For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આરટીઓમાં બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ કૌભાંડ આચરનારા એજન્ટ ઝડપાયા

રાતોરાત રૃપિયા કમાવા જાહેર રજાના દિવસ લાઇસન્સ બનાવ્યા

યુઝર આઇઆડી, પાસવર્ડ ચોરી ઃ ધોરણ ૮ નાપાસ લોકોને હેવી વ્હીકલના લાઇસન્સ ઇસ્યુ કર્યા હતા

Updated: Mar 18th, 2019

અમદાવાદ, તા. 18, માર્ચે , 2019, સોમવાર

અમદાવાદ આરટીઓમાં રજાના દિવસે અસંખ્ય બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવાનું કૌભાંડ બહાર આવ્યુ હતું. આ કેસમાં પોલીસે અમદાવાદ અને ભુજના બે એજન્ટની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં અમદાવાદના એજન્ટે યુઝર આઇડી અને પાસવર્ડની ચોરી કરી હતી અને પાસવર્ડ આધારે સોફ્ટવેરમાં લોગ-ઇન કરીને બોગલોગ એન્ટ્રી કરવામાં આવી હતી. આ રેકેટમાં ધોરણ ૮ પાસ ના હોય તેવા લોકો પણ હેવી વ્હીકલના લાઇસન્સ ઇસ્યું કરવામાં આવ્યા હતા.

આ કૌભાંડમાં ક્રાઇમબ્રાંચે ભુજ જિલ્લાના માધાપરા રોડ પર એમ.ઇ.એસની બાજુમાં હિલવ્યું રેસિડેન્સીમાં રહેતા મહેન્દ્ર ઉર્ફે પાજી મનુભાઇ જાદવ ( ભરવાડ) તથા અમદાવાદ સરસપુર બોરડીવડનગર સોસાયટી, બારીવાળો વાસમાં રહેતા રાકેશ ઉર્ફે ભુરીયો નટવરભાઇ પટણીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં મહેન્દ્ર જાદવ ભુજ આરટીઓમાં ૨૦૧૦થી ૨૦૧૮ સુધી કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. જેથી ઓનલાઇન ટેટા એન્ટ્રીની કામગીરીથી પરિચીત હતો. જ્યારે અમદાવાદનો રાકેશ પટણી છ વર્ષથી એજન્ટ તરીકેની કામગીરી કરે છે. તે રાતો રાત પૈસાદાર બનવા માગતો હતો.

આરટીઓમાં કમ્પ્યુટર ઓપરેટરની ગેરહાજરીમાં તેના ટેબલ બેસીને સ્પાયવેર નાંખી યુઝર આઇ.ડી, તથા પાસવર્ડ મેળવીને વોટ્સએપથી ભુજમાં મહેન્દ્રને મોકલી આપ્યો હતો. જેના આધારે રાકેશ પટણી દ્વારા લાવવામાં આવેલા ગ્રાહકોના ડટા ઓનલાઇન કર્યા હતા. તા. ૨૫ ડિસેમ્બરના રોજ જાહેર રજાના દિવસે ૮૪ ગેર કાયદે એન્ટ્રી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં ટુ વ્હીલર અને થ્રી વ્હીલર લાઇસન્સ ધરાવતા લોકોને ફોર વ્હીલ સહિતના ડ્રાઇવિંગ લાઇસન્સ ઇસ્યું કરવામાં આવ્યા છે.

એટલું જ નહી ધોરણ-૮ પાસ લાયકાત ધરાવતી વ્યકિતઓને હેવી વ્હીકલનું લાઇસન્સ આપવામાં આવતું હોય છે તેમ છતાં કેટલાક ધોરણ ૮ નાપાસ લોકોને આવા લાઇસન્સ ઇસ્યું કરી દેવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી ૮૪ લાઇસન્સ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં અમદાવાદ આરટીઓ કચેરીના કેટલાક કર્મચારીઓની સંડોવણી હોવાની શંકા આધારે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.


Gujarat