જાણો... કયા કારણથી થાય છે એડીમાં દુખાવો અને તેના ઉપાયો
અમદાવાદ, 2 ડિસેમ્બર 2018, રવિવાર
પગની એડીમાં થતા દુખાવાની મોટાભાગના લોકો અવગણના કરતાં હોય છે. આ દુખાવાનો ઈલાજ ન કરવામાં આવે તો પગના પંજામાં તેમજ સાંધામાં પણ દુખાવો થવા લાગે છે. એડીના દુખાવાની શરૂઆતમાં જ દવા કરી લેવામાં આવે તો ગંભીર સમસ્યાથી બચી શકાય છે.
નિષ્ણાંતો અનુસાર ભારતમાં દર વર્ષે એડીના દુખાવાની સમસ્યાના અંદાજે 1 કરોડ કેસ નોંધાય છે. આ સમસ્યાથી પુરુષો પણ ત્રસ્ત હોય છે પરંતુ મહિલાઓમાં આ તકલીફ વધારે હોય છે. પગની આંગળી અને એડીને જોડતાં પ્લાન્ટર ફેશિયામાં જ્યારે દુખાવો અને સોજો આવે છે ત્યારે ચાલવાથી દુખાવો વધી જાય છે. આ તકલીફ તેમને વધારે સતાવે છે જેમને ફ્લેટ ફૂટની તકલીફ હોય.
આ ઉપરાંત પગ અચાનક વળી જવો, ફ્રેકચર, હાઈ હિલ્સ પહેરવી પણ તેનું મુખ્ય કારણ બને છે. વજન જ્યારે વધી જાય ત્યારે પણ આ દુખાવો વધારે થાય છે. એડીમાં દુખાવો થવાનું કારણ કોઈ ઘા પણ હોય શકે છે. જો ઘા જૂનો હોય અને દુખાવાની અવગણના કરવામાં આવે તો આ ઘા ગંભીર તકલીફ બની શકે છે અને ઓપરેશન પણ કરાવવું પડી શકે છે.
જો તમે વર્ષોથી એક જ સાઈઝના ફૂટવેર પહેરતાં હોય તો તે પણ તમારા દુખાવાનું કારણ બની શકે છે. જી હાં, પગ માટે યોગ્ય સાઈઝના ફૂટવેરની જ પસંદગી કરવી. જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે તેમ તેમ તેના પગની સાઈઝમાં પણ ફેરફાર થાય છે. આ ફેરફારની નોંધ લેવી અને તે અનુસાર જ ફૂટવેર પસંદ કરવા. આ ઉપરાંત જેને એડીનો દુખાવો હોય તેણે હાઈહીલ્સ ન પહેરવી જોઈએ. આવા ફૂટવેરથી આંગળા પર જોર પડે અને પગના તળીયાના હાડકામાં ગાંઠ પડી શકે છે. તેથી સારી કંપનીના ફૂટવેર જ પહેરવાનો આગ્રહ રાખવો.
એડીમાં સખત દુખાવો રહેતો હોય તો એવા ફૂટવેર પહેરવા કે જેમાં એડીના ભાગમાં ગાદી હોય. બજારમાં સિલિકોનના બનેલા શૂ ઈંસર્ટ પણ મળે છે. આ ઉપરાંત વધારે સમય સુધી ઊભા રહેવાનું પણ ટાળવું જોઈએ.
1. એડીમાં દુખાવો વધારે રહેતો હોય તો ડોક્ટરની સલાહ અનુસાર દવા લેવી.
2. હૂંફાળા પાણીમાં સિંધવ નમક ઉમેરી અને તેમાં પગ ડુબાડી રાખવા.
3. દુખાવો હોય ત્યાં બરફથી શેક કરવો જોઈએ. શેક કરવા માટે પાણીની બોટલમાં બરફ જમાવીને તેનો ઉપયોગ કરી શકાય.
4. ફિઝિયોથેરાપિસ્ટ પાસેથી કસરતો શીખી લેવી.
5. સવારે અને સાંજે ઘાસ પર ચાલવું.