ગોધરા હાઇવેને જોડતો 38 કિ.મી.નો 97 કરોડના ખર્ચે બનેલો રોડ તૂટી ગયો
- મહીસાગર જિલ્લાના બાલાસિનોરથી વિરણીયા ચોકડી પાસે
- રોડમાં ઠેર ઠેર ખાડા પડતા વાહનચાલકોને પડતી હાલાકી
આ રોડ નવો તેમજ પહોળો બનતા લુણાવાડાથી વિરણીયા થઈને બાલાસિનોર અને અમદાવાદ જતા વાહનચાલકો માટે આ રોડ સલામત આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો હતો ત્યારે સરકારે કરોડો રૂપિયા ખર્ચ કરી જનતાની સુવિધાઓ માટે રોડ બનાવ્યોતો ખરો પણ આ રોડને ભ્રષ્ટાચારનું ગ્રહણ લાગી ગયું અને રોડ બનાવ્યાના થોડાજ સમયમાં ઠેર ઠેર મસમોટા ગાબડાં પડતા ઠેર ઠેર બિસ્માર થઈ ગયો છે અને જેના કારણે વાહનચાલકો અને રોડને અડીને જે ગામો આવેલા છે તે ગામના સ્થાનિક ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર રોડ જ્યારથી નવો બન્યો ત્યારથીજ હલકી કક્ષાનું મટેરિયલ્સ વાપરવામાં આવી રહ્યું હતું અને નવીન રોડ બનાવવા જે ઉચ્ચ ગુણવત્તા હોવી જોઈએ તે જાળવવામાં આવી નથી અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આચરવા માટે જ નવીન રોડ બનાવવામાં આવ્યો હોઇ તેવું લાગે છે અને જે માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતને કારણે રોડ પર ટુકાજ ગાળામાં ઠેર ઠેર મોટ મોટા ખાડા પડી જતા વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે.
15 દિવસમાં કામ પૂર્ણ થઈ જશે નાયબ કાર્યપાલક ઈજનેર
માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરે વાત કરતા જણાવ્યું હતું કે ૯૭ કરોડ રૂપિયાના ખર્ચે રોડ બનેલ છે અને ચોમાસામાં રોડમાં ખાડા પડી જતા કોન્ટ્રાક્ટરને નોટીસ આપી ખાડા પુરી રોડ રીપેર કરવામાં આવ્યો હતો અને ફરીથી રોડ પર ખાડા પડતા રોડ બિસ્માર થયો છે ત્યારે ફરીથી કોન્ટ્રાક્ટરને નોટીસ આપી રોડ રીપેર કરવા જણાવેલ છે અને રોડ રીપેરીંગની કામગીરી શરૂ કરી છે અને પંદર દિવસમાં કામગીરી પૂર્ણ થઈ જશે .