For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદ મ્યુનિ.ના કોરોનાથી મૃત્યુ પામેલા ૩૬ કર્મચારીઓના પરિવારજનો હજુ સહાયથી વંચિત

મૌખિક આદેશથી શબવાહિનીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવી કોરોના સંક્રમિત થયા બાદ મૃત્યુ પામનારાના પરિવારજનોને કહેવાયુ, લેખિતમાં ઓર્ડરની કોપી લાવો

Updated: Nov 25th, 2021

Article Content Image

અમદાવાદ,ગુરુવાર,25 નવેમ્બર,2021

કોરોના મહામારીના સમયમાં કોરોના વોરીયર્સ જેવુ રુપાળુ નામ આપી કામગીરી કરાવ્યા બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કોરોના સંક્રમિત થઈ મૃત્યુ પામેલા કર્મચારીઓના પરીવારજનોને આપવા પાત્ર થતી રુપિયા ૨૫ લાખની આર્થિક સહાય મામલે નાની-નાની ક્ષતિઓ કાઢી સહાયથી વંચિત રખાઈ રહ્યા હોવાની વિગત બહાર આવવા પામી છે.મ્યુનિ.તંત્રમાં ફરજ બજાવતા ૪૧ જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા મૃત્યુ પામ્યા હતા.જે પૈકી હજુ સુધી માત્ર પાંચ કેસમાં આર્થિક સહાય તંત્ર દ્વારા અપાઈ છે.૩૬ કર્મચારીઓના પરિવારજનો હજુ સહાયથી વંચિત હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.મહામારીના સમયમાં મૌખિક આદેશ બાદ એએમટીએસમાં ફરજ બજાવતા ડ્રાઈવરોને શબવાહિનીમાં ફરજ સોંપાઈ હતી.એ સમયે કોરોના સંક્રમિત થઈ સારવાર બાદ મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારજનોને તંત્ર તરફથી એવી સુચના અપાઈ હતી કે,લેખિતમાં ઓર્ડરની કોપી લાવો.

આ અંગે મળતી માહિતી મુજબ,અમદાવાદ શહેરમાં માર્ચ-૨૦૨૦થી શરુ થયેલા કોરોના સંક્રમણ બાદ આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં શહેરમાં રોજના કોરોનાના પાંચ હજારથી પણ વધુ કેસ નોંધાતા હતા.હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવા બેડ પણ મળતા નહોતા.આ પરિસ્થિતિની વચ્ચે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ,સોલીડવેસ્ટ,ફાયર વિભાગ,એએમટીએસ તથા મ્યુનિસિપલ શાળાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને તેમને જયાં ફરજ ઉપર મુકવામાં આવ્યા ત્યાં દોડી જઈને ફરજ બજાવી હતી.

દરમ્યાન ફરજ બજાવતી વખતે કોરોના સંક્રમિત થઈ સારવાર દરમ્યાન મૃત્યુ પામેલા મ્યુનિ.ના કર્મચારીઓના પરિવારજનોને પણ પચ્ચીસ લાખ ની આર્થિક સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.મ્યુનિ.સત્તાધીશોના કહેવા પ્રમાણે, વિવિધ વિભાગના ૪૧ કર્મચારી કોરોના સંક્રમિત થવાથી મૃત્યુ પામ્યા હતા.જે પૈકી પાંચ કર્મચારીઓના વારસદારોને ૨૫-૨૫ લાખ ,એક કર્મચારીના વારસદારને પચાસ લાખ સહાય અપાઈ છે.એક ફાઈલ નામંજુર કરાઈ છે.બીજી તરફ ઉત્તરઝોનમાં ફરજ બજાવતા અને કોરોના સંક્રમણથી સારવાર બાદ મૃત્યુ પામેલા એક કર્મચારીનું નામ મ્યુનિ.ની કોઈ યાદીમાં ના હોવાની વિગત બહાર આવી છે.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,મ્યુનિ.તંત્રમાં કોરોના મહામારીના સમયમાં ફરજ બજાવતા પચાસથી પણ વધુ કર્મચારીઓના સંક્રમિત થવાથી મૃત્યુ થયા હતા.

મ્યુનિ.અધિકારીની સારવારનો ૩૭ લાખનો ખર્ચ મંજુર કરવા સરકારનો અભિપ્રાય મંગાવાયો

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા અધિકારી બ્રેઈન ટયુમરની ગંભીર બીમારી ધરાવે છે.ચેન્નાઈ ખાતે આવેલી  એપોલો હોસ્પિટલમાં સારવાર લેતા ૩૭ લાખનો ખર્ચ થયો છે.આ ખર્ચની રકમ રીઅમ્બર્સમેન્ટ કરી આપવા મંજુરી માંગતી સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજુ કરાયેલી દરખાસ્ત પેન્ડીંગ રાખી રાજય સરકારનો અભિપ્રાય લેવા નિર્ણય કરાયો છે.

Gujarat