઉ નરસિંહભાઈ જી. પટેલ નામના બિલ્ડરનું અવસાન થયું હતું તે 1 નિલગીરી બંગલોઝમાં જ તેમના કુટુંબીજનો અને સ્ટાફ મેમ્બર્સ મળીને 10 કેસ નોંધાયા છે. સત્યાગ્રહ છાવણી, સંસ્કાર ફલેટ, કલાદર્શનમાં પણ દર્દીઓ નોંધાયા છે. નવા પશ્ચિમઝોનમાં 39 અને પશ્ચિમઝોનમાં 23 કેસ નોંધાયા છે. સૌથી વધુ ઉત્તરઝોનમાં બાપુનગરના 20 સહીત 77 દર્દી નોંધાયા છે.

પૂર્વઝોનમાં અમરાઈવાડીના 13 સાથે 48 દર્દીઓ છે. જ્યારે થોડા દિવસથી આંકડા ઘટયા હતા, તે મધ્યઝોનમાં 59 કેસ નોંધાયા છે. જેમાં ખાડિયાના 14, અસારવાના 19, શાહીબાગના 12નો સમાવેશ થાય છે. મધ્યઝોનમાં રેન્ડમ ટેસ્ટીંગ કરતાં આંકડા ફરી ઉંચકાયા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. આનો અર્થ એ થયો કે જો ટેસ્ટીંગ વધારવામાં આવે તો તમામ વિસ્તારોમાં આંકડા વધે તેમ છે. પરંતુ સરકારને ઉંચા આંકડાની બીક લાગતી હોવાથી ટેસ્ટીંગ ઘટાડી દીધાનો આક્ષેપ થઈ રહ્યો છે.

સરકાર અને મ્યુનિ.તંત્રએ એક તરફ માહિતી અને આંકડા છૂપાવવાના જુદા જુદા નુસ્ખા કામે લગાડયા છે. તો બીજી તરફ હોસ્પિટલોની બેદરકારીના કિસ્સાઓ પણ સતત બહાર આવી રહ્યા છે. આજે કિડની હોસ્પિટલમાં કાળઝાળ ગરમી વચ્ચે બે કલાક સુધી વિજળી ગઈ હતી. સિવિલમાં અગ્ની સંસ્કાર થઈ ગયેલા દર્દીના કુટુંબીજનો પર ફોન આવ્યો કે રિપોર્ટ નેગેટિવ છે અને દર્દી સ્ટેબલ છે. જેના સંદર્ભમાં દર્દીના કુટુંબીજનોએ મૃતક જાહેર કરાયેલા દર્દીની ઓળખ અંગે સવાલ ઉઠાવ્યો છે. જોકે હોસ્પિટલે ઓળખ યોગ્ય રીતે થયાનો દાવો કરી ફોન ભૂલથી થયાનું કબૂલ્યું છે.

અગાઉ એસવીપીમાં સરખા નામના કારણે દાખલ થયેલાં એક દર્દીને તેમનો રિપોર્ટ નેગેટિવ છે કહી ઘરે મોકલી દીધા, તેઓ તેમના કુટુંબીજનોની સાથે બેફિકર થઈને બેઠાં અને રાત્રે 12 વાગ્યે ફોન આવ્યો કે તમે પોઝીટીવ છો અને એમ્બ્યુલન્સ લેવા પહોંચી ગઈ. સમરસમાંથી ગઈકાલે એક દર્દી ભાગી ગયો હતો. સિવિલે વહેલા રજા આપી દીધેલા દર્દીની બીજા દિવસે દાણીલીમડા બીઆરટીએસ સ્ટેન્ડમાંથી લાશ મળી હતી. સારવારની બેદરકારી ઉપરાંત આ પ્રકારની વહિવટી બેદરકારીઓ પણ ઠેર ઠેર જોવા મળે છે.

ક્યા ઝોનના કેટલા દર્દી સારવાર હેઠળ ?

મધ્યઝોન 1084

ઉત્તરઝોન 916

દક્ષિણપશ્ચિમ 286

પશ્ચિમઝોન 560

ઉત્તરપશ્ચિમ 116

પૂર્વઝોન 781

દક્ષિણઝોન 617

કુલ 4360

Gujarat