મુંબઈમાં 20 ગ્રામ MD ડ્રગ્સ સાથે ભુજનો યુવક ઝડપાયો


ભુજ ડ્રગ્સનો પગપેસારો, બે લાખના ડ્રગ્સ સાથે વધુ એક પકડાયો

એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે કામ કરતા ઈમરાન અરબને ભુજની ટ્રેનમાં બેસે તે પહેલાં ઝડપી નેટવર્ક જાણવા આજે રિમાન્ડ મેળવાશે

ભુજ :  ભુજ અને કચ્છમાં એમડી ડ્રગ્સના નશાનો કારોબાર ચિંતાજનક રીતે વધી રહ્યો છે. હવે, મુંબઈ પોલીસે બોરીવલી રેલવે સ્ટેશનની બહારથી ભુજના યુવકને ૨૦ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડયો છે. એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે કામ કરતો ઈમરાન બે લાખની કિંમતનું ૧૯ ગ્રામ, ૬૦૦ મિલીગ્રામ એમડી ડ્રગ્સ મુંબઈથી ખરીદીને કચ્છના ભુજ જતી ટ્રેનમાં બેસવાનો હોવાની બાતમીથી મુંબઈના કસ્તુરબા પોલીસ સ્ટેશનના સ્કવોડે ઝડપી લીધો હતો. ઈમરાને મુંબઈમાં કોની પાસેથી ડ્રગ્સ ખરીદ્યું, કચ્છમાં ક્યાં વેચવાનો હતો વગેરે મુદ્દા અંગે તપાસ કરવા માટે બુધવારે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવામાં આવશે.

મુંબઈના કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ય વિગતો મુજબ, બોરીવલી રેલવે સ્ટેશન બહાર રીક્ષા સ્ટેન્ડ પર ગુલાબી કલરનો ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ પહેરેલા યુવક પાસે એમ.ડી. ડ્રગ્સનો જથ્થો છે તેવી બાતમી મળી હતી. પોલીસ સ્ટેશનના એન્ટીટેરરિસ્ટ સેલની ટીમે ૩૨ વર્ષની વયના યુવકને ઝડપી લઈ તપાસ કરતાં તેની પાસેથી બે લાખ રૃપિયાની કિંમતનું ૧૯ ગ્રામ ૬૦૦ મિલીગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પ્રાથમિક વિગતો ુમુજબ, ઈમરાન અબ્દુલભાઈ અરબ ઉર્ફે રોયલ (ઉ.વ. ૩૨) ભુજના મોટા પીર રોડ ઉપર સંજોગનગરમાં રહે છે. ઈમરાન બે દિવસ પહેલાં મુંબઈ આવ્યો હતો અને ડ્રગ્સનો જથ્થો મેળવીને સોમવારે રાતે ભુજ જવા માટે બોરીવલી રેલવે સ્ટેશનની બહારના રિક્ષા સ્ટેન્ડ નજીકથી ઝડપાયો હતો.

એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે કામ કરતો ઈમરાન છેલ્લા કેટલા સમયથી મુંબઈ અવરજવર કરતો હતો અને ભુજ- કચ્છમાં ડ્રગ્સ વેચાણના નેટવર્કમાં સામેલ હોવાની આશંકા વચ્ચે તપાસ ચાલી રહી હોવાનું મુંબઈ પોલીસે જણાવ્યું હતું. મુંબઈના કસ્તુરબાનગર પોલીસ થાણાના પીેએસઆઈ આંબાવડેએ જણાવ્યું હતું કે, ઈમરાન અરબે ડ્રગ્સનો જથ્થો  મુંબઈના કયા વિસ્તારમાંથી કોની પાસેથી મેળવ્યો હતો તે અંગે તપાસ હાથ ધરાઈ છે. ઈમરાન અરબને બુધવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે. આરોપી ઈમરાનની પૂછપરછમાં કચ્છમાં ડ્રગ્સના વેચાણના નેટવર્ક અંગે જાણકારી મળશે તો કચ્છ પોલીસ સાથે વિગતોની આપ-લે કરવામાં આવશે તેમ મુંબઈ પોલીસે જણાવ્યું હતું.

હજુ ૧૦ દિવસ પહેલાં અમદાવાદથી ડ્રગ્સનો જથ્થો લઈને ભુજમાં વેચાણ માટે લાવતાં ત્રણ યુવક પકડાયા હતા. હવે, મુંબઈ પોલીસે ભુજમાં વેચાણ કરવા માટે લઈ જવાતા ડ્રગ્સના જથ્થા સાથે ભુજના ઈમરાન અરબ નામના યુવકને ઝડપી લીધો છે. ભુજ અને કચ્છમાં ડ્રગ્સનો પગપેસાર થયો છે તે ગંભીર બાબતે સક્રિય કાર્યવાહી જરૃરી બની છે.

City News

Sports

RECENT NEWS