For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મ્યુનિ. ગરીબો અને પરપ્રાંતિય મજૂરોને હવે સસ્તા ભાડાના મકાનો આપશે

Updated: May 26th, 2021

Article Content Image

બોડકદેવ- થલતેજમાં ધુળ ખાતા પડયા રહેલા 1376 EWSના મકાનો

2016થી 18 વચ્ચે કરોડોના ખર્ચે બનેલા આ મકાનોના બારી- બારણાં પણ ચોરાઈ ગયા છે : મ્યુનિ.ના ગેરવહીવટનો અદ્ભુત નમૂનો

અમદાવાદ : મ્યુનિ. કોર્પોરેશનના હાઉસિંગ પ્રોજેક્ટમાં અગાઉના અધિકારીઓ દ્વારા 2016થી 18 વચ્ચે બોડકદેવમાં 1024 અને થલતેજમાં 352 મકાનો મળીને કુલ 1376 મકાનો બંધાયા હતા જે છેલ્લા ચારેક વર્ષથી ધૂળ ખાતા પડયા છે. દરમ્યાન કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલ 'આત્મનિર્ભર ભારત' યોજનાના ભાગરૂપે આ મકાનો હવે શહેરી ગરીબો, પરપ્રાંતીય મજૂરો તેમજ વિસ્થાપિતોને ભાડે આપવાનું નક્કી થયું છે.

આ અંગેની બે દરખાસ્તો સ્ટેન્ડિંગ કમિટીમાં આવી છે, જે અંગે આવતીકાલ ગુરૂવારે મળનારી મિટિંગમાં નિર્ણય લેવાશે તેમ જણાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રની આ યોજના હેઠળ પહેલી વખત આ રીતે ખાલી પડયા રહેલા મકાનો 'એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્ષ સ્કીમ' હેઠળ ભાડે આપવાનો નિર્ણય લેવાયો છે.

આ માટે ખાનગી કોન્ટ્રાક્ટરોને 25 વર્ષ સુધી આ મકાનોની સ્કીમો સોંપી દેવાશે, જેઓ હાલના મકાનોને રીપેરીંગ કરી રહેવા લાયક બનાવીને ભાડે આપશે અને તેનું મેન્ટેનન્સ કરશે જેની સામે તેઓને થનારી આવકમાંથી રેવન્યુ શેર તરીકે મ્યુનિ.ને 28.57 કરોડ રૂપિયા આપશે.

બોડકદેવના મકાનોના 20.57 કરોડ અને થલતેજના મકાનોના 8.08 કરોડ નક્કી કરાયા છે. હાઉસિંગ પ્રોજેક્ટના અધિકારીઓના આ નિર્ણયથી મકાનો પડતર પડયા છે, તેનો ઉપયોગ ચાલુ થશે. હાલ તો મકાનોના ક્યાંક તો બારી-બારણાં, ઇલેક્ટ્રીક ફિટીંગ્સ, બાથરૂમના નળ- ચકલી પણ ચોરાઈ ગયેલા છે ખંડેર જેવી સ્થિતિમાં પડયા છે.

આ ગરીબ આવાસ યોજનાના મકાનો બન્યા ત્યારે ડ્રો કરીને આપવાના હતા પણ રિવરફ્રન્ટ જેવો કોઈ પ્રોજેક્ટમાં ઝુંપડાઓ ખસેડવામાં આવે તો એવા અસરગ્રસ્તોને આપવાના હતા. હવે સવાલ એ થાય છે કે, સામે કોઈ કોઈ નવા પ્રોજેક્ટ જ ના હતા અને ઝુંપડપટ્ટી ક્યાંય તોડવાની જ ના હતી તો પછી એ સમયના અધિકારીઓએ શા માટે આ રીતે મકાનો બનાવી મુકી દીધા હતા ?

શા માટે મ્યુનિ.ના નાણાંનો આ રીતે વેડફાટ કર્યો હતો ? તેનો જવાબ માંગવો જોઈએ. મ્યુનિ.માં કઈ હદનો ગેરવહીવટ ચાલે છે, તેનો આ નમૂનો છે. થઈ ગયેલા મકાનોનું કોઈએ ધ્યાન રાખતું ન હોવાથી ચોરીઓ થાય છે કે અસામાજિક તત્ત્વો ઘૂસી જાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ડી. થારા કમિશનર હતા તે સમયે કેગના અધિકારીઓ ચકાસણીમાં આવ્યા હતા અને તેમણે પણ હાઉસિંગ વિભાગની તે સમયની કામગીરીની આકરી ટીકા કરી હતી. તે સમયે પણ એલર્ટ નહીં થયેલા મકાનો ખંડેર જેવી હાલતમાં મળી આવ્યા હતા.

આટલું ઓછું હોય તેમ ઝુંપડાના સ્થાને મકાનો બાંધનાર બિલ્ડરોને ખોટી રીતે ગણતરી કીરને ટીડીઆર ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ વધુ પ્રમાણમાં આપીને કરોડોનો ફાયદો કરાવ્યો હતો.

જો કે બાદમાં આ અંગેની તપાસ કરવાનું કોઈને ય સૂઝ્યું ન હતું. ઉપરાંત લૉકડાઉન દરમ્યાન બહારના મજૂરોએ સાયકલ પર કે ચાલીને વતનની વાટ પકડી હતી. તે સમયે સરકારની આકરી ટીકા થઈ હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે આ એફોર્ટેબલ રેન્ટલ સ્કીમની જાહેરાત કરી છે.

Gujarat