Get The App

મુખ્યમંત્રી વિજય રૂપાણી સંપૂર્ણ સ્વસ્થ, બંગલા નંબર 26માં હોમ કવૉરન્ટાઈન

- સીએમ હાઉસમાં આઠ દિવસ સુધી મુલાકાતીઓને નો એન્ટ્રી

- મુખ્યમંત્રી હવે સીએમ હાઉસથી વીડિયો કોલિંગ, વીડિયો કોન્ફરન્સ અને ટેલિફોનથી જ સંવાદ કરશે, સ્વણમ સંકુલ-1 સેનેટાઇઝ કરાયું

Updated: Apr 15th, 2020

GS TEAM

Google News
Google News

- ડો.આર કે પટેલ અને ડો. અતુલ પટેલે મુખ્યમંત્રીનું મેડિકલ ચેકઅપ કર્યું, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ હોમ કવૉરન્ટાઈન

મુખ્યમંત્રી વિજય રૂપાણી સંપૂર્ણ સ્વસ્થ, બંગલા નંબર 26માં હોમ કવૉરન્ટાઈન 1 - image

અમદાવાદ, તા.16 એપ્રિલ 2020, બુધવાર

અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં કોરોનાના વધતા કેસોને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના ધારાસભ્યો  શૈલેષ પરમાર અને ઇમરાન ખાને ગાંધીનગર તેડાવ્યા હતા. કોટ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા થઈ રહેલી કામગીરીની જાણકારી મેળવી હતી અને લોકોના પ્રશ્નો પણ જાણ્યા હતા. આ બેઠક બાદ જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ને કોરોના પોઝિટિવ હોવાની વાત બહાર આવતા જ ખળભળાટ મચી ગયો હતો .આ ઘટના બાદ આજે વહેલી સવારે બે નિષ્ણાત ડોકટરોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી મેડિકલ ચેકઅપ કર્યું હતું જેમાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું નિદાન થયું હતું. હવે  મુખ્યમંત્રીને હોમ કવોરનટાઈન કરાયા છે.મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ હોમ ક્વોરન્ટાઇન થયાં છે.

ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરી હોવાથી આજે નર્મદા હોલ સહિત  સ્વણમ સંકુલ-૧ ને  સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડો. આર. કે .પટેલ અને ડો. તુષાર પટેલ સીએમ હાઉસ પહોંચ્યા હતા જ્યાં આ બંને ડોક્ટરો એ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મેડિકલ ચેકઅપ હાથ ધર્યું હતું જેમાં મુખ્યમંત્રીના તમામ પેરામીટર્સ નોર્મલ હોવાના રિપોર્ટ આવ્યા હતા. મુખ્યમંત્રીને બંગલા નંબર છ માં કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આગામી આઠ દિવસ સુધી મુખ્યમંત્રી કોઈની સાથે પણ મુલાકાત કરશે નહીં. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે માહિતી આપી કે, હાલમાં મુખ્યમંત્રી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. 


ડોકટરો દિવસમાં બે વાર  મેડીકલ ચેક અપ કરશે. એટલું જ નહીં મુખ્યમંત્રી હવે આઠ દિવસ સુધી સીએમ હાઉસથી જ વીડિયો કોલિંગ, વીડિયો કોન્ફરન્સ  અને ટેલિફોનના માધ્યમથી સમગ્ર કામગીરી કરશે. એટલું જ નહીં કોરોના ની સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખશે. કોઈપણ મુલાકાતીને હાઉસમાં આઠ દિવસ સુધી પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે, મિટિંગમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવ્યું હતું .મુખ્યમંત્રી ઈમરાન ખેડાવાલાથી ૧૦થી ૧૫ ફૂટ દૂર બેઠા હતા. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજા પણ હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. 

આમ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા નો પોઝિટિવ કેસ આવ્યા બાદ ગાંધીનગરમાં ખાસ કરીને મંત્રી નિવાસ સ્થાન અને સ્વણમ સંકુલમાં ખાસ સતર્કતા રાખવામાં આવી રહી છે.  દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એસ.વી.પી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જમાલપુર ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ને ટેલિફોન કરી ખબર અંતર પૂછયા હતા. મુખ્યમંત્રીએ ઇમરાન ખેડાવાલાને વધુ સારવાર વગેરેની કોઇ જરૂરિયાત હોય તો તે માટે મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી.આ ઉપરાંત ગ્યાસુદિન શેખ અને  શૈલેષ પરમાર આઇસોલેશનમાં છે ત્યારે મુખ્યમંત્રીએ આ બંને ધારાસભ્યો ને  પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે તેવી લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી એ ગ્યાસુદ્દીન શેખ સહિત  ત્રણેય જનપ્રતિનિધિઓ ત્વરિત સ્વસ્થ થઇને ફરી પોતાના વિસ્તારના નાગરિકો-લોકોની સેવાના કાર્યોમાં લાગી જાય તેવી શુભેચ્છાઓ પણ આપી હતી.

રૂપાણીને મળનારા ભાજપના સંસદસભ્ય અને પૂર્વ મંત્રી પણ હોમ ક્વૉરન્ટાઈન  કરાયા

ગઈકાલે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા નો પોઝિટિવ કેસ આવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અન્ય લોકોને પણ મળ્યા હતા. આણંદના ભાજપના સંસદસભ્ય મિતેશ પટેલ રાહત નિધિ ફંડ માં ચેક આપવા માટે મુખ્યમંત્રીને મળ્યા હતા. જેના પગલે તબીબોએ મિતેશ મિતેશ પટેલ ને પણ સેલ્ફ હોમ ક્વોરન્ટાઈ ન કરવા માટે સલાહ આપી છે. આ ઉપરાંત પૂર્વ મંત્રી પરમાનંદ ખટ્ટરે પણ ગઈ કાલે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી જેના પગલે પરમાનંદ ખટ્ટર પણ ક્વોરન્ટાઈન  છે.

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમારના સેમ્પલ લેવાયા, બંને ધારાસભ્યો હોમ ક્વૉરન્ટાઈન

ગઈકાલે મુખ્યમંત્રીના આમંત્રણને પગલે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા , ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમાર એક જ કારમાં બેસી ગાંધીનગર પહોંચ્યા હતા .મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ ખેડાવાળા નું પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો જેના પગલે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમાર ના આજે બપોરે સેમ્પલ લેવાયા હતા. ડોક્ટરોની સલાહ બાદ આ બન્ને ધારાસભ્યોને હોમ ક્વોરનટાઈન  કરાયા છે. હવે આ બંને ધારાસભ્યો ના રિપોર્ટ ની રાહ જોવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ છેલ્લા કેટલાક દિવસોથી તબલીગ જમાતના લોકોને ને કોટ વિસ્તારના વિવિધ મરકજમાંથી હોસ્પિટલ લઇ જવાની કામગીરી માં સક્રિય હતા.

તપાસ પછી ખેડાવાલા સામે ગુનો નોંધવા વિચારણા: DGP

કોરોના પોઝિટિવ આવેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સામે ગુનો નોંધવા અંગે આજે ડીજીપી શિવાનંદ ઝાએ કહયું હતું કે મુખ્યમંત્રીની સાથે તેમની પોલીટીકલ બેઠક હતી. જેથી આ સંદર્ભે તેમની સામે ગુનો નોંધવો કે નહીં તે અંગે તપાસ કરાઈ રહી છે જરૂર પડશે તો ગુનો પણ દાખલ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇમરાન ખેડાવાલા ગંભીર શારિરીક તકલીફ અને કોરોના સંદર્ભે એમના સેમ્પલ લેવાયા પછી પણ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી વગેરેને ગઇકાલે મળ્યા હતા. તે પછી તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજા છ દિવસ સુધી કોઈને પણ મળશે નહીં

ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પોઝિટિવ કેસ આવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી આઇસોલેટ કરાયા છે. આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું કે , હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ છ દિવસ સુધી કોઈને મળશે નહીં. એટલું જ નહીં હમણાં મુખ્યમંત્રી નાયબ મુખ્ય મંત્રી અને રાજ્ય ગૃહમંત્રીના ટેસ્ટ લેવા કરવાની કોઈ જરૂર નથી. ઉલ્લેખનીય છે કે, ચોથી એપ્રિલે અમદાવાદમાં ધારાસભ્યો અને સંસદ સભ્યોની સંકલનની બેઠકમાં પણ ઈમરાન ખેડાવાલા હાજરી આપી હતી જેમાં મહેસુલમંત્રી કૌશિક પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. હવે આ બધાને પણ આઇસોલેસન રખાશે કે કેમ તે સવાલ સર્જાયો છે.

નરેન્દ્ર મોદી પણ સ્વાઇન ફલૂના કારણે આઇસોલેશનમાં રહેલા

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના ૨૬ નંબરના ભસ્ બંગલે કોરોનાના કારણે હોમ ક્વોરન્ટીન થયા છે. ત્યારે આ જ ૨૬ નંબરના મુખ્યમંત્રી નિવાસમાં ૨૦૦૯માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પણ સ્વાઇન ફલૂનો ચેપ લાગતા એક અઠવાડિયા સુધી ઘરમાં જ રહ્યા હતા. આમ તો ગાંધીનગરમાં મંત્રી નિવાસમાં આવેલો ૨૬ નંબરનો બંગલો મુખ્યમંત્રીઓ માટે શુકનિયાળ માનવામાં આવે છે.

ઓકટોબર ૨૦૦૯માં તત્કાલીન મુખ્ય પ્રધાન અને અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસેથી પરત આવ્યા ત્યારે તેમને સ્વાઇન ફલૂનો ચેપ લાગ્યો હતો. પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેઓ મુખ્યમંત્રી નિવાસસ્થાને જ એક અઠવાડિયું રહ્યા હતા અને આ દરમિયાન તેઓ કોઇ બેઠક કે જાહેર કાર્યક્રમમાં પણ ગયા ન હતા અને સેલ્ફ આઇસોલેશનમાં રહ્યા હતા. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં મંત્રી મંડળ નિવાસમાં આવેલો ૨૬ નંબરનો બંગલો અતિ મહત્વનો અને અતિશુકનિયાળ રહ્યો છે.

માધવસિંહ સોલંકીથી માંડીને શંકરસિંહ વાઘેલા સુધીની સરકારોમાં આ બંગલોમાં રહેનાર મંત્રી મુખ્યમંત્રી સુધી પહોંચી ગયાના ઉદાહરણો છે. પરંતુ ૨૦૦૧માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી તેમના ધ્યાને આ વાત આવતાં તેમણે ૨૬ નંબરના આ શુકનિયાળ બંગલાને મુખ્યમંત્રી નિવાસમાં તબદીલ કરી દીધો હતો. ત્યારથી આ ૨૬ નંબરનો બંગલો હવે નંબર ૨ મંત્રીના બદલે મુખ્યમંત્રીનો બંગલો બની ગયો છે.

ઈમરાન ખેડાવાલાની તબિયત સ્થિર, એસવીપી હોસ્પીટલ માં દાખલ 

ઈમરાન ખેડાવાલાના ડ્રાઈવર અને ભત્રીજા સહિત અન્ય ૩૦ જણાના પણ સેમ્પલ લેવાયા છે કેમ કે આ તમામ લોકો ખેડાવાલાના સંપર્કમાં આવ્યા હતા.આ ઉપરાંત અન્ય કેટલાક લોકો ખેડાવાલા ના સંપર્કમાં હતાં તેની પણ યાદી તૈયાર કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ પણ ફોન કરીને ખેડાવાલા ના ખબર અંતર પૂછયા હતા. જોકે ગઈ કાલે મોડી સાંજે ખેડાવાલા ને સોલા સિવિલ લઈ જવાયાં હતાં પણ આજે વહેલી સવારે તમને ફરી એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે . ઓઢવના કોંગ્રેસના મહામંત્રી નો પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

પૂર્વ મ્યુનિ.વિપક્ષ નેતા બદ્દરૂદીન શેખ પણ કોરોના પોઝિટિવ

શાહઆલમ વિસ્તારમાં રહેતા પૂર્વ મ્યુનિ.વિપક્ષ નેતા બદ્દરૂદીન શેખ કોરોના પોઝિટીવ જાહેર થતા સારવાર માટે એસ.વી.પી.હોસ્પિટલમાં દાખલ કરાયા છે.બહેરામપુરાના કોર્પોરેટર એવા બદ્દરૂદીનને ત્યાં કામ કરતા કામવાળી મહીલાને પણ કોરોના પોઝિટીવ જાહેર થયો છે.

કોંગ્રેસના નેતાઓ પર કોરોનાનો કોહરામ

પ્રાપ્ત વિગત અનુસાર,શાહઆલમ વિસ્તારમાં મુનશી કોટેજમાં રહેતા ૬૫ વર્ષના બદ્દરૂદીન શેખને બે દિવસ પહેલા તાવ આવતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.આ ટેસ્ટ કરાવ્યો હતો.ટેસ્ટનો રીપોર્ટ આજે પોઝિટીવ આવતા તેમને સારવાર માટે એસ.વી.પી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બદ્દરૂદીન શેખની સાથે તેમના ઘરે કામ કરતી મહીલાને પણ કોરોના પોઝિટીવ હોવાનુ જાહેર થયુ છે.કોંગ્રેસના નેતાઓ ઉપર કોરોનાએ કોહરામ મચાવ્યો હોવાનું કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યુ છે.

Tags :