For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હાઇ પ્રોફાઇલ ગ્રાહકો માટે અમેરિકાથી ચરસ,ગાંજો મંગાવનાર પેડલર ઝડપાયો

Updated: Nov 16th, 2021

Article Content Image

બોપલ-ઘુમામાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ

અમેરિકામાં ક્રિપ્ટો કરન્સી મારફતે ચુકવણી કર્યા બાદ અલગ અલગ ચીજવસ્તુમાં ડ્રગ્સને છુપાવીને એરકોર્ગો મારફતે મંગાવવામાં આવતું હતું

અમદાવાદ : અમદાવાદના શહેરના હાઇપ્રોફાઇલ વિસ્તારોમા રહેતા ગ્રાહકો માટે ખાસ અમેરિકાથી વિશેષ પ્રકારનો ચરસ અને ગાંજાનો જથ્થો મંગાવીને તેને સ્થાનિક સ્તરે વેપાર કરતા ડ્રગ્સ માફિયાઓને વેચાણ કરવાના ચોંકાવનારા નેટવર્કનો અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પર્દફાશ કરવામાં આવ્યો છે.

જેમાં પોલીેસ ચરસ અને ગાંજા તેમજ અન્ય અમેરિકન ડ્રગ્સના મોટા જથ્થા સાથે મુખ્ય આરોપી સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પુછપરછમાં મહત્વનો ખુલાસો થયો છે કે તે શહેરના હાઇપ્રોફાઇલ ગ્રાહકોને નિયમિત રીત ચરસ  અને ગાંજા સહિતના ડ્રગ્સને પુરા પાડનાર સ્થાનિક ડીલરોને ડ્રગ્સ સપ્લાઇ કરતા હતા. ત્યારે આરોપીઓની પુછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર  અને બોપલમાં હાઇ પ્રોફાઇલ ગ્રાહકો માટે વિશેષ અમેરિકન ચરસ , ગાંજો અને અન્ય ડ્રગ્સના વેચાણના નેટવર્કનો અમદાવાદ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ  બ્રાંચ અને એસઓજી દ્વારા પર્દાફાશ કરીને સેટેલાઇટ અને વેજલપુર વિસ્તારમાં રહેતા બે ડ્રગ્સ માફિયાની  ડ્રગ્સના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે  સાઉથ બોપલના સોબો સેન્ટર નજીક હાઇપ્રોફાઇલ સલૂન ધરાવતો વંદિત પટેલ (રહે.સદાશીવ એપાર્ટમેન્ટ, સચિન ટાવર નજીક, સેેટેલાઇટ) અને પાર્થ પ્રતિક શર્મા (રહે. ઓમકારેશ્વર ફ્લેટ , વેજલપુર) તેમની લક્ઝરી કાર મારફતે મોટાપાયે ડ્રગ્સનો જથ્થો રાખીને વેચાણ કરે છે અને  સોમવારે રાતના બોપલથી ઘુમા તરફ ડીલેવરી આપવા માટે જવાના છે. જેના આધારે  પોલીસે વોચ ગોઠવીને ઘુમા પાસે ઝડપી લીધા હતા.

તપાસ દરમિયાન કારમાંથી હાઇબ્રીડ ગાંજો,  અમેરિકન ચરસ,મેજીક મશરૂમ અને શેટર નામનો નશામાં ઉપયોગમાં લેવામાં  આવતો પદાર્થ મળી આવ્યો હતો. આરોપી વંદિત પટેલની પુછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે પશ્ચિમ વિસ્તારના વિશેષ  ગ્રાહકો માટે અમેરિકાથી ખાસ ચરસ , ગાંજો અને અન્ય ડ્રગ્સ મંગાવીને અનેક ગણા નફા સાથે વેચાણ કરતો હતો.

સૌથી મોટી ચોંકાવનારી બાબત એ એ પણ ધ્યાનમાં આવી હતી કે વંદિત અમેરિકામાં ડ્ગ્સના નાણાંની ચુકવણી ક્રિપ્ટોકરન્સી માધ્યમથી કરતો હતો અને એરકાર્ગો મારફતે વિવિધ ચીજવસ્તુઓમાં  ડ્રગ્સનો જથ્થો છુપાવીનેમંગાવતો હતો. તો કોઇને શંકા ન જાય  તે માટે તે બોપલમાં હેર સલૂનનો વ્યવસાય પણ સાથે કરતો હતો.  આ ઉપરાંત, તે હિમાચલ પ્રદેશથી પણ ચરસનો જથ્થો મંગાવતો હતો.

આરોપીની પુછપરછમાં પોલીસને નીલ પટેલ (રહે. સરકારી ટયુબવેલ, બોપલ), વિપુલ ગોસ્વામી (રહે. શ્યામલ ચાર રસ્તા) , ઝીલ પરાઠે ( રહે. થલતેજ) અને વાપીને અન્ય ડ્રગ્સ માફિયાનું નામ ખુલ્યું છે. આ તમામ લોકો વંદિત પટેલ પાસેથી ડ્રગ્સનો જથ્થો ખરીદીને પશ્ચિમ વિસ્તારના  હાઇ પ્રોફાઇલ ગ્રાહકોને પુરા પાડતા હતા. ત્યારે આરોપીઓની પુછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા  વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat