For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રસ્તે ચાલવું પણ જોખમી : ગુજરાતમાં એક વર્ષમાં 728 રાહદારીઓના મૃત્યુ, દરરોજ સરેરાશ 2 રાહદારી જીવ ગુમાવે છે

Updated: Sep 15th, 2020

- ગુજરાતમાંથી છેલ્લા 5 વર્ષમાં 2880 રાહદારીઓના મોત : અમદાવાદના 95 રાહદારીઓએ રસ્તો ઓળંગતા જીવ ગુમાવ્યો

અમદાવાદ, તા. 15 સપ્ટેમ્બર 2020, મંગળવાર

ગુજરાતમાં વાહનની ટક્કર થવાથી રાહદારીઓના મૃત્યુ થવાના પ્રમાણમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. માત્ર એક વર્ષમાં 728 રાહદારીઓના મૃત્યુ થયા છે. આ સ્થિતિએ ગુજરાતમાં દરરોજ સરેરાશ બે રાહદારીના મૃત્યુ થઇ રહ્યા છે. વધુ ચિંતાજનક વાત એ છે કે ગત વર્ષે થયેલા 728 રાહદારીઓના મૃત્યુ એ છેલ્લા 10 વર્ષમાં સર્વોચ્ચ છે. ગુજરાતમાંથી છેલ્લા પાંચ વર્ષમાં 2880 રાહદારીઓના મૃત્યુ થયા છે.

એનસીઆરબી દ્વારા જારી કરવામાં આવેલી વિગતો અનુસાર સમગ્ર દેશમાંથી વર્ષ 2019માં 11786 રાહદારીઓના મૃત્યુ થયા છે. જેમાં મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ 1489, કર્ણાટકમાંથી 1288, તમિલનાડુમાંથી 1044, કેરળમાંથી 902 રાહદારીઓએ જીવ ગુમાવ્યો છે. એક વર્ષમાં સૌથી વધુ રાહદારીઓના મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત આઠમાં સ્થાને છે. વર્ષ 2019માં ગુજરાતના જે મોટા શહેરોમાંથી સૌથી વધુ રાહદારીઓના મૃત્યુ થયા હોય તેમાં સુરત 78 સાથે મોખરાનું સ્થાન ધરાવે છે. આ સિવાય અમદાવાદમાંથી 53, વડોદરામાંથી 47, રાજકોટમાંથી 28 રાહદારીઓના મૃત્યુ થયેલા છે. ગુજરાતમાંથી એક વર્ષમાં રસ્તો ઓળંગતી વખતે 95ના મૃત્યુ થયેલા છે. જેમાં 74 પુરુષ-20 મહિલા અને 1 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. શહેરી વિસ્તારમાં રસ્તો ઓળંગતી વખતે તમિલનાડુમાંથી સૌથી વધુ 1044ના જ્યારે સમગ્ર દેશમાંથી 3121ના મૃત્યુ થયેલા છે.

શહેરી વિસ્તારમાં રસ્તો ઓળંગતી વખતે અમદાવાદમાંથી 40 પુરુષ-12 મહિલા-1 ટ્રાન્સજેન્ડર એમ કુલ 53ના, રાજકોટમાંથી 25 પુરુષ-6 મહિલા એમ 31ના, સુરતમાંથી 4 પુરુષ-1 મહિલા એમ 5ના, જ્યારે વડોદરામાંથી એકપણના રસ્તો ઓળંગતી વખતે મૃત્યુ થયા નથી. અમદાવાદમાં થયેલા 53ના મોત છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ છે. રાહદારીઓના સૌથી વધુ મોત મહાનગરો કરતાં નગરોમાં વધારે થઇ રહ્યા છે.  કેમકે, રાહદારીઓના કુલ થયેલા 728 મૃત્યુમાંથી 206 એટલે કે 30% જ અમદાવાદ-સુરત-વડોદરા-રાજકોટમાંથી છે. તજજ્ઞાોના મતે, ગુજરાતમાં રાહદારીઓની સલામતી માટે પૂરતા પગલાં લેવામાં આવી રહ્યા નથી તે સ્પષ્ટ બાબત છે. મોટાભાગના રસ્તામાં ઝીબ્રા ક્રોસિંગની નિશાની પણ ઝાંખી પડી ચૂકી હોય છે.  આ ઉપરાંત રાહદારીઓ માટે ફૂટ ઓવર બ્રિજ જેવી વ્યવસ્થાનો અભાવ પણ તેમને નડી રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં રાહદારીઓના મૃત્યુ

વર્ષ
મૃત્યુ
2019 
728
2018
660
2017 
598
2016
492
2015
402
કુલ
2880

વર્ષ 2019માં કયા શહેરમાં સૌથી વધુ રાહદારીના મોત?

શહેર
મૃત્યુ
સુરત
78
અમદાવાદ
53
વડોદરા 
47
રાજકોટ
28
Gujarat