For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચંદ્રાલા પાસે વધુ 1 લકઝરી બસમાંથી 2 મુસાફરો વિદેશી દારૂ સાથે પકડાયા

- ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપર

- પોલીસે વાહનચેકીંગ દરમ્યાન થેલામાંથી વિદેશી દારૂની ૮૪ બોટલ કબ્જે કરી : ૪૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત

Updated: Nov 29th, 2020

Article Content Image

ગાંધીનગર, તા. 29 નવેમ્બર, 2020, રવિવાર

ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર દારૂની હેરાફેરી વધી રહી છે ત્યારે ચંદ્રાલા પાસે ચિલોડા પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન રાજસ્થાન તરફથી આવતી લકઝરી બસમાં તપાસ કરતાં વધુ બે મુસાફર વિદેશી દારૂની ૮૪ બોટલ સાથે ઝડપાઈ ગયા હતા. જેમની પાસેથી ૪૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. દારૂ કયાંથી લાવ્યા હતા અને કોને આપવાનો હતો તે જાણવા માટે મથામણ હાથ ધરાઈ છે.      

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે પોલીસથી બચવા માટે દારૂની હેરાફેરી કરતાં ખેપિયાઓ એસટી કે ખાનગી બસમાં દારૂની હેરાફેરી કરી રહયા છે. જો કે પોલીસ પણ દારૂના આ જથ્થાને પકડવા માટે અવારનવાર હાઈવેમાર્ગો ઉપર લકઝરી બસોનું ચેકીંગ કરી રહી છે. ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકીંગ કરી રહી હતી તે દરમ્યાન રાજસ્થાન તરફથી આરજે-૨૦-પીએ-૭૮૦૧ નંબરની લકઝરી બસ આવતાં તેને ઉભી રાખવામાં આવી હતી અને તપાસ કરતાં બે થેલામાંથી વિદેશી દારૂની ૮૪ જેટલી બોટલ મળી આવી હતી. 

જે થેલા સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના કોરડા ગામે રહેતા વિપુલભાઈ ધીરૂભાઈ રોજાસરા અને જયસુખભાઈ મનસુખભાઈ લીંબડીયાના હોવાનું બહાર આવતાં પોલીસે આ બન્ને મુસાફરોની અટકાયત કરી લીધી હતી. દારૂ અને મોબાઈલ ફોન મળી ૪૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દારૂ કયાંથી લવાયો હતો તેમજ કયાં લઈ જવાનો હતો તે જાણવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. 

નોંધવું રહેશે કે ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર લકઝરી બસમાં દારૂની હેરાફેરીના કિસ્સા ખુબ જ વધી રહયા છે. દારૂના ખેપિયાઓ હાલ હેરાફેરી માટે આ મોડેશ ઓપરેન્ડી સફળ માની રહયા છે. 

Gujarat