For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુરતા સ્ટોકના અભાવે રસીકરણ કેન્દ્રોમાં લાભાર્થીઓનો હોબાળો

Updated: Jun 30th, 2021

Article Content Image

ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને ગયેલા યુવાનોને પણ રસી મળતી નથીઃપ્રથમ કલાકમાં જ દરેક કેન્દ્રોમાં 'નો સ્ટોક'ના પાટીયા

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા શરૃ કરવામાં આવેલું રસીકરણ અભિયાન હાલ ડચકાખાઇને ચાલી રહ્યું છે. એક સમયે ગાંધીનગરમાં ૧૩૦ જેટલા સેન્ટરો ઉપર રસી આપવામાં આવતી હતી તે સેન્ટરો પણ ઘટાડીને ફક્ત ૪૦ જેટલા જ કરી દેવામાં આવ્યા છે. એટલુ જ નહીં, આ રસીકરણ કેન્દ્રો ઉપર પણ રોજ ૧૦૦થી ૨૦૦નો સ્ટોક જ આપવામાં આવે છે. જે પ્રથમ કલાકમાં જ પુરો થઇ જાય છે. જેના કારણે સેન્ટરોમાં સ્થાનિકો તથા રસી લેવા કલાકથી લાઇનમાં ઉભેલા લાભાર્થીઓ હોબાળો મચાવે છે.

ત્રીજી લહેરની તૈયારીના ભાગરૃપે રાજ્ય સરકાર દ્વારા રસીકરણ મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તા.૨૧મી જુનથી શરૃ કરાયેલા આ અભિયાન અંતર્ગત ગાંધીનગર શહેર તથા જિલ્લાના દરેક આરોગ્ય કેન્દ્રોમાં ઓન ધ સ્પોટ રસીકરણ શરૃ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૃપે ગાંધીનગરમાં એક જ દિવસોમાં ૧૫ હજારથી પણ વધુ વ્યક્તિઓને રસી આપવાનો રેકોર્ડ બન્યો હતો પરંતુ ત્યાર બાદ સ્ટોક નહીં હોવાને કારણે સેન્ટરો બંધ કરી દેવાનો વારો આવ્યો છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં ગત શુક્રવારથી રસીનો સ્ટોક પુરતા પ્રમાણમાં નહીં આપવામાં આવતો હોવાથી સેન્ટરો બહાર લાભાર્થીઓની ભીડ હોવા છતા રસી આપવામાં આવતી નથી. હવે તો સ્ટોક જ નહીં હોવાને કારણે એક સેન્ટર ઉપર ૧૦૦-૨૦૦થી વધુ લોકોને રસી આપવી અશક્ય સમાન બની ગયું છે. ગાંધીનગરના લગભગ તમામ સેન્ટરો કે જ્યાં રસીકરણ હજુ સુધી ચાલુ છે ત્યાં બાર વાગ્યા બાદ તો રસી મળતી જ નથી જેના કારણે સ્થાનિક સ્ટાફને રોષે ભરાયેલા ગ્રામજનો વચ્ચે ઘર્ષણના બનાવો વધ્યા છે. ગાંધીનગરના ગામડાઓમાં રસી માટે માંડ માંડ તૈયાર થયેલા ગ્રામજનો હવે જ્યારે રસી લેવા કેન્દ્ર ઉપર જાય છે ત્યારે ત્યાં નો સ્ટોકના પાટીયા લાગેલા જોવા મળે છે તેથી આ સેન્ટરોમાં ગ્રામજનો હોબાળો પણ મચાવી રહ્યા છે.એટલુ જ નહી,ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને ગયેલા યુવાનોને પણ રસી મળતી નથી. આજે ઉવારસદ આરોગ્ય કેન્દ્ર બહાર રસી લેવા માટે મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડયા હતા પરંતુ પ્રથમ કલાકમાં જ રસી ખલાસ થઇ ગયી હતી જેના કારણે અહીં હાજર સેંકડો લોકોએ હોબાળો મચાવ્યો હતો. 

Gujarat