Get The App

નાના જલુન્દ્રા પાસે દારુ ભરેલી કાર પકડાઈ પણ બુટલેગર ફરાર

Updated: Jun 21st, 2021

GS TEAM


Google News
Google News
નાના જલુન્દ્રા પાસે દારુ ભરેલી કાર પકડાઈ પણ બુટલેગર ફરાર 1 - image


પોલીસે દારુ ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો

કારમાંથી પોલીસે એક લાખથી વધુની કિંમતની ર૮૮ બોટલ સહિત છ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

દહેગામ:દારુ ભરેલી કારને ઝડપી લેવા માટે રખિયાલ પોલીસે કંથારપુરા ગામેથી પીછો કર્યો હતો. ચાલકે પોતાના કબજાની કારને બેફામ હંકારી નાના જલુન્દ્રા ગામે થઈ ગામના નજીક ચાર રસ્તા પર બિનવારસી હાલતમાં મુકી નાસી છૂટયો હતો. પીછો કરી રહેલ પોલીસે સ્થળ પર પહોંચી દારુ ભરેલી કારનો કબજો લીધો હતો. ચાલક ચાલુ વરસાદનો લાભ લઈ ખેતરોમાં થઈ નાસી છૂટયો હતો. કારમાંથી અંદાજે એક લાખથી વધુની કિંમતની વિદેશી દારુની ર૮૮ બોટલ મળી આવી હતી.

રખિયાલ પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્ટાફના વિષ્ણુભાઈ, કૌશિકભાઈ, ભરતકુમાર, બાબુસિંહ, મહેશકુમાર અને જયેશભાઈ સહિતના માણસોએ બાતમીના આધારે વિદેશી દારુ ભરીને ચેખલાથી નાના જલુન્દ્રા તરફ જઈ રહેલી કાર નં.જી.જે.૧. એચ.એક્સ.૧૭૭૬ ને ઝડપી લેવા માટે કંથારપુરા ખાતે નાકાબંધી કરી હતી. પરંતુ કાર ચાલક નાકાબંધી તોડી કાર લઈ નાસી છૂટયો હતો. પોલીસે તેનો પીછો કરતાં ચાલક તેની કાર નાના જલુન્દ્રા ચોકડી નજીક મુકી ચાલું વરસાદનો લાભ લઈ ભાગી છૂટયો હતો. સ્થળ પર પહોંચેલી પોલીસે ગાડીમાં તપાસ કરતાં રુ.૧,૦૯,૮૦૦ ની કિંમતની વિદેશી દારુની ર૮૮ બોટલ મળી આવી હતી. આ ગુન્હામાં પોલીસે દારુ તેમજ રુ.પ લાખની કિંમતની કાર સહિત કુલ રુ.૬,૦૯,૮૦૦ નો મુદ્દામાલ કબજે લઈ ભાગી છૂટેલા અજાણ્યા કાર ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

Tags :