For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોનાની પ્રાણઘાતક બોલીંગ સામે જિલ્લાના 56 ગામો હજુ 'અણનમ'

- 56 ગામોમાં અતિચેપી વાયરસ પ્રવેશી શક્યો નથી...!

- માણસાના તમામ ગામો ચેપગ્રસ્ત : દહેગામના 50 ટકા ગામો કોરોના ફ્રી ગાંધીનગરના 19 તથા કલોલના 5 ગામોમાં એક પણ કેસ નોંધાયો નથી

Updated: Nov 29th, 2020

Article Content Image

ગાંધીનગર, તા. 29 નવેમ્બર, 2020, રવિવાર

ગુજરાતમાં ઠંડી વધવાની સાથે કોરોનાના કેસ પણ દરરોજ તેની નવી ટોચે પહોંચે છે ગાંધીનગર શહેર તથા જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને રોજ ૬૫થી વધુ કેસ સરકારી ચોપડે નોંધાય છે ત્યારે હજુ પણ ગાંધીનગર જિલ્લાના એવા ગામો છે જ્યાં કોરોનાનો ચેપી અને પ્રાણઘાતક વાયરસ પહોંચી શક્યો નથી. સરકારી ચોપડે નજર કરીએ તો ગાંધીનગર તાલુકાના ૧૯, કલોલના પાંચ જ્યારે દહેગામ તાલુકાના ૩૨ ગામોમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. તો બીજીબાજુ માણસામાં કોરોનાનો ચેપ એવી રીતે પ્રસર્યો છે કે તમામ ૫૦થી વધુ ગામોમાં કોરોનાના કેસ નોંધાઇ ચુક્યા છે. 

ગાંધીનગરમાં દિવાળી બાદ નવા વર્ષમાં કોરોનાના કેસની સંખ્યા બેવડાઇ ગઇ છે તો ગુજરાતમાં દરરોજ કોરોના કેસ નવા વિક્રમો સર્જી કર્યા છે તે વચ્ચે સુખદ અને ચોંકાવનારી મળી રહી છે કે, જિલ્લાના કુલ ૩૨૪ ગામો પૈકી ૫૬ જેટલા ગામોમાં હજુ પણ કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. આ અંગે ગાંધીનગર જિલ્લા તંત્રના આંકડાઓ ઉપર નજર કરીએ તો, ગાંધીનગર જિલ્લાના ૭૪ જેટલા ગામો પૈકી ૧૯ ગામોમાં હજુ પણ કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.જેમાં બુટાકીયા, ધરમપુર, ચેખલારણી, ભુંડીયા, બોરીયા, માધવગઢ, શીવપુરાકંપા, માતાપુરા, શોરાબપુરા, રતનપુર, સોનીપુર, વીરાતલાવડી, નવાપુરા, વજાપુરા, વાંકાનેરડા, રણાસણ, પ્રભુપુરા ગામનો સમાવેશ થાય છે. આવી જ રીતે દહેગામમાં સૌથી વધુ એટલે કે, જેટલા ગામ છે તેના ૫૦ ટકા ગામોમાં કોરોનાનો વાયરસ પ્રવેશી શક્યો નથી. દહેગામ તાલુકાના માલબંધ વાસણા, હિલોલવાસણા, શીયાપુરા, ચામલા, ડેમાલીયા, પસુણીયા, પલ્લાનો મઠ, મીરાપુર, જીવરાજના મુવાડા, પન્નાના મુવાડા, મીઠાના મુવાડા, આંત્રોલી, જેસા-ચાંદાના મુવાડા, ડુમેચા, ખાડીયા, દોડ, મોટી માછંગ, નારણાવટ, બીલમણા, ખાખરા, કલ્યાણજીના મુવાડા, ઠાકોરના મોસીપુર, મોતીપુરા, ખાંટની બારડોલી, વાસણા સોગઠી ગામમાં જ્યારથી કોરોના આવ્યો ત્યારથી હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી. 

આ ઉપરાંત કલોલમાં કે જ્યાં વિસ્તારની સામે કોરોના કેસની સંખ્યા વધુ છે ત્યારે આ કલોલ તાલુકામાં પણ ૫૬ જેટલા કુલ ગામો પૈકી પાંચ ગામોમાં કોઇ કેસ નહીં નોંધાયો હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં ભાદોલ, અઢાણા, વાંસજડા-ઢે, રણછોડપુરા, ઉનાલી ગામનો સમાવેશ થાય છે. તો બીજીબાજુ માણસામાં કે જ્યાં કોરોનાના કેસ ગાંધીનગર અને કલોલ તાલુકા કરતા ઓછા છે પરંતુ ત્યાં આવેલા ૫૧થી વધુ ગામોમાં કોરોનાનો ચેપ પ્રસરી ગયો છે. માણસા તાલુકાના તમામ ગામોમાં કોરોનાના એક કે તેથી વધુ કેસ નોંધાઇ ગયા છે. ગાંધીનગર કોર્પોરેશનનમાં સમાવિષ્ટ તમામ ગામોમાં પણ કોરોનાનો ચેપ પ્રસરી ગયો છે. ત્યારે ગાંધીનગરમાં ૧૯, કલોલમાં પાંચ જ્યારે દહેગામમાં ૩૨ મળી કુલ ૫૬ ગામોમાં કોરોના પ્રવેશ્યો નથી તેવી સ્થિતિમાં આ ગામના સરપંચ સહિત ત્યાં વસતા ગ્રામજનોને પણ ગામને કોરોના ફ્રી રાખવા માટે યશ આપવો ઘટે તેમ છે અન્ય ગામો ભલે ચેપગ્રસ્ત થઇ ગયા હોય પણ ત્યાના ગ્રામજનો અને આગેવાનો હવે કેસ વધે નહીં તે માટેની લોકડાઉન જેવી વ્યવસ્થા ગોઠવે તે સમગ્ર જિલ્લા માટે હિતાવહ્ છે. ઉલ્લેખનીય છે કે, ટેસ્ટ વધે અને કોરોના પોઝિટિવ કેસ ભલે વધે પરંતુ દર્દીને કોરોના વાયરસ શરીરમાં પ્રવેશે તેના શરૂઆતના સ્ટેજમાં તે પોઝિટિવ હોવાનો ખ્યાલ આવી જાય તો તેવા દર્દીઓને બચાવી શકાય છે તેથી ગામે ગામ ટેસ્ટીંગ કેમ્પ પણ કરવા જોઇએ તેવી માંગણી પણ ઉઠવા પામી છે. 

Gujarat