ઝુંડાલ ગામ પાસે રિક્ષા પલટી થવાથી અકસ્માતમાં વાલદના યુવાનનું મોત

Updated: Jan 22nd, 2023


કેટરર્સનો વ્યવસાય કરતો યુવાન રિક્ષા લઈને ઘરે જઈ રહ્યો હતો તે સમયે અકસ્માતની ઘટના ઃ અડાલજ પોલીસની તપાસ

ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા ઝુંડાલ પાસે ગઈકાલે સાંજના સમયે રીક્ષા લઈને પસાર થઈ રહેલા વલાદ ગામના યુવાનની રીક્ષા પલટી ખાઈ જતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે અડાલજ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ગાંધીનગર જિલ્લામાં હાલ રોડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે જિલ્લામાં વધી રહેલી અકસ્માતની ઘટનાઓ સંદર્ભે પોલીસ અને વહીવટી તંત્ર પણ ચિંતિત બન્યું છે અને અકસ્માતગ્રસ્ત માર્ગો ઉપર રોડ સેફટી અંતર્ગત વધુ કામગીરી કરવા માટે નિર્ણય લેવાયો છે ત્યારે ગઈકાલે સાંજના સમયે ઝુંડાલ પાસે વધુ એક અકસ્માતમાં યુવાનનું મોત થયું છે. આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે વલાદ ગામ ખાતે રહેતો અને મૂળ રાજસ્થાનનો યુવાન રાજુ નારાયણજી પવાર કેટરીંગનો વ્યવસાય કરતો હતો ગઈકાલે સાંજના સમયે તે તેની રિક્ષા લઈને ઝુંડાલ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે તેની રીક્ષા પલટી ખાઈ ગઈ હતી અને રાજુના શરીરે ગંભીર જાઓ પહોંચી હતી. જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન રાજુનું મોત થયું હતું. અકસ્માતની આ ઘટના અંગે તેના કાકાની ફરિયાદના આધારે અડાલજ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

    Sports

    RECENT NEWS