For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કાતિલ ઠંડીનું મોજું : અમદાવાદ, ગાંધીનગરમાં બે દિવસ 'યલો એલર્ટ'

-૯ શહેરમાં ૧૦ ડિગ્રીથી નીચું લઘુતમ તાપમાન

-નલિયા ૬.૮ સાથે ઠંડુંગાર ઃ આગામી બે દિવસ કચ્છ, બનાસકાંઠા, પાટણમાં પણ હાડ થીજાવતી ઠંડી પડશે

Updated: Jan 9th, 2022

અમદાવાદ, રવિવાર

માવઠાની અસર દૂર થતાં જ ગુજરાતભરમાં ઠંડીના પ્રભુત્વમાં વધારો થયો છે. ગત રાત્રિએ અમદાવાદ સહિત રાજ્યના ૯ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયો હતો. ૬.૮ ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર રહ્યું હતું જ્યારે ગાંધીનગરમાં ૭ અને અમદાવાદમાં ૯.૧ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાનનો પારો નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.

નલિયામાં ગત રાત્રિએ ૬.૮ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. નલિયામાં છેલ્લા ૧૦ વર્ષથી જાન્યુઆરીમાં લઘુતમ તાપમાનનો પારો કમસેકમ એકવાર ૬ ડિગ્રીથી નીચે ગયો છે. ગત વર્ષે ૨૬ જાન્યુઆરીએ નલિયામાં ૨.૮ ડિગ્રીએ લઘુતમ તાપમાનનો પારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ દરમિયાન નલિયામાં ૫ થી ૭ ડિગ્રીની આસપાસ સરેરાશ લઘુતમ તાપમાન રહે તેની સંભાવના છે. પાટનગર ગાંધીનગરમાં ૭ ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં ૯.૧ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આજે ૨૪ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં ચાર ડિગ્રી ઘટી જતાં દિવસ દરમિયાન પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. અમદાવાદમાં જાન્યુઆરી માસમાં છેલ્લા બે વર્ષમાં નોંધાયેલું આ સૌથી નીચું તાપમાન છે. ૧૫ જાન્યુઆરી ૨૦૨૦ના ૯ ડિગ્રી જ્યારે ૧૨ જાન્યુઆરી ૨૦૨૧ના ૯.૫ ડિગ્રી સાથે જાન્યુઆરી માસનું સૌથી નીચું તાુપમાન નોંધાયું હતું. ૧૦ જાન્યુઆરી ૧૯૫૪ના ૩.૩ ડિગ્રીએ લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે જાન્યુઆરીમાં ઠંડીનો ઓલટાઇમ રેકોર્ડ છે. આગામી બે દિવસ દરમિયાન અમદાવાદમાં ૮ થી ૧૦ ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહેશે.

ગત રાત્રિએ નલિયા-ગાંધીનગર-અમદાવાદ ઉપરાંત અમરેલી, વડોદરા, જુનાગઢ, ડીસા, પાટણ, પોરબંદરમાં પણ લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી બે દિવસ દરમિયાન  કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં કાતિલ ઠંડી પડી શકે છે અને જેના કારણે યલો એલર્ટ રહેશે. જોકે, બુધવારથી ઠંડીનું જોર ઘટવા લાગશે અને લઘુતમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો નોંધાશે. '

 

 

ગુજરાતમાં ક્યાં વધારે ઠંડી?

શહેર           ઠંડી

નલિયા        ૬.૮

ગાંધીનગર     ૭.૦

અમદાવાદ     ૯.૧

અમરેલી        ૯.૨

વડોદરા        ૯.૨

જુનાગઢ        ૯.૨

ડીસા            ૯.૮

પાટણ          ૯.૮

પોરબંદર       ૯.૮

ભાવનગર      ૧૧.૬

ભૂજ            ૧૨.૨

કંડલા          ૧૨.૯

રાજકોટ        ૧૨.૪

સુરત          ૧૫.૬

 

 

 

 

અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં જાન્યુઆરીમાં  સૌથી નીચું તાપમાન

વર્ષ               તાપમાન

૧૭ જાન્યુ.૨૦૧૭       ૯.૫

૫ જાન્યુ. ૨૦૧૮        ૮.૬

૨ જાન્યુ. ૨૦૧૯        ૮.૦

૧૫ જાન્યુ. ૨૦૨૦      ૯.૦

૧૨ જાન્યુ. ૨૦૨૧      ૯.૫

 

Gujarat