For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પોલીસ પાસે સત્તા ના હોવા છતાં પાસ કાઢી આપતા મહિલા ASI સસ્પેન્ડ

ઇલિયાસ અને શબ્બીરે વાઘોડિયાના પીઆઇનો બોગસ પાસ બનાવતા બંનેની ધરપકડ પણ થઇ હતી

Updated: May 4th, 2020

Article Content Imageવડોદરા, તા.4 મે, સોમવાર

લોકડાઉનમાં બહાર ફરવા માટે પાસ ઇસ્યુ કરવાની સત્તા પોલીસ પાસે ના હોવા છતાં વાઘોડિયા પોલીસના મહિલા એએસઆઇએ વાઘોડિયાની બે વ્યક્તિને પાસ ઇસ્યુ કર્યુ હોવાનું બહાર આવતા જિલ્લા પોલીસ વડાએ મહિલા એએસઆઇને સસ્પેન્ડ કરી દેવાનો  હુકમ કર્યો છે.

આ અંગેની વિગત એવી છે કે હિંમતનગર પાસે વાઘોડિયાના ઉંડા ફળિયામાં રહેતો ઇલિયાસ ઘાંચી અને શબ્બીર ઘાંચી બંને કારમાં વાઘોડિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇનું હરવા ફરવા માટેના પ્રમાણપત્ર સાથે ઝડપાયા હતાં. હિંમતનગર પોલીસની તપાસમાં આ પાસ બોગસ જણાતા વડોદરા ડીએસપીને આ પાસ મોકલવામાં આવ્યો હતો. આ પાસ બોગસ હોવાનું જણાતા પોલીસે તપાસના આદેશ કર્યા હતાં.

દરમિયાન વાઘોડિયા પોલીસે ઇલિયાસ ઘાંચીના ઘેર દરોડો પાડી બોગસ પાસ બનાવવાના સાધનો કબજે કરી બંને સામે ગુનો દાખલ કરી તેઓની સામે કાર્યવાહી કરી હતી જ્યારે બીજી બાજુ બોગસ પાસ અંગે ડભોઇ ડિવાયએસપી દ્વારા ખાતાકિય તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે ઇલિયાસ ઘાંચીને વાઘોડિયાના એએસઆઇ લીલાબેને વાઘોડિયામાં ફરવા માટેનું પ્રમાણપત્ર બનાવી આપ્યું હતુ અને તેમાં ઇન્ચાર્જ પીઆઇ વતી સહિ કરી પોલીસ સ્ટેશનનો સિક્કો પણ માર્યો હતો. આ પાસનો ઇલિયાસ તેમજ અન્યએ ડુપ્લીકેટ પાસ બનાવી તેને રાજસ્થાન જવા માટેનો પાસ બનાવાયો હતો.

ઉપરોક્ત વિગતોનો પર્દાફાશ થતા લીલાબેનનો પણ જવાબ લેવાયા બાદ ડીએસપીએ તાત્કાલિક પગલા લઇ લીલાબેનને સસ્પેન્ડ કરી દીધા છે.



Gujarat