વીજ થાંભલા સાથે કાર અથડાઇને પલ્ટીઃબે યુવાનોના મોતઃત્રણ ઘાયલ

Updated: Jan 23rd, 2023


ગાંધીનગરના રાયસણ બીએપીએસ સ્કૂલ પાસે

મિત્રોને ઘરે મુકવા માટે યુવાનો જઇ રહ્યા હતા તે સમયે ગોજારો અકસ્માત સર્જાયોઃરાયસણ-કુડાસણમાં શોકનો માહોલ

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક રાયસણમાં ગઇકાલે રાત્રીના સમયે બેસવા માટે ભેગા થયેલા મિત્રો અન્ય બે મિત્રોને મુકવા માટે કારમાં જઇ રહ્યા હતા તે સમયે બીએપીએસ શાળા પાસે ચાલક યુવાને સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઇડમાં વીજ થાંભલા સાથે અથડાઇને પલટી ખાઇ ગઇ હતી જે ગમખ્વાર અકસ્માતમાં ચાલક યુવાન સહિત બેના સ્થળ ઉપર જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ ઘાયલ યુવાનોને સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં લઇ જવામાં આવ્યા છે. આ અકસ્માતની ઘટનાને પગલે રાયસણ-કુડાસણમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે.

ગાંધીનગરમાં અકસ્માતોની ઘટનામાં દિન પ્રતિ દિન વધારો થઇ રહ્યો છે ત્યારે ગઇકાલે રાત્રીના સમયે ગાંધીનગર શહેરને અડીને આવેલા રાયસણ ગામમાંથી હાઇવે ઉપર આવવાના માર્ગ ઉપર ગોજારો અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવાનોના અકાળે અવસાન થયા હતા આ ઘટનાની મળતી વિગતો પ્રમાણે, રાયસણમાં આવેલા વૃંદાવન બંગલોઝની સામે રહેતા યુવાન ધવલ ભુપતભાઇ રાવળ તેમજ રાયસણના હાર્દિક નવનીતભાઇ પટેલ, જીગર કાંતિભાઇ રાવળ, વિપુલ વિરચંદજી ઠાકોર અને પ્રવિણ લાભુભાઇ રાવળ રહે. કુડાસણ એ રાયસણ ગામમાં સીલીકોન લાવીસ્ટા ખાતે બેસવા માટે ભેગા થયા હતા. ત્યાર બાદ પ્રવીણ અને જીગરે ઘરે મુકી જવાની વાત કરતા હાર્દિક તેની કાર લઇને આવ્યો હતો. ત્યાર બાદ પ્રવિણે આ કાર ચલાવી હતી અને હાર્દિક તેની કારમાં બાજુમાં બેઠો હતો જ્યારે વિપુલ, ધવલ અને જીગર કારની પાછળની બાજુએ બેઠાં હતા.

રાયસણ ગામથી હાઇવે તરફ કાર જઇ રહી હતી તે સમયે બીએસપીએસ સ્કૂલ પાસે અચાનક જ પ્રવીણે કાર ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો જેના કારણે રોડ સાઇડમાં વીજ થાંભલા સાથે ધડાકાભેર કાર અથડાઇ હતી અને એક પછી એક ત્રણ પલટી ખાઇ ગઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારની આગળની બાજુએ બેઠેલા પ્રવીણ અને હાર્દિકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમના સ્થળ ઉપર જ મોત નિપજ્યા હતા.અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘાયલોને સારવાર માટે ગાંધીનગર સિવિલથી ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા .રાયસણ અને કુડાસણ ગામમાં યુવાનના અકાળે અવસાનની આ ઘટનાને પગલે બન્ને ગામોમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે. 

    Sports

    RECENT NEWS