વરસાદે તૈયારી ધોઈ નાંખી, યુનિ.નો પદવીદાન સમારોહ સર સયાજીરાવ નગરગૃહમાં યોજાશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના ૭૧મા પદવીદાન સમારોહની પૂર્વ સંધ્યાએ જ વરસાદની એન્ટ્રીએ યુનિવર્સિટીના કોન્વોકેશન ગ્રાઉન્ડ પર પદવીદાન સમારોહની તૈયારીઓ પર પાણી ફેરવી દીધુ હતુ.જેના પગલે સાંજે સત્તાધીશો પદવીદાન સમારોહનુ સ્થળ બદલવાનો નિર્ણય લીધો હતો.
હવે યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આવતીકાલે, શનિવારે સાંજે પાંચ વાગ્યે સર સયાજીરાવ નગર ગૃહ ખાતે યોજાશે.યુનિવર્સિટીના સૂત્રોનુ કહેવુ હતુ કે, સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહેવાના છે ત્યારે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ લીલી ઝંડી આપ્યા બાદ જ સમારોહનુ સ્થળ બદલવામાં આવ્યુ છે.પહેલી વખત પદવીદાન સમારોહ સયાજી નગર ગૃહમાં યોજાવા જઈ રહ્યો છે.
સૂત્રોનુ કહેવુ છે કે, આવતીકાલે પદવીદાન સમારોહના સમયે વરસાદ આવશે કે કેમ તે કોઈ કહી શકે તેમ નથી.બીજી તરફ પદવીદાન સમારોહમાં વોટર પ્રૂફ સ્ટેજ બનાવવાનો સમય રહ્યો નથી.જેના કારણે હવે સ્થળ બદલવામાં આવ્યુ છે.
જોકે તેના કારણે પદવીદાન સમારોહનો અમુક પ્રોટોકોલ નહીં જળવાય તેવુ બની શકે છે.ઉપરાંત યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા સેનેટ અને સિન્ડિકેટ સભ્યોને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કેવી રીતે એન્ટ્રી આપવામાં આવશે તેની પણ કોઈ સ્પષ્ટતા સેનેટ અને સિન્ડિકેટ સભ્યોને સત્તાધીશો દ્વારા કરવામાં આવી નથી.બીજી તરફ પોલીસ દ્વારા એરપોર્ટથી યુનિવર્સિટીના કોન્વોકેશન ગ્રાઉન્ડ સુધી અમિત શાહના આગમનના બંદોબસ્તનુ રિહસર્લ કરી દેવામાં આવ્યુ હતુ.એ પછી સ્થળ બદલવામાં આવતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ ફરી એક વખત રિહર્સલ કર્યુ હતુ.