For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદમાં 19 મોત: ગુજરાતમાં નવા 226 કેસ

- દિલ્હી-એમપી,રાજસ્થાન કરતાં અમદાવાદમાં કોરોનાનો મૃત્યુઆંક વધુ

- અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં જ 19 દર્દીઓએ આખરી શ્વાસ લીધા, અમદાવાદીઓમાં દહેશતનો માહોલ લૉકડાઉન, કરફયુ સહિત અનેકવિધ પગલાં છતાં વયસ્ક દર્દીઓ ટપોટપ મરી રહ્યા છે, આરોગ્ય વિભાગ લાચાર

Updated: Apr 28th, 2020

- ગુજરાતમાં કુલ  3774 કેસ,181 મૃત્યુ: માત્ર કેસો-મૃત્યુની દ્રષ્ટિએ રાજ્યમાં અમદાવાદ મોખરે



અમદાવાદ, તા.28 એપ્રિલ 2020, મંગળવાર

આખાય રાજ્યમાં અમદાવાદમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.દિનપ્રતિદીન કેસો જ નહીં, મૃત્યુઆંક પણ વધતાં કોરોનાએ ભયાનક સ્વરુપ ધારણ કર્યુ છે. અમદાવાદનું ચિત્ર બિહામણું બન્યુ છે ત્યારે આજે અમદાવાદમાં વધુ ૧૬૪ કેસો નોંધાયા હતાં જયારે સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાકમાં ૨૨૬ કેસો નોંધાયા હતાં જેના પગલે કુલ કેસોનો આંક વધીને ૩૭૭૪ સુધી પહોંચ્યો છે. ચિંતાની વાત એછેકે, આજે ગુજરાતમાં કોરોના ૧૯ લોકોને ભરખી ગયો હતો. આ બધાય દર્દીઓના મોત અમદાવાદમાં જ થયા હતાં. આરોગ્ય વિભાગના અનેકવિધ પગલાંઓ છતાંય અમદાવાદમાં દર્દીઓ ટપોટપ મરી રહ્યાં છે જેના કારણે અમદાવાદીઓમાં ચિંતાનુ મોજુ ફેલાયું છે. રાજ્યમાં મૃત્યુઆંક  ૧૮૧ થયો છે. 


ગુજરાતમાં અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતી જાણે બેકાબુ બની રહી છે. લોકડાઉન,કરફયુ, સઘન સર્વેલન્સ,વધુમાં વધુ ટેસ્ટીંગ છતાંય અમદાવાદમાં કેસો જ નહીં,મૃત્યુઆંક પણ વધી રહ્યો છે જેના પગલે હવે આરોગ્ય વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે પણ આંગળી ચિંધાઇ છે. આજે પણ કોરોનાના વધુ ૧૬૪ કેસો નોંધાયા હતાં. અત્યાર સુધી તો કોટ વિસ્તારમાં જ કેસો નોંધાઇ રહ્યાં હતાં પણ હવે તો ધીરે ધીરે અન્ય વિસ્તારોમાં કેસો વધી રહ્યાં છે.સમગ્ર દેશના કુલ કેસો પૈકી ૭.૭ ટકા કેસો તો માત્ર અમદાવાદ શહેરમાં નોધાયા છે. 

આજે અમદાવાદ ઉપરાંત આણંદમાં ૯ કેસ,ભરુચમાં ૨ કેસ,ભાવનગરમાં ૧ કેસ,બોટાદમાં ૬ કેસ,ગાંધીનગરમાં ૬ કેસ,રાજકોટમાં ૯ કેસ,સુરતમાં ૧૪ કેસ અને વડોદરામાં ૧૫ કેસો નોંધાયા હતાં. આજે રાજ્યમાં કુલ ૯ જિલ્લામાં કોરોનાના કેસો નોંધાયા હતાં. 

ગુજરાતમાં અમદાવાદનો મૃત્યુદર હવે દિલ્હી-મુંબઇ કરતાં પણ વધુ છે. આજે અમદાવાદમાં કોરોનાના કારણે ૪ દર્દીઓના મોત થયા હતાં જયારે એકથી વધુ બિમારી ઉપરાંત કોરોના હોય તેવા ૧૫ દર્દીઓના મોત નિપજ્યા હતાં. અમદાવાદ સિવિલમાં જ તમામ ૧૯ દર્દીઓના મોત થયા હતાં.

આ દર્દીઓ પૈકી ૧૪ પુરુષ અને ૫ મહિલાઓ હતી. આરોગ્ય વિભાગનુ કહેવુ છેકે, અમદાવાદ સિવિલમાં સારવાર લઇ રહેલાં આ બધાય દર્દીઓ પૈકી મોટાભાગ દર્દીઓ કેન્સર,સ્ટ્રોક,એપીલેપ્સી,હાયપર ટેન્શન સહિત અન્ય બિમારીનો શિકાર હતાં. એકલા અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ ૧૨૮ લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યાં છે. ગુજરાતમાં કોરોનાનો મૃત્યુઆંક ૧૮૧ થયો છે.

રાજ્ય આરોગ્ય વિભાગે તો જાણે હાથ જ ખંખેરી લીધાં છે.સિનિયર સિટીઝન અને એકથી વધુ બિમારી હોય તેને બચાવી શકાય નહી તેવુ પ્રસ્થાપિત થયુ છે.આમ,આરોગ્ય વિભાગ જાણે કોરોનાની સ્થિતી સામે બેબસ બન્યુ છે. અત્યારે હજુ પણ અમદાવાદ સહિત અન્ય શહેરોની હોસ્પિટલમાં ૩૪ દર્દીઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે.જયારે ૩૧૨૫ દર્દીઓની તબિયત સ્થિર છે.  કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે વધુ ૪૦ લોકો કોરોનાને હરાવવામાં સફળ થયાં છે.અમદાવાદમાં ૨૯ લોકોને હોસ્પિટલને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત આણંદમાં ૩, ભાવનગરમાં ૧,બોટાદમાં ૨, છોટાઉદેપુરમાં ૨,કચ્છમાં ૧ અને વડોદરામાં ૨ એમ કુલ મળીને ૪૦ જણાં કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયા હતાં. અત્યાર સુધીમાં રાજયમાં કુલ ૪૩૪ લોકો સાજા થઇ ઘેર પહોંચ્યાં છે. 

રાજ્ય આરોગ્ય વિભાગનો દાવો છેકે,અત્યાર સુધી રાજ્યમાં કુલ ૫૬૧૦૧ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જોકે,રોજરોજ કેટલાં ટેસ્ટ કરવામાં આવે છે તેની વિગતો આપવામાં આવી નથી. જયારે ચીનની કીટથી કરવામાં આવતાં રેપિડ ટેસ્ટ પણ બંધ કરવામાં આવ્યાં છે. આમ,અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ટેસ્ટ કરવાની માત્રા ઘટી છે. હાલમાં ગુજરાતમાં કુલ ૩૮ હજાર લોકોને સરકારી-પ્રાઇવેટ ફેસીલીટીમાં કવોરન્ટાઇન કરાયાં છે.

Gujarat