For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

૩.૫૨ કરોડના વિદેશી ડ્રગ્સ કેસના આરોપીઓ રિમાન્ડ પર

અમેરિકા-કેનેડાથી પણ ડ્રગ્સ મંગાવાતુ હતું

યુવાનોને ડ્રગ્સ વેચી ઓનલાઇન પેમેન્ટ મેળવાતા હતા, હવાલા કૌભાંડની પણ આશંકાઃ પોલીસ

Updated: Nov 17th, 2021

અમદાવાદ, બુધવાર

અમદાવાદના સાઉથ બોપલમાંથી ઝડપાયેલા ૩.૫૨ કરોડના ડ્રગ્સ કેસમાં  બે આરોપીઓના આઠ દિવસના રિમાન્ડ ગ્રામ્ય કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરાઇ હતી કે આરોપીઓ યુવાનોને ડ્રગ્સ વેચી ગૂગલ-પે અને ફોન-પે સહિતની ઓનલાઇન એપ્લિકેશન દ્વારા પેમેન્ટ મેળવતા હતા. તેથી સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા આરોપીઓની પોલીસ કસ્ટડીમાં હાજરી જરૃરી છે.


સાઉથ બોપલમાં સલૂન ચલાવતા વંદીત ભરતભાઇ પટેલ અને તેના સાગરિત પાર્થ પ્રતીશકુમાર શર્માને પોલીસે આજે ગ્રામ્ય કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. જ્યાં મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે આરોપીઓ વિદેશથી નાર્કોટિક્સ પદાર્થો મંગાવતા હતા. જેમાં અમેરિકા અને કેનેડા સહિતના દેશોનો સમાવેશ થાય છે. આરોપીએ આ ડ્રગ્સનું પેમેન્ટ ક્રિપ્ટો કરન્સીથી કે હવાલાથી કર્યું હોવાની આશંકા છે. આ ઉપરાંત તપાસ દરમિયાન વાપીના એક યુવકનું નામ પણ બહાર આવ્યું છે. તેઓ યુવાનોને ડ્રગ્સ વેચી ઓનલાઇન પેમેન્ટ મેળવતા હતા, તેથી તેમના બેન્ક એકાઉન્ટની તપાસ કરવી જરૃરી છે. જેથી ૧૪ દિવસ માટે તેમની પોલીસ કસ્ટડીમાં હાજરી જરૃરી છે. ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સામે પોલીસે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Gujarat