પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો નવરાત્રિમાં અંધારપટ સર્જવાની ચિમકીથી ખળભળાટ


- વીજ કંપનીના કર્મચારીઓનું નડિયાદ કલેકટરને આવેદનપત્ર

- લાંબા સમયથી અવારનવાર રજૂઆત કરવા છતાં પડતર 6 માંગણીઓનું નિરાકરણ ન આવતા કર્મચારીઓે વિફર્યા

નડિયાદ : રાજ્યમાં ૨૨ જેટલા કર્મચારી યુનિયનો વિવિધ પડતર માંગણીઓને લઈ સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે.ત્યારે  ગુજરાત ઊર્જા વિકાસ નિગમના તાબા હેઠળની વીજ કંપનીના વર્ગ-૩ અને વર્ગ-૪ ના  કર્મચારીઓના પડતર માંગણીઓનું નિરાકરણ આવેલ નથી. જેથી  મધ્ય ગુજરાત વીજ કંપની, ડભાણના કર્મચારીઓએ નડિયાદ ખાતે કલેકટરને આવેદનપત્ર આપી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો નવરાત્રિમાં અંધારપટ સર્જવાની ચિમકી આપતા ખળભળાટ વ્યાપી ગયો છે.

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના તાબા હેઠળની વીજ કંપનીના વર્ગ-૩ અને ૪ના ટેકનિકલ કર્મચારીઓના ગુજરાત વીજ ટેકનિકલ કર્મચારી સંઘે નડીયાદ કલેકટર ને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે વીજ કંપનીના કર્મચારીઓની પડતર માંગણીઓ લાંબા સમયથી પેન્ડીંગમાં છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પડતર માંગણીઓનું નિરાકરણ આવેલ નથી. જેમાં છ જેટલી માંગણીઓનો સમાવેશ થાય છે, ધોરણ ૧૨ પાસ આઇ ટીઆઇ પાસ બાદ બે વર્ષ એપ્રેન્ટીસ ત્યારબાદ એનસીવીટીની પરીક્ષા મેરીટમાં આવેલા ઉમેદવારોને લેખિત પરીક્ષા પાસ અને છેલ્લે ૧૦ મીટર ઊંચો લોખંડનો થાંભલો ચોક્કસ સમય મર્યાદામાં ચઢવો આવી લાયકાત ધરાવતા કર્મચારીઓને બિન કુશળ કર્મચારી તરીકે પટાવાળા, બગીચાના માલી, સફાઈ કામદાર વગેરે સમક્ષ ગણવામાં આવે છે. શૈક્ષણિક ધારા ધોરણ મુજબ કામની કુશળતા અને કામની કુશળતા ધરાવતા કર્મચારીને કુશળ કર્મચારી ગણી વર્ગ ચારમાંથી વર્ગ ત્રણમાં સમાવેશ કરવો અને વર્ગ-ત્રણમાં મળવાપાત્ર તમામ લાભો આપી અસમાનતા અને વિસંગતતા દૂર કરવા જેવી પડતર માંગણીઓ રજૂ કરવામાં આવી છે.  જો પડતર માંગણીઓ નહીં સંતોષાય તો ના છૂટકે નવરાત્રિના તહેવારો ટાણે સમગ્ર રાજ્યમાં અંધારપટ સર્જવાની ચીમકી આપી છે.આ વીજ કંપનીના કર્મચારીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

City News

Sports

RECENT NEWS