For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાજપે ફરી એકવાર કોંગ્રેસના નારાજ નેતાઓનો સંપર્ક કર્યો

Updated: Nov 16th, 2021

Article Content Image

વિધાનસભાની ચૂંટણી પહેલાં જ તડજોડની રાજનીતિ

વડગામમાં મેવાણીને પુન: ટિકિટ અપાશે તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પક્ષપલટો કરવા તૈયાર

અમદાવાદ : વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ગુજરાતમાં તડજોડની રાજનીતિ શરૂ થાય  તેવા અણસાર છે. ભાજપે 150 બેઠકોનો લક્ષ્યાંકને પૂર્ણ કરવા અત્યારથી કોંગ્રેસના નારાજ નેતાઓને સંપર્ક કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. ભાજપે  વિધાનસભાની  ચૂંટણીમાં કોંગ્રેસના  આંતરિક વિખવાદનો રાજકીય લાભ ઉઠાવવા નક્કી કર્યુ છે. 

ભાજપે આ વખતે કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડવા રણનીતિ ઘડી કાઢી છે જેના ભાગરૂપે કોંગ્રેસના અસંતુષ્ટોનો અત્યારથી સંપર્ક કર્યો છે. સૂત્રોના મતે, વડગામ બેઠક કોંગ્રેસનો ગઢ છે. લઘુમતી મતદારોને કારણે આ બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યુ છે. જોકે, કોંગ્રેસના સહકારથી વડગામ બેઠક પર જીજ્ઞોશ મેવાણી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતાં. 

આ બેઠક પર કોંગ્રેસના જ પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા મજબૂત દાવેદાર રહ્યા છે. તેમની કામગીરીને કારણે આ બેઠક પર તેમની મતદારો પર પકડ છે પણ સતત અવગણના થતાં તેઓ કોંગ્રેસથી ભારોભાર નારાજ છે. મેવાણીએ તાજેતરમાં જ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે.

હવે આગામી વિધાસભાની ચૂંટણીમાં મેવાણીની આ બેઠક પર પુ:ન ટિકીટ નક્કી છે જેના કારણે મણિલાલ વાઘેલા આરપારની લડાઇ લડવા ઉત્સુક છે. સૂત્રોના મતે, ભાજપે અત્યારથી નારાજ મણિલાલ વાઘેલાનો સંપર્ક કર્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સામે બાથ ઝીલવા વાઘેલા તૈયાર પણ થયા છે. અત્યારે તો તેઓ પણ તેલ જુઓને,તેલની ધાર જુઓ તેવી નીતિ અખત્યાર કરવાના મતમાં છે.

પણ ચર્ચા છેકે, કોંગ્રેસ આ બેઠક પર ટિકીટ નહી આપે તો, મણિલાલ વાઘેલા કેસરિયો ખેસ ધારણ કરે તો નવાઇ નહી. ભાજપે કોંગ્રેસ સમર્પિત બેઠકો પર અસંતુષ્ટોનો સંપર્ક કર્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના કેટલાંય ધારાસભ્યો પક્ષની વંડી ઠેકીને ભાજપમાં જાય તેવા અણસાર વર્તાઇ રહ્યા છે.

Gujarat