બોડેલીમાં યુવાનિધિ ગૃપની ઓફિસ ખોલી નઇ સોચ નઇ રાહે સ્કિમમાં રોકાણના નામે રૃા.૨.૬૦ કરોડ ખંખેરી લીધા
બોડેલીની તોરલ હોટલના માલિકની દૈનિક બચતની રકમ પરત નહી મળતા પર્દાફાશ ઃ ૫૦૦ લોકો છેતરપિંડીનો ભોગ બન્યા
બોડેલી તા.૨ આરબીઆઇ માન્યતા પ્રાપ્ત હોવાનો દાવો કરી યુવાનિધિ ગૃપની કંપનીમાં બચતખાતુ ખોલાવી છોટાઉદેપુર પંથકના ૫૦૦ જેટલા રોકાણકારો પાસેથી રૃા.૨.૬૦ કરોડથી વધુ માતબર રકમ ઉઘરાવી પાકતી મુદતે રકમ પરત નહી કરતા એક રોકાણકારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણ ભેજાબાજોની ધરપકડ કરી વધુ તપાસ શરૃ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે બોડેલીમાં તોરલ હોટલ ધરાવતા અવિનાશભાઇ રાજુભાઇ શેટ્ટી પાસે બે વર્ષ પહેલા બોડેલીની સાધનાનગર સોસાયટીમાં રહેતો વીમા એજન્ટ રફિક સદરુદ્દીન ખોજા આવ્યો હતો અને આરબીઆઇ માન્યતા પ્રાપ્ત યુવાનિધિ ગૃપ દ્વારા નઇ સોચ નઇ રાહે નામની ડેઇલી, મંથલી અને ફિક્સ ડિપોઝીટની એકથી પાંચ વર્ષ સુધીની સ્કિમો છે જેમાં વ્યાજની સારી રકમ મળશે તેમ જણાવી રફિકે કહ્યુ હતું કે આ ગૃપની બ્રાંચ બોડેલી-ડભોઇ રોડ પર અગ્રવાલ કોમ્પલેક્સમાં આવેલી છે.
રફિકની વાતમાં આવી જઇને અવિનાશભાઇ શેટ્ટી યુવાનિધિ ગૃપની ઓફિસમાં જઇ બ્રાંચ મેનેજર મોહમંદહશન ઇમામુદ્દીન પઠાણ(રહે.જીન્દાલ રેસિડેન્સી, બોડેલી)ને મળ્યા હતાં. બ્રાંચ મેનેજરે વિવિધ સ્કિમો સમજાવ્યા બાદ અવિનાશભાઇએ દેનિક રૃા.૩૦૦૦ની બચતનું ખાતું ખોલાવ્યું હતું. બાદમાં રફિકભાઇ ખોજા હોટલ પર જઇને દૈનિક બચતના રૃા.૩ હજાર લઇ જઇ બચતબુકમાં સહી કરતા હતાં.
એક વર્ષ સુધી રિકરિંગના નાણાં રૃા.૧૦.૯૫ લાખ જમા થયા બાદ પાકતી મુદતે તા.૧ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ અવિનાશભાઇ નાણાં મેળવવા માટે બોડેલી બ્રાંચમાં ગયા ત્યારે એજન્ટ અને બ્રાંચ મેનેજરે ૧૫ દિવસમાં નાણાં પરત મળી જશે તેમ કહ્યું હતું. જો કે ૧૫ દિવસ બાદ પણ પૈસા પરત નહી આપી અવિનાશભાઇને ધમકી આપી હતી. અવિનાશભાઇએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે યુવાનિધિ ગૃપની ઓફિસ ખોલી ભેજાબાજોએ આશરે ૫૦૦ જેટલા રોકાણકારો પાસેથી રૃા.૨.૫૦ કરોડ જેટલી માતબર રકમ ઉઘરાવી ઠગાઇ કરી છે.
કુલ રૃા.૨૬૦૯૫૦૦૦ રકમની રોકાણકારો સાથે ઠગાઇ થઇ હોવાની ફરિયાદ આખરે અવિનાશભાઇએ નોંધાવતા છોટાઉદેપુર એસઓજીએ મેનેજર મોહમદહશન ઇમામુદ્દીન પઠાણ, ડાયરેક્ટર મેહુલ ઉપેન્દ્ર વ્યાસ અને એજન્ટ રફિક સદરુદ્દીન ખોજાની ધરપકડ કરી છે.