For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પંચાયતોમાં જયજયકાર થશે તો વિધાનસભાની વહેલી ચૂંટણીની વકી

Updated: Nov 26th, 2021

Article Content Image

ચૂંટણી પરથી ગ્રામીણ મતદારોનો મૂડ જાણવા રાજકીય પ્રયાસો 

પંચાયતોની ચૂંટણી વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર બની રહેશે શહેરો બાદ ગ્રામીણ મતદારો પર પકડ જમાવવા મથામણ

અમદાવાદ : પંચાયતોની ચૂંટણીનું બ્યૂગલ વાગી ચુક્યુ છે. શહેરી મતદારો બાદ ગ્રામિણ મતદારો પર રાજકીય  પક્કજ જમાવવા ભાજપે અત્યારથી મથામણ શરૂ કરી દીધી છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર બની રહેશે કેમકે,પંચાયતોની ચૂંટણી પરથી  ભાજપ ગ્રામિણ મતદારોનો મૂડ જાણવા માંગે છે.

જાણકારોનું કહેવુ છેકે, જો  પંચાયતોની ચૂંટણીમાં જયજયકાર થશે તો ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણી થવાની શક્યતા છે. રૂપાણી સરકારની વિદાય બાદ  નવી સરકાર માટે ચૂંટણીઓ પડકાર સમાન બની છે. વિધાનસભાની પેટાચૂંટણીથી માંડીને ગાંધીનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે સારૂ પ્રદર્શન કર્યુ છે.

હવે 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની 19મી  ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે. હાલ કોંગ્રેસમાં શૂન્યાવકાશ છે અને નેતાગીરીના નામે મિંડુ છે. ગુજરાત કોંગ્રેસે એકદમ સુષુપ્ત અવસૃથામાં છે. પ્રદેશ પ્રમુખથી માંડીને વિધાનસભા વિપક્ષના નેતાની નિમણૂંકને લઇને કોઇ ઠેંકાણા નથી. ભાજપ આ તકનો ભરપૂર લાભ લેવા તૈયાર છે.

આ તરફ, દિવાળી સ્નેહ મિલનના માધ્યમથી ભાજપે ચૂંટણી ગતિવિધીને તેજ બનાવી છે. રેલી-સંમેલન થકી ભાજપ રાજકીય કયાસ કાઢી રહ્યુ છે .એપીએમસીની ચૂંટણીઓમાં ય ભાજપ તરફી પરિણામ આવ્યુ છે આમ ભાજપતરફી માહોલ સર્જાઇ રહ્યો છે. આ સંજોગોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાય તો ભાજપને રાજકીય લાભ મળવાનો અંદાજ છે. 

શહેરી મતદારો પર ભાજપનો રાજકીય દબદબો યથાવત છે. હજુય ગ્રામિણ મતદારો ભાજપના કબજામાં નથી. આ જોતાં  ગ્રામ પંચાયતો પર રાજકીય કબજો મેળવવા ભાજપે એડીચોટીનું જોર લગાવ્યુ છે.

પંચાયતોની ચૂંટણી પરથી ભાજપ ગ્રામિણ મતદારોનો મૂડ જાણવા માગે છે. જો ગ્રામિણ મતદારો ભાજપ સરકારથી સંતુષ્ટ ન હોય તો વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવી જોખમી પુરવાર થઇ શકે તેમ છે. પણ જો પંચાયતોની ચૂંટણીમાં ભાજપ સમર્થકો પંચાયતો પર કબજો મેળવે, સારૂ પ્રદર્શન કરે તો ભાજપની નેતાગીરી વિધાનસભાની વહેલી ચૂંટણી યોજવાના મતમાં છે.

પંચાયતો પર કબજો મેળવવાના ભાગરૂપે જ સરકારે સમરસ ગામ માટે લાખો રૂપિયા ગ્રાન્ટ આપવા નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છેકે, વિધાનસભામાં આ વખતે પૂર્ણ બજેટ નહી પણ લેખાનુદાન રજૂ થાય તે પણ  વહેલી ચૂંટણીના અણસાર છે. આમ,ભાજપની નજર હવે પંચાયતોની ચૂંટણી પર છે. પંચાયતો પર કબજો મેળવી વિધાનસભાનો માર્ગ મોકળો કરવા ભાજપની ગણતરી છે.

Gujarat