For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં કોરોનાના કેસો 17 હજારને પાર, વધુ 423 કેસો

- અનલોક-1ના પ્રથમ દિવસે અમદાવાદમાં કેસો વધ્યા

- કોરોનાનો મૃત્યુઆંક 1,063 થયો, 62 દર્દી વેન્ટિલેટર પરઃ રાજ્યમાં માત્ર 4,328 ટેસ્ટ જ કરાયા

Updated: Jun 1st, 2020

- અમદાવાદમાં રોજ 250થી વધુ કેસો નોંધાયાની પરંપરા જારી, 3,953 લોકો કવોરન્ટાઇનમાંથી મુક્ત 

- રાજ્યમાં રિકવરી રેટ 62.61 ટકા થયો

- એક જ દિવસમાં 861 સાજા થયા તેવી પ્રથમ ઘટના 

Article Content Image

અમદાવાદ, તા.01 જૂન, 2020 સોમવાર

ગુજરાતમાં હવે રોજ ૩૫૦-૪૦૦ કેસો નોંધાવવાની જાણે પરંપરા બની છે.અનલોક-૧ના પ્રથમ દિવસે  જ અમદાવાદમાં તો રવિવારની સરખામણીમાં સોમવારે કોરોનાના કેસોમાં વધારો નોંધાયા હતો. કોરોનાનું ચિત્ર હજુય ભયાવહ બની રહ્યુ છે ત્યારે પણ રાજ્ય આરોગ્ય વિભાગે એવો દાવો કર્યો છેકે,દર્દીઓના સાજા થવાનો દર વધ્યો છે.કોરોનાના જેટલા કેસો નોંધાઇ રહ્યાં છે તેનાથી બમણાં દર્દી સાજા થઇ રહ્યાં છે.ગુજરાતમાં દર્દીઓના સાજા થવાનો દર વધીને હવે ૬૨.૬૧ ટકા થયો છે. ગુજરાતમાં આજે વધુ ૪૨૩ કેસો નોંધાયા હતાં જેના કારણે રાજ્યમાં કોરોનાના કુલ કેસોનો આંકડો ૧૭ હજારને પાર કરી ગયો હતો. આ ઉપરાંત ૨૫ દર્દીઓના મોત થયા હતાં પરિણામે મૃત્યુઆંક ૧૦૬૩ થયો છે. ગુજરાતમાં હવે લોકડાઉન તબક્કાવાર પૂર્ણ થયું છે અને અનલોક-૧ જાહેર કરી રાજ્ય સરકારે વધુ રાહત આપી છે.અનલોક-૧ના પ્રથમ જ દિવસે પણ કોરોનાના કેસો ઓછા થઇ શકયાં નથી. ગુજરાતમાં એવી પરિસ્થિતીનું નિર્માણ થયુ છેકે,રોજ ૧૫થી વધુ જિલ્લામાં કોરોનાના કેસો નોંધાઇ રહ્યાં છે.આ સ્થિતીને લીધે ગુજરાતમાં મોટાભાગના જિલ્લા કોરોનાથી સંક્રમિત થયાં છે.અમદાવાદ, સુરત, વડો દરા, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ, સાબરકાંઠા, આણંદ, પોરબંદર, ભાવનગર, અરવલ્લી, પંચમહાલ, મહિસાગર, પાટણ, વલસાડમાં  કુલ મળીને નવા  ૪૨૩ કેસો નોંધાયા હતાં. અમદાવાદમાં તો અનલોક-૧ના પ્રથમ દિવસે જ ૩૧૪ કેસો નોંધાયા હતાં. રવિવારની સરખામણી સોમવારે કેસોની સંખ્યા વધી હતી.લોકડાઉનમાંથી તો અમદાવાદીઓને રાહત મળી છે પણ કોરોનાનું સંકટ હજુય ટળ્યુ નથી જેથી વધતાં કેસોને કારણે અમદાવાદીઓની ચિંતા વધી છે.

કેસોની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે તેમ છતાંય કોરોનાના ટેસ્ટ કરાતાં નથી. આ જ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારની ફટકાર લગાવી છે ત્યારે રવિવારની સરખામણીમાં સોમવારે ઓછા ટેસ્ટ કરાયાં હતાં. સોમવારે૪૩૨૮ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.અત્યાર સુધી ગુજરાતમાં કુલ ૨,૧૬,૨૫૮ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.હવે તો ખાનગી લેબમાં ય ટેસ્ટ કરવાની છૂટ આપવામાં આવી છે.

આ તરફ,ગુજરાતમાં ઉંચા મૃત્યુદરને તો રોકી શકાયો નથી પણ દર્દીઓનો સાજા થવાનો દર દિવસેને દિવસે વધી રહ્યો છે.આરોગ્ય વિભાગનો દાવો છેકે, રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર વધીને ૬૨.૬૧ ટકા થયો છે.અત્યાર સુધીમાં કુલ ૧૦,૭૮૦ લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થયાં છે. આજે પણ ૮૬૧ દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.  એક જ દિવસમાં ૮૬૧ દર્દીઓ સાજા થયા હોય તેવી આ પ્રથમ ઘટના બની છે.અમદાવાદમાં તો ૭૯૦ જણાંને એક જ દિવસમાંથી રજા આપી દેવામાં આવી હતી.  રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામવાનો સિલસીલો આજે ય યથાવત રહ્યો હતો. ગુજરાતમાં કોરોનાએ વધુ ૨૫ દર્દીઓનો ભોગ લીધો હતો.અમદાવાદમાં ૨૨ દર્દીઓના મોત થયા હતાં. આ ઉપરાંત સુરતમાં ૨ અને અરવલ્લીમાં ૧ દર્દીનુ મોત થયુ હતું .કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૧૦૬૩ સુધી પહોંચ્યો છે.અત્યારે ૬૫ દર્દીઓ વેન્ટિલેટર પર છે જયારે ૫૩૦૯ દર્દીઓની તબિયત સ્થિર છે. અત્યારે ગુજરાતમાં કુલ ૨,૪૧,૦૪૬ લોકો સરકારી અને હોમ કવોરન્ટાઇન હેઠળ છે.આજે ૩૯૫૩ લોકોએ કવોરન્ટાઇનમાંથી મુક્તિ મેળવી હતી. ટૂંકમાં,ગુજરાતમાં હજુય કોરોનાની પક્કડ ઓછી થઇ નથી.

Gujarat