For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કલોલમાં કોલેરા બેકાબુઃવધુ એક બાળકીનું મોત

Updated: Jul 7th, 2021

Article Content Image

રેલવે પૂર્વમાં ફાટી નિકળેલો પાણીજન્ય રોગચાળો કલોલ મધ્યમાં પણ વકર્યો

મંગળ ગીરધરનગરમાં રહેતી નવ વર્ષિય બાળકીનું ઝાડા ઉલ્ટી બાદ મૃત્યું લવારવાસ,કોઠીવાળી ચાલી સહિતના નવા વિસ્તારોમાં રોગચાળો ફેલાયો

ગાંધીનગર:કલોલ પૂર્વના જે.પીની લાટી, ત્રિકમનગર, શ્રેયસના છાપરાં સહિતના વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો હતો આ રોગચાળો જીવલેણ સાબિત થયો હતો અને તેમાં બે બાળકો સહિત ત્રણના મોત નિપજ્યા હતા ત્યારે આ રોગચાળો કોલેરા હોવાનું ગઇકાલે સામે આવ્યા બાદ અહીંના બે કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યું હતું ત્યારે આજે નવા વિસ્તારોમાંથી એટલે કે, કલોલના મધ્યામાં આવેલી સોસાયટીઓમાંથી પાણણીજન્ય રોગચાળાના દર્દીઓ પ્રકાશમાં આવવા લાગ્યા છે. જેના કારણે આ કોલેરાના રોગચાળો વકર્યો હોવાનું નિષ્ણાંતોનું માનવું છે એટલુ જ નહીં, ગઇકાલે રાત્રે કલોલના મધ્યમાં આવેલી મંગળ ગીરધરનગર પ્રેસ વિસ્તારમાં રહેતા પરિવારની નવ વર્ષિય બાળકીનું ઝાડા ઉલ્ટી બાદ મોત નિપજ્યું હતું. જેથી તેને પણ કોલેરા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

કલોલ શહેરના રેલ્વે પૂર્વ વિસ્તારમાં આવેલાં શ્રેયસના છાપરાં, ત્રિકમનગર, જે.પી.ની લાટી, આંબેડકરનગર, દત્તનગર હરીકૃપા હોસ્પિટલ પાછળના વિસ્તારમાં છેલ્લા ઘણા વખતથી દુષિત પાણીની સમસ્યા ઉભી થઇ હતી. જેને લઇને આ સ્લમ એરીયામાં ગંભીર અને જીવલેણ રોગચાળો ફાટી નિકળ્યો છે. શુક્રવારથી શ્રેયસના છાપરા અને જે.પી.ની લાટી વિસ્તારમાંથી ઝાડા-ઉલ્ટીના કેસ આવવાના શરૃ થયાં હતાં. આ વિસ્તારમાં રહેતા બે બાળકો અને ૪૦ વર્ષિય યુવાન મળી કુલ ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને  ગાંધીનગર મેડિકલ કોલેજની રેપિડ રીસ્પોન્સ ટીમે આ વિસ્તારમાંથી જુદા જુદા પાંચ દર્દીના સેમ્પલ લીધા હતા જેનુ પરીક્ષણ કરતા ચોંકાવનારી બાબત સામે આવી હતી. કલોલ પુર્વમાં ફાટી નિકળેલો આ પાણીજન્ય રોગચાળો કોઇ ઝાડા-ઉલ્ટીનો નહીં પરંતુ તે કોલેરાનો ગંભીર અને જીવલેણ રોગચાળો હોવાનું પરિક્ષણ દરમિયાન બહાર આવ્યું હતું. જેથી તાત્કાલિકધોરણે આરોગ્ય વિભાગની દરખાસ્તને પગલે જિલ્લા કલેક્ટરે આ પૂર્વ વિસ્તારના બે કિલોમીટર ત્રિજ્યાને કોલેરાગ્રસ્ત જાહેર કરી દીધું હતું અને આરોગ્ય લક્ષી સેવાઓ સઘન બનાવી દેવામાં આવી હતી પરંતુ ગઇકાલ સાંજ બાદ કલોલના મધ્યમાં આવેલી વિવિધ રહેણાંક સોસાયટીઓમાંથી ઝાડા-ઉલ્ટીના દર્દીઓ પ્રકાશમાં આવવા લાગ્યા છે. એટલુ જ નહીં, નવા વિસ્તારમાંથી ગઇકાલે એક બાળકીનું મોત પણ નિપજ્યું છે.

આ અંગે સ્થાનિક સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, કલોલના મધ્યભાગમાં આવેલી મંગળ ગીરધરનગર પ્રેસ વિસ્તારમાં રહેતા પરિવારની નવ વર્ષની બાળકીને ઝાડા-ઉલ્ટી થઇ ગયા હતા અને તેણીનું ગઇકાલે સાંજે  જ કરૃણ મોત થયું હતું.કલોલ રેલવે પૂર્વના વિસ્તારમાં કોલેરાના કેસ સામે આવ્યા બાદ અહીં સર્વેલન્સ તેજ કરવામાં આવ્યું હતું ત્યારે કલોલ મધ્યભાગના મંગળ ગીરધરનગર સોસાયટી, લવારવાસ, કોઠીવાળી ચાલી સહિતના વિસ્તારમાંથી પણ ઝાડા ઉલ્ટીના કેસ વધવા લાગ્યા છે. જેને પગલે હવે આરોગ્ય તંત્ર દ્વારા આ નવા વિસ્તારમાં પણ સર્વેલન્સ સહિત આરોગ્લક્ષી એક્ટીવીટી હાથ ધરવામાં આવી છે. આવી સ્થિતિમાં વધતાજતા કેસને પગલે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે હાલ સ્થાનિકોને પાણી ઉકાળીને પિવા ડોક્ટરોએ સલાહ આપી છે તો બીજીબાજુ સ્થાનિક તંત્રને પાણીનું સુપર ક્લોરીનેશન કરવા માટે પણ આરોગ્ય વિભાગે આદેશ આપ્યો છે.

 કલોલના અસરગ્રસ્ત વિસ્તારમાંથી ઝાડા-ઉલ્ટીના નવા ૧૨૦ કેસ મળ્યાં

ગાંધીનગરદહેગામ અને માણસામાંથી હેલ્થકર્મીઓને કલોલમાં મુક્યાં : પૂર્વ અને મધ્યમાં કુલ ૪૬ ટીમ દ્વારા સર્વેલન્સ હાથ ધરાયું

કલોલમાં પાણીજન્ય કોલેરાનો ગંભીર અને જીવલેણ રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે આ રોગચાળાને કાબુમાં લેવા માટે આરોગ્ય તંત્ર છેલ્લા ઘણા દિવસોથી દોડધામ કરી રહ્યું છે. ગાંધીનગર, દહેગામ અને માણસામાંથી ડોક્ટરો તથા હેલ્થકર્મીઓને કલોલમાં ડેપ્યુટ કરવામાં આવ્યા છે અને કુલ ૪૬ ટીમો બનાવીને હાલ કલોલમાં આરોગ્યલક્ષી સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. જે દરમિયાન આજે એક જ દિવસમાં ૧૨૦ દર્દીઓ પ્રકાશમાં આવ્યા છે.

કલોલ રેલ્વે પુર્વ અને હવે કલોલના મધ્ય ભાગમાં આવેલી સોસાયટીઓમાંથી પણ ઝાડા-ઉલ્ટીના કેસ પ્રકાશમાં આવી રહ્યાં છે. આ પાણીજન્ય કોલેરાનો રોગચાળો દિવસે ને દિવસે જીવલેણ બની રહ્યો છે. ત્યારે આ બેકાબુ બની રહેલાં રોગચાળાને કાબુમાં લેવા માટે આરોગ્ય વિભાગે વધુ સ્ટાફ ફાળવ્યો છે. ગાંધીનગર, દહેગામ અને માણસા તાલુકામાંથી હેલ્થ કર્મીઓને કલોલમાં ડેપ્યુટેશન ઉપર મુકવામાં આવ્યાં છે. ત્યારે ઉચ્ચકક્ષાએથી મળેલા આદેશના પગલે કલોલના અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યની ટીમો દ્વારા સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. આજે એક જ દિવસમાં કલોલ પુર્વમાં ૩૫ ટીમો અને કલોલ મધ્યમાં ૧૧ ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાઉસ-ટુ-હાઉસ સર્વે કરીને રહિશોને ઝાડા-ઉલ્ટીની તકલીફ અને પાણીના નમૂના અંગે તપાસ કરવામાં આવી હતી. આજે એક જ દિવસમાં અર્બન -૧ વિસ્તારમાંથી નવા ૭૦થી વધુ જ્યારે અર્બન -૨ વિસ્તારમાંથી ૪૦ જેટલાં ઝાડા-ઉલ્ટીના દર્દીઓ પ્રકાશમાં આવ્યા હતાં.

Gujarat