For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નરસિંહ મહેતા સરોવરના મહેમાન બનતાં સંખ્યાબંધ યાયાવર પક્ષીઓ

Updated: Dec 7th, 2022

Article Content Image

- 'પંછી નદિયાં પવન કે ઝોંકે, કોઈ સરહદ ના ઈન્હે રોકે'

- સ્થાનિક તેમજ દેશનાં વિવિધ ભાગમાંથી ઉપરાંત વિદેશથી પણ પક્ષીઓ શિયાળો ગાળવા આવી પહોંચ્યા

જૂનાગઢ : શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થતા જ જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાં વિવિધ પ્રકારના પક્ષીઓનું આગમન થયું છે. જેને લઇ પક્ષી પ્રેમીઓમાં પણ ઉત્સાહ છવાયો છે.

લોકોને બહારગામ તથા વિદેશ જવા ટિકિટ તથા પાસપોર્ટની ઉપરાંત મંજૂરીની જરૂર પડે છે પરંતુ એકમાત્ર પક્ષીઓને આ પ્રકારના નિયમ લાગુ પડતા ન હોવાથી બિન્દાસ પોતાના વાતાવરણ મુજબ રહેણાંક પસંદ કરે છે. ત્યારે દર વર્ષે શિયાળાના આગમન સાથે જ મોટી સંખ્યામાં ભારતીય ઉપરાંત વિદેશીપક્ષીઓ નરસિંહ મહેતા સરોવરમાં અનોખી અદાઓમાં તરતા જોવા મળે છે. તળાવમાં દેડકા માછલી તથા નાની જીવાત ઉપરાંત વનસ્પતિ સહિતનો પૂરતો ખોરાક ઉપરાંત અનુરૂપ વાતાવરણ મળતું હોવાથી  શિયાળામાં તેનું રહેણાંક બદલી આવતા હોય છે. શહેર મધ્ય જ આવેલા નરસિંહ મહેતા સરોવરમાં પક્ષીઓના કલબલાટથી અનોખો માહોલ જોવા મળે છે, જે શહેરીજનોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

હાલ સરોવર ખાતે જોવા મળતી વિવિધ પ્રજાતિઓમાં ખાસ કરીને બતકોની સંખ્યા વધુ જોવા મળી રહી છે જેમાં ટિલીયાળી બતક, જળકુકડી બતકો ,ભગતડું કે જે ઓસ્ટ્રેલિયાની પ્રજાતિ ગણાય છે, ગજપાવ, ટીટોડી, કેંચીપૂછ વાગબલી, મોટોકાજીયો, ગુલાબી પેણ બતક, બગલો, ધોળી કાંકણસાર, ખંજન સહિતના જળચર પક્ષીઓએ નરસિંહ મહેતા સરોવરમાં મુકામ કર્યો છે. આ ઉપરાંત સ્થાનિક એવા પોપટ, સમડી, કબુતર, કાબર , ચકલી ,ટીટોડી ,કાગડા  સહિતના વિવિધ પક્ષીઓની ચીંચીયારીઓ વાતાવરણને નયન રમ્ય બનાવે છે.

 સવારે પુણ્ય કમાવા  શહેરીજનો સરોવરમાં ઘઉંના લોટની ગોળીઓ, દાળિયા, ગાંઠિયા, સહિત નો ખોરાક માછલી માટે નાખતા હોય છે. બહારથી આવતા વિવિધ પ્રાંતના  અને દેશના  જળચર કે અન્ય પક્ષીઓ પણ આ ખોરાક આરોગતા જોવા મળે છે ત્યારે આ પ્રકારના ખોરાકમાં કાર્બોહાઇડ્રેટ વધુ પ્રમાણમાં હોય છે એ જોતાં સરોવરના પાણીમાંથી જ મળતા પૂરતા ખોરાક સામે  કાર્બોહાઈડ્રેટવાળા ખોરાક ખાવાથી પક્ષીઓના આરોગ્યને પણ નુકસાનકારક બની શકે છે. ખાસ કરીને બગલાઓની પ્રજાતિને ઉડવાની ક્ષમતા ઓછી થવાની શક્યતા પણ રહે છે. 

માછલીઓ- પક્ષીઓ માટે ઓક્સિજનનું સ્તર જાળવી રાખવા બાયો બબલ ફુવારા

જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવર ખાતે મોટી સંખ્યામાં માછલાઓ,  દેડકાઓ ઉપરાંત હાલ શિયાળાને લઈ વિવિધ પ્રકારના પક્ષીઓનું પણ આગમન થયું છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા નિયમિત પાણીમાં ઓક્સિજનનું લેવલ જળવાઈ રહે તે માટે બાયોબબલ ફુવારા પણ કાર્યરત કરાયા છે, જે ફુવારાઓ ફરતે બતક સહિતના વિવિધ પક્ષીઓ અનેરો આનંદ માણતા પણ જોવા મળી રહ્યા છે.

Gujarat